વિદ્યાર્થીઓમાં વિવિધ લલિતકળાઓ પ્રત્યે રૂચી કેળવાય અને આપણા કલા વારસાથી અવગત થાય તે અર્થે , ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ) સ્પોર્ટ્સ અને કલ્ચર વિભાગ દ્વારા દર વર્ષે યુવક મહોત્સવ – ક્ષિતિજનું આયોજન કરવામાં આવે છે. “આઝાદી કા અમૃત મહોત્સવની” થીમ આધારીત વર્ષ 2022નો 10મો યુવક મહોત્સવ જીટીયુ દ્વારા વિવિધ 5 ઝોન ખાતે યોજવામાં આવશે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે જીટીયુ હરહંમેશ કાર્યરત રહે છે. માત્ર ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે જ નહીં પરંતુ વિવિધ લલિતકળાઓમાં પણ જીટીયુના વિદ્યાર્થીઓને સ્ટેજ પૂરું પાડવા માટે યુવક મહોત્સવ – ક્ષિતિજ શ્રેષ્ઠ માધ્યમ છે. વધુમાં જણાવતાં કહ્યું હતું કે, જીટીયુના વિદ્યાર્થીઓએ અગાઉના વર્ષોમાં પણ રાષ્ટ્રીય કક્ષાએ એઆઈયુ આયોજીત યુવક મહોત્સવમાં પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને રાજ્યનું નામ રોશન કરેલ છે. યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના પૂર્વ નિયામક અને જીટીયુ કલ્ચરલ બોર્ડના સભ્ય મનોજ શુક્લના માર્ગદર્શન હેઠળ વર્ષ – 2022નો યુવક મહોત્સવ યોજવામાં આવશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે વિદ્યાર્થીઓને પણ સહર્ષ ભાગ લેવા ઉપરાંત જીટીયુ સ્પોર્ટ્સ અને કલ્ચર ઓફિસર ડૉ. આકાશ ગોહિલને સફળ સંચાલન અર્થે શુભકામના પાઠવી હતી.