આજે સવારે આઠ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે.
આ વખતે સુબીર,છાપી,અલારસા કેન્દ્રમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ લાવનારૂ કેન્દ્ર ડભોઈ છે. જેમાં માત્ર 56.43 ટકા જ પરિણામ આવ્યું છે. જ્યારે એક જ સ્કૂલમાં 10 ટકા કરતાં ઓછું પરિણામ આવ્યું છે. 1064 સ્કૂલોમાં 100 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓનું પરિણામ 4.56 ટકા વધુ આવ્યું છે. ક્રિશા શાહ નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું કે મારે 87.77 ટકા આવ્યા છે. કોરોના હતો છતાં અમે મહેનત કરી હતી.ધાર્યા કરતાં ઓછું પરિણામ છે. પરંતુ હું પરિણામથી ખુશ છું.હવે આગળ હું MBA કરીશ.આશા પંડ્યા નામના 12 કોમર્સના શિક્ષકે જણાવ્યું હતું કે આ વર્ષે પરીક્ષા સરળ રહી હતી.પરિણામ પણ અગાઉ કરતા ખૂબ જ સારું આવ્યું છે.પરિણામથી અમને અને વિદ્યાર્થીઓને સંતોષ છે.પાર્શ્વ શાહ નામનો વિદ્યાર્થીને સ્ટેટમાં 100, એકાઉન્ટમાં 96, અર્થશાસ્ત્ર 96, વાણિજ્યમાં 98 માર્ક્સ આવ્યા છે.હવે આગળ આઇટી ફિલ્ડમાં જઈને કરિયર બનાવું છે.
શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં શરૂઆતમાં નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. જેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકો વ્યસ્ત હતા. જેના કારણે પરિણામ જાહેર કરી શકાયું ન હતું. હવે કોન્ફરન્સ પુરી થતાં અધિકારીઓ અને શિક્ષકો પરિણામના કામમાં લાગ્યા હતા અને 4 જૂને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને 6 જૂને ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થશે. દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ gseb.org પર પણ પરિણામ જાહેર થશે. જે બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે 72.2 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા, જ્યારે સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.19 ટકા આવ્યું છે. લાઠી કેન્દ્રનું સૌથી વધુ 96.12% અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 33.33% પરિણામ આવ્યું છે. ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડમાં 196 અને A2 ગ્રેડમાં 3306 વિદ્યાર્થી પાસ થયા છે, જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.4 ટકા આવ્યું છે.
2020માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉચ્ચત્તર બુનિયાદી પ્રવાહની પરીક્ષાનું પરિણામ 76.29 ટકા જાહેર કરાયું હતું, જે ગત વર્ષના 73.27 ટકા કરતાં 3.02 ટકા વધુ આવ્યું હતું. ત્યારે 3,71,771 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2,83,624 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. બનાસકાંઠાનું સોની કેન્દ્ર 97.76 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું હતું.