મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન વર્ષમાં થોડી જ ફિલ્મો કરે છે, પરંતુ તેના ચાહકો તેની ફિલ્મની કાગડોળે રાહ જોતા રહે છે. દરમિયાન આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ સાથે સુપરસ્ટાર આમિર ખાન ફરી એકવાર સ્ક્રીન પર સિનેમાનો જાદુ ફેલાવીને દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.
તાજેતરમાં, નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે આ ફિલ્મ 14 એપ્રિલ, 2022ના રોજ, બૈસાખીના અવસર પર રિલીઝ થશે, પરંતુ આ ફિલ્મની રિલીઝને લઈને વિવિધ અફવાઓ ચાલી રહી હતી, જે બાદ હવે આમિર ખાન પ્રોડક્શન્સે ઔપચારિક જાહેરાત કરીને તેના પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે.
આમિર ખાન પ્રોડક્શને તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યું છે કે આ ફિલ્મ 14 એપ્રિલ, 2022ના રોજ જ રિલીઝ થશે. લાલ સિંહ ચઢ્ઢામાં આમિર ખાન અને કરીના કપૂર ખાન જોવા મળશે. આ ફિલ્મ અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત છે. તેમાં પ્રીતમનું સંગીત છે અને અમિતાભ ભટ્ટાચાર્યના ગીતો છે. આ ફિલ્મ વાયાકોમ 18 સ્ટુડિયો દ્વારા રજૂ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું શૂટિંગ દેશભરમાં 100થી વધુ જગ્યાએ કરવામાં આવ્યું છે. આ એક પ્રેમકથા છે, જે નાયકની સફરના જુદા-જુદા સમયગાળામાં ફેલાયેલી છે. આ ફિલ્મ 1994ની અમેરિકન ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક હોવાનું માનવામાં આવે છે, જ્યારે આ ફિલ્મમાં ઓપરેશન બ્લુ સ્ટાર અને બાબરી મસ્જિદનો ધ્વંસ પણ દર્શાવવામાં આવ્યો હતો. ફિલ્મમાં આમિર એક શીખ યુવકના રોલમાં છે અને તેની સામે કરીના કપૂર છે.