સેન્સેકસમાં ઉઘડતામાં 800 પોઈન્ટનું ગાબડુ:
વિકાસદર અપેક્ષિત ન આવતા તથા વૈશ્ચીક મંદીનો પ્રત્યાઘાત ભારતીય શેરબજાર તેજી-મંદીના રોલર કોસ્ટરની દશામાં હોય તેમ આજે ફરી કડાકો સર્જાયો હતો. સેન્સેકસમાં ઉઘડતામાં 800 પોઈન્ટનું ગાબડુ પડયુ હતું. ડોલર સામે રૂપિયો પણ 17 પૈસા પટકાયો હતો. શેરબજારમાં આજે શરૂઆત જ ગેપડાઉન હતી. ત્રિમાસિક વિકાસદર બે આંકડામાં આવ્યો હોવા છતાં અપેક્ષિત નહીં રહ્યાનો ખચકાટ હતો.
આ સિવાય અમેરિકામાં આક્રમક વ્યાજદર વધારાની નીતિ ચાલુ રહેવાના તથા વૈશ્વીક મંદીના ભણકારાથી દુનિયાભરના બજારોમાં મંદીનો પ્રત્યાઘાત હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે કેટલાંક દિવસોથી વિદેશી નાણાં સંસ્થાઓ જંગી ખરીદી કરી રહી હોવાથી માર્કેટને ટેકો છે. બાકી વૈશ્વીક ઘટનાક્રમો પ્રત્યાઘાત સર્જી રહ્યા છે. તોફાની વધઘટનો દોર જારી રહી શકે છે. શેરબજારમાં આજે એશિયન પેઈન્ટસ, બજાજ ફીનસર્વિસ, ભારતી એરટેલ, સ્ટેટ બેંક જેવા કેટલાંક શેરોમાં સુધારો હતો
પરંતુ એચડીએફસી, હિન્દ લીવર, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, કોટક બેંક, લાર્સન, મારૂતી, નેસલે, રીલાયન્સ, ટીસીએસ વગેરે ગગડયા હતા. મુંબઈ શેરબજારનો સેન્સેકસ 511 પોઈન્ટના ગાબડાથી 59025 હતો તે ઉંચામાં 59154 તથા નીચામાં 58638 થયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 144 પોઈન્ટ ગગડીને 17615 હતો તે ઉંચામાં 17649 તથા નીચામાં 17485 હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો ફરી 17 પૈસા ગગડીને 79.62 સાંપડયો હતો.