ગાંધીનગર
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉના ખાતે બીજા તબક્કામાં ગીર સોમનાથ જિલ્લાના ૧૦૯ ગામ માટે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવી કહ્યુ કે, ર૪ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ વડાપ્રધાન દ્વારા ગીર સોમનાથ જિલ્લાના ૧૪૩ ગામ માટે કિસાન સૂર્યોદય યોજના કાર્યરત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ બીજા તબક્કામાં રાજ્યના ૧૨ જિલ્લા અને ૬૪ તાલુકાના ૧૧૪૬ ગામનો સમાવેશ કરાયો છે. અગાઉ પ્રથમ તબક્કામાં ૪ જિલ્લાના ૧૦૫૫ ગામને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળી ચૂક્યો છે. આવનારા દિવસોમાં કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂત વધુ સમૃદ્ધ બનશે તેમ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, ગુજરાત ભારતનું રોલ મોડેલ છે. છેલ્લા બે દાયકાથી વિવિધ પ્રોજેક્ટ દ્વારા ગુજરાત વિકાસનો પર્યાય પુરવાર થયું છે. મુખ્યમંત્રીએ આ તકે જ્યોતીગ્રામ યોજનાની સિદ્ધી વર્ણવી ઉમેર્યુ કે, નવા વર્ષના આરંભે ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજનાની શુભ શરૂઆત કરી છે. પાણી-વીજળી એ ખેડૂતની તાકાત છે. રાજ્ય સરકારે પાણી વીજળી માટે સંનીષ્ઠ પ્રયત્નો કર્યા છે. આવનારા દિવસોમાં કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂત બમણી આવક મેળવશે, વધુ સમૃદ્ધ બનશે. ખેડૂતો પોતાની જમીનમાં સોલાર વીજ પ્રોજેક્ટ શરૂ કરી અન્નદાતા હવે ઉર્જાદાતા પણ બની શકે છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે રાજ્ય સરકારની સિદ્ધી વર્ણવતા કહ્યુ હતુ કે, છેલ્લા ૩ વર્ષમાં પી.જી.વી.સી.એલ. દ્વારા દર વર્ષે દોઢ-દોઢ લાખ કનેક્શન આપવામાં આવી રહ્યા છે. અગાઉની સરકારમાં લંગડી વીજળી મળતી હતી ટ્રાન્સફોર્મર બળી જતા હતા. આજે લંગડી વીજળીના દિવસો ભૂતકાળ બની ગયા છે.
મુખ્યમંત્રીએ ગૌરવ પૂર્વક જણાવ્યુ હતું કે, અગાઉની સરકારે ખેડૂતો માટે ક્યારેય રાહત પેકેજ જાહેર નથી કર્યા. જ્યારે ગયા વર્ષે અમારી સરકારે અતિવૃષ્ટિમાં ૩૭૦૦ કરોડનું પેકેજ આપ્યુ હતુ. સૌરાષ્ટ્રના તમામ જિલ્લા તાલુકા અને ગામડાના ખેડૂતોને પેકેજના પૈસા સીધા ખાતામાં જમા થયા હતા. સૌરાષ્ટ્રના ખેડૂતોને પાણી, વીજળી મળે તો દુનીયાની ભૂખ ભાંગવાની તાકાત છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ.
ખેડૂતોની છેલ્લા ઘણા સમયથી દિવસે વીજળી આપવાની લાગણી અને માંગણી સંવેદનશીલ મુખ્યમંત્રીએ પુરી કરતા જણાવ્યુ હતુ કે, ખેડૂતોને દિવસે વીજળી મળતા હવે હેરાન નહીં થવુ પડે ખેડૂત પોતાની શક્તિ ઉર્જાથી વધુ ઉત્પાદન કરશે અને રાત્રે વિશ્રામ અને દિવસે કામ થકી ખેડૂતો વધુ સમૃદ્ધ બનશે.
આ તકે મુખ્યમંત્રીએ તાજેતરમાં ભૂમાફિયા, જમીન પચાવી પાડનારને સીધા કરવા લેન્ડ ગ્રેબીંગ એક્ટ અમલમાં લાવ્યા છે. તેમ જણાવી કહ્યુ કે, હવે ખાનગી અને સરકારી જમીન પચાવી પાડનારાઓની ખેર નથી. આ પ્રસંગે મુખ્યમંત્રી ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા દ્વારા કોરોના વેક્સીન માટે મંજુરી આપી છે. હવે લોકોને જલ્દી વેક્સીન પ્રાપ્ત થશે. કોરોના હારશે ગુજરાત જીતશે એ મંત્ર સાચો પૂરવાર થશે અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ તબક્કાવાર રસીકરણ કરાશે.
મુખ્યમંત્રીએ ખેડૂતોને કૃષિ કાયદા અંગે ગેરસમજો ફેલાવી ગુમરાહ કરતા લોકોથી બચવા જણાવી કહયું કે, ભારત સરકાર અને ગુજરાત સરકારને હૈયે કાયમ ખેડૂતો, ગામડા અને આમ જનતાના હીત રહ્યુ છે અને વર્તમાન સરકારે ખેડૂતો, શોષિતો, પિડીતોના હક્ક, હીતને કાયમ સર્વોચ્ચ પ્રાથમિક્તા આપી છે.
ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે કિસાન સૂર્યોદય યોજના સહિત ઉર્જા વિભાગે ખેડૂતો માટે લીધેલા સઘન પગલા અંગે કહયું કે, ખેડૂતો માગે અને વીજ કનેકશન મળે તે દિવસો હવે દૂર નથી. ખેડૂતને એક કનેક્શન આપવા રૂ. ૧.૬૦ લાખ ખર્ચ થાય છે. જ્યારે સરકાર ખેડૂતો પાસેથી માત્ર ૧૦ હજાર જેવી નજીવી રકમ વસુલે છે અને પ્રત્યેક કનેક્શનર દીઠ રૂ. ૧.૫૦ લાખ જેટલી સબસીડી આપે છે જે દર વર્ષે વીજ કનેક્શન આપવા ૧૮૦૦ કરોડ સબસીડી થાય છે. ઉપરાંત ખેડુતોને વીજ બીલમાં રાહત આપી ૭૫૦૦ કરોડ જેટલી સબસીડી પણ આપે છે. કાર્યક્રમની આભારવીધી નાયબ કલેક્ટર જે.એમ.રાવલે કરી હતી.