CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગુજરાતમાં પ્રથમવાર યોજાશે નેશનલ ગેમ્સ, દેશના 25 હજાર રમતવીરો ભાગ લેશે
CM ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે,
CMએ ટ્વિટ કરતા જણાવ્યું કે, ‘મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગુજરાત આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું આયોજન કરશે. ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ હું IOA નો આભારી છું.’
ગઇકાલે હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને CM જાહેેરાત કરશે તેમ જણાવ્યું હતું
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘આવતીકાલે સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યુવા અને સ્પોર્ટ્સ અંગે કેટલીક મહત્વની જાહેરાત કરશે.’
રમતગમતોમાં યુવાનોને કેન્દ્ર સ્થાને રાખવા સરકાર કટિબદ્ધ : CM ભૂપેન્દ્ર પટેલ
મહત્વનું છે કે, થોડા દિવસો અગાઉ વિશ્વમાં રમત-ગમત ક્ષેત્રે ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેના સામુહિક ચિંતન મંથન માટે દેશની સૌ પ્રથમ એવી રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની દ્વિ-દિવસીય પરિષદ સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ટેન્ટસીટી ખાતે યોજાઇ હતી. આ પરીષદના સમાપન અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, યુવાઓને ખેલકૂદ ક્ષેત્રે પ્રોત્સાહિત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતોમાં ઉજ્જ્વળ દેખાવ માટે પ્રસ્થાપિત કરવા સરકાર કટિબદ્ધ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી રમતવીરોને વૈજ્ઞાનિક તાલીમ આપવાનું એક સક્ષમ માધ્યમ બની છે અને સ્પોર્ટસ કારકીર્દી નિર્માણનું ક્ષેત્ર પણ બની છે. આ પરિષદનું સામૂહિક વિચાર-મંથન એ દિશામાં ઉત્તમ પ્લેટફોર્મ બનશે.
વધુમાં CMએ કહ્યું હતું કે, ખેલાડીઓ, કોચ, ટ્રેનર્સ અને અન્ય લોકોને તેમની સાચી ક્ષમતાનો અહેસાસ કરવામાં મદદ માટે વૈજ્ઞાનિક રીતે તાલીમ અને વૈજ્ઞાનિક જ્ઞાન આપવાની જરૂર છે. યુવાઓને ખેલકૂદ ક્ષેત્રે પ્રોત્સાહિત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતોમાં ઉજ્જવળ દેખાવ માટે પ્રસ્થાપિત કરવામાં આવશે.