D-Martનો નફો 6 ગણો વધીને રૂ. 680 કરોડ, આવક બમણી થઈ
બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાના ગુરૂ ગણાતા રાધાકિશન દામાણીના નેજા હેઠળની દિગ્ગજ રિટેલ બ્રાંડ ડી માર્ટની કંપની એવન્યુ સુપરમાર્ટને એપ્રિલ-જુનના પ્રથમ ત્રિમાસિકગાળામાં બમ્પર કમાણી થઈ છે. નવા નાણાંકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં કંપનીની આવક બમણી થઈ છે તો કંપનીના નફામાં બમ્પર 6 ગણો વધારો નોંધાયો છે.
એવન્યુ સુપરમાર્ટ્સે શનિવારે જાહેર કરેલ પ્રથમ ત્રિમાસિકગાળાના પરિણામોમાં કંપનીના સ્ટેન્ડઅલોન નફામાં વાર્ષિક ધોરણે 490.30 ટકાનો વધારો જોવા મળ્યો છે અને તે રૂ. 680 કરોડ થયો છે. ગત નાણાકીય વર્ષના સમાન સમયગાઆમાં કંપનીનો સ્ટેન્ડઅલોન નફો 115 કરોડ રૂપિયા રહ્યો હતો.
આ સાથે કંપનીનો કોન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે રૂ. 95 કરોડની સરખામણીમાં અનેકગણો વધીને રૂ. 643 કરોડ થયો હતો. કન્સોલિડેટેડ આવક બે ગણી વધીને રૂ. 10,038 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાન સમયગાળામાં રૂ. 5183 કરોડ હતી.
આ સપ્તાહની શરૂઆતમાં તેના બિઝનેસ અપડેટમાં ડીમાર્ટે કહ્યું હતુ કે જૂન ક્વાર્ટરમાં તેની સ્ટેન્ડઅલોન આવક વાર્ષિક ધોરણે લગભગ બે ગણી વધીને રૂ. 5031.75 કરોડથી રૂ. 9806.89 કરોડ થઈ છે
પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીનું એબીટા માર્જિન વાર્ષિક ધોરણે 4.4 ટકાથી વધીને 10.10 ટકા થયું છે. તે જ સમયે PAT માર્જિન વાર્ષિક ધોરણે 2.3 ટકાથી વધીને 6.9 ટકા થયું છે.
કંપનીના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર નેવિલ નોરોન્હાએ જણાવ્યું છે કે પ્રથમ ક્વાર્ટરમાં કંપનીએ તમામ નાણાકીય માપદંડો પર સારું પ્રદર્શન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન કંપનીના કુલ વેચાણમાં જબરદસ્ત રિકવરી જોવા મળી છે. તેમણે વધુમાં કહ્યું કે એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આ ક્વાર્ટરના પ્રદર્શનની સરખામણી પાછલા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર સાથે કરવી યોગ્ય રહેશે નહીં કારણ કે ગયા વર્ષે આ સમયગાળામાં દેશ કોરોનાની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યો હતો. અમે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષો દરમિયાન 110થી વધુ સ્ટોર ખોલ્યા છે.