અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે ‘જળયાત્રા’: ભગવાન જગન્નાથ ચાલ્યા મોસાળ
અમદાવાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે ધામધૂમથી નીકળવાની છે અષાઢી બીજના દિવસે શહેરના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરે નીકળનારી રથયાત્રા પૂર્વે જેઠ સુદ પૂનમ એટલે કે આજે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિરના પ્રાંગણમાંથી જળયાત્રા સાબરમતી નદીના કાંઠે પહોંચી હતી. શણગારેલા હાથી, ગાડાં, ધ્વજ, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં ભક્તો જળયાત્રામાં જોડાયા હતા. આ જળયાત્રા તમામ વિધિઓ પૂર્ણ કરીને પાછી ફરી છે. ત્યાર બાદ ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ જળાભિષેક બાદ ષોડશોપચારથી પૂજન કરવામાં આવ્યું હતું અને પૂજન બાદ ભગવાને ગજવેશ ધારણ કર્યો.
અમદાવાદમાં જળયાત્રા બાદ ભગવાને ભક્તોને ગજવેશમાં દર્શન આપ્યાં છે. આ વર્ષે ધ્વજાપતાકા ખાસ આકર્ષણનું કેન્દ્ર છે સાથે 18 ગજરાજ પણ જળયાત્રામાં જોડાયા છે.
ભગવાનના ગજવેશનાં દર્શન બાદ બપોરે ભગવાન જગન્નાથજીને ગજવેશથી શણગારીને મોસાળ મોકલવામાં આવ્યા હતા. ભગવાનના ગજવેશમાં દર્શન કરી ભક્તો ભાવવિભોર થયા હતા.
રથયાત્રા પૂર્વેની જળયાત્રાના પ્રસંગને ધ્યાનમાં રાખી સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ભગવાનને અભિષેક માટે 108 કળશ ભરવા માટે નીકળેલી જળયાત્રામાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, દેશના મોટા સાધુ સંતો, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, ભૂતપૂર્વ ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ભૂતપૂર્વ નાયબ, મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ જોડાયા હતા. જમાલપુર મંદિરમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા પૂર્વે આજે નીકળનારી જળયાત્રાને પૂરી કરી દેવામાં આવી છે.