GSEB રિઝલ્ટ ધોરણ 10નું પરીણામ જાહેર
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આજે જાહેર થઈ ગયું છે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે છે. સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે છોકરાઓ કરતાં છોકરીઓએ 11.74 ટકા વધુ પરિણામ મેળવ્યું છે.
અમદાવાદની એચ.બી.કાપડિયા સ્કૂલના ભવ્ય પટેલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, મારે 95 ટકા આવ્યા છે. હું રોજ 8 કલાક મહેનત કરતો હતો. કોરોના હતો છતાં સ્કૂલ તરફથી રોજ પેપર લખવામાં આવતા હતા. તે ઉપરાંત હું જાતે મહેનત કરતો હતો. હવે સાયન્સમાં એડમિશન લઈને ભવિષ્યમાં એન્જીનયરિંગ કરવા ઈચ્છું છું.હર્ષ ધ્રુવ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મારે 97.5 ટકા આવ્યા છે. હું રોજ 7-8 કલાક મહેનત કરતો હતો. ટ્યુશન પણ જતો હતો અને સાથે સ્કૂલમાં મહેનત કરતો હતો. રોજ લખવાની પ્રેક્ટિસ પણ કરતો હતો. જેનું આજે મને પરિણામ મળ્યું છે. હવે આગળ સાયન્સમાં એડમિશન લઈને IIT માંથી કોમ્પ્યુટર એન્જીનયર બનવું છે.
GSEB રિઝલ્ટ ધોરણ 10નું પરીણામ જાહેર
ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં અમદાવાદ શહેરનું 63.18% અને ગ્રામ્યનું 63.98% પરિણામ આવ્યું છે. શહેરમાં 586 અને ગ્રામ્યમાં 594 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. શહેરમાં B1 અને C2 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયાં છે. આ વખતે પરીક્ષામાં અમદાવાદ શહેરમાં 48755 અને ગ્રામ્યમાં 40584 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
સુરત જિલ્લાનું 75.64 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ 2532 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. સુરત જિલ્લાનું ગુજરાતમાં સૌથી વધુ 75.65 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. સુરતમાં 2532 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે A-2માં 9274, B-1માં 13371, B-2માં 15180, C-1માં 13360, C-2માં 6256 અને Dમાં 329 વિદ્યાર્થી ઉતીર્ણ થયા છે.
રાજકોટ જિલ્લાનું 72.86 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ રૂપાવટી કેન્દ્રનું 94.80 ટકા પરિણામ આવ્યું છે જે રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છે. રાજકોટ જિલ્લામાં 0 ટકાવાળી 6 સ્કૂલ અને 100 ટકા પરિણામ ધરાવતી સ્કૂલની સંખ્યા 30 છે. 2020માં રાજકોટ જિલ્લાનું 64.08 ટકા પરિણામ હતું. આથી 2022માં 8.78 ટકા વધુ પરિણામ આવ્યું છે.રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડમાં 1561, A2 ગ્રેડમાં 4562, B1 ગ્રેડમાં 6637, B2 ગ્રેડમાં 7293, C1 ગ્રેડમાં 6110, C2 ગ્રેડમાં 2263, D ગ્રેડમાં 73, E1* ગ્રેડમાં 0, E1 ગ્રેડમાં 5446 અને E2 ગ્રેડમાં 5170 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લામાં 30 ટકાથી ઓછા પરિણામવાળી સ્કૂલની સંખ્યા 69 છે.
GSEB રિઝલ્ટ ધોરણ 10નું પરીણામ જાહેર
વડોદરા જિલ્લાનું 61.21% પરિણામ આવ્યું છે.478 વિદ્યાર્થીને A-1 ગ્રેડ,2505 વિદ્યાર્થીને A-2 ગ્રેડ મળ્યો છે.વડોદરા શહેર-જિલ્લામાં ધો.10ના 70,494 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા.વિદ્યાર્થીઓના પરિણામને લઇને વાલીઓ પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની કોરોનાના કપરા કાળ પછી કસોટી સમાન પરીક્ષા બની રહી હતી. જોકે પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ-વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો. વિદ્યાર્થીઓ કોરોના કાળમાં સતત બે વર્ષ સુધી ઓનલાઇન અભ્યાસ કર્યો છે.
કોરોનાકાળની શરૂઆતમાં જ્યારે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ લોકડાઉનના 75 દિવસ બાદ 9મી જૂન 2020ના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 2020માં 10મા ધોરણનું 60.64 ટકા પરિણામ જાહેર થયું હતું. જે 2019 કરતા 5 ટકા ઓછું હતું. 2019માં ધોરણ 10નું 66.97 ટકા પરિણામ હતું. 2020માં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ છે. તો 174 શાળાઓનું શૂન્ય ટકા પરિણામ હતું. 100 ટકા પરિણામ ધરાવતી 291 શાળાઓ હતી. 2020માં અંદાજે 10.80 લાખ વિદ્યાર્થીઓએ રાજ્યભરમાંથી પરીક્ષા આપી હતી.