ગાંધીનગર
ગાંધીનગરને સ્માર્ટસીટી બનાવવા માટે સેક્ટર-22 સહિતના સેક્ટરોના આંતરિક રીંગરોડને ફોરલેન બનાવવાના છે. જેમાં સેક્ટર-22માં રીંગરોડને પહોળો કરવામાં ઘટાદાર લીમડા સહિતના વૃક્ષો કાપવાના હોવાથી સ્થાનિકોમાં વિરોધ ઉઠ્યો હતો. ત્યારે પર્યાવરણ પ્રેમીઓએ વૃક્ષો નહી કાપવાની માંગણી સાથે સંવેદનશીલ સંદેશા સાથે પર્યાવરણ બચાવવાની અપીલ કરી હતી.
ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વન વિભાગ દ્વારા ઘટાદાર વૃક્ષોને કાપીને પર્યાવરણને નુકશાન પહોંચાડીને હરીયાળા નગરને વેરાન બનાવવાની દિશામાં વિકાસના કામ વિનાસ તરફ લઇ જશે તેમ સ્થાનિક પર્યાવરણપ્રેમીઓએ જણાવ્યું છે. વિકાસના નામે વૃક્ષો કાપવાને બદલે તેને બચાવીને પણ વિકાસના કામો કરી શકાય તેવી માંગણી પર્યાવરણપ્રેમીઓએ કરી હતી. જોકે પર્યાવરણ પ્રેમીઓએ કલેક્ટરને લેખિત રજુઆત કરીને વૃક્ષોને કપાતા રોકવાની માંગણી કરતા રોડની કામગીરી હાલ અટકી ગઇ છે. જોકે વૃક્ષો કાપવાના મામલે નિર્ણય નહી લેવાતા પર્યાવરણ પ્રેમીઓએ પર્યાવરણ બચાવવાની અપીલ કરી શું હું તમને નડું છું.. મારી હત્યા ના કરો.. શું મને જીવવાનો અધિકાર નથી.. સહિતના બેનરના સંદેશા સાથે લોકોને પર્યાવરણને બચાવવા જાગૃત્ત કરવા પ્રયાસ કરાયો હતો.