ગાંધીનગરના કલોલ પૂર્વમાં મધ્યરાત્રિએ સ્થાનિક જાદુગર સાથે તાપણું કરતી વેળાએ માથાકૂટ થતાં ચારેક મિત્રોએ ભેગા મળી હથિયારના ઘા ઝીંકયા હતા. બાદમાં ગંભીર ઈજાગ્રસ્ત જાદુગરને તેના ઘરે પણ મૂકી આવ્યા હતા. ત્યારે અસ્થિર મગજની માતાએ ઈજાગ્રસ્ત પુત્ર તરફ ખાસ ધ્યાન નહીં આપતાં જાદુગરનું રાત્રિ દરમિયાન તરફડિયાં મારીને મોત નીપજ્યું છે. જેનાં પગલે કલોલ તાલુકા પોલીસે ત્રણ મિત્રોની ધરપકડ કરી મૃતકના પોસ્ટ મોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો સાથે તાપણું કરતી વેળાએ બધા જોકર જોકર કહીને જાદુગરને ચીડવતા હોવાથી મામલો બિચકતા હત્યાને અંજામ આપ્યો હોવાની ચાર મિત્રોએ પોલીસ સમક્ષ કબૂલાત કરી લેતા પોલીસે ચારેયની ધરપકડ કરી છે.
અપુ જાદુગરનાં હુલામણા નામથી જાણીતો હતો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કલોલ પૂર્વ વિસ્તારમાં ભિખાભાઈ ઉર્ફે ભારત મંગાભાઈ જાદવ સ્થાનિક તેમજ ગુજરાતના શહેરોમાં જાદુનાં ખેલ કરી ગુજરાન ચલાવતો હતો. જે જાદુગર સમ્રાટ ભારત તરીકે જાદુના ખેલ કરતો હતો. જેને સ્થાનિક લોકો અપુ જાદુગરનાં હુલામણા નામથી બોલાવે છે.
પૈસાની લેવડદેવડ બાબતે તકરાર થઈ હતી
ઉત્તરાયણની રાત્રિ દરમિયાન જાદુગર ભારત તેના મિત્રો સાથે કલોલ પાણીની ટાંકી પાસે લાકડા સળગાવીને તાપણું કરતા હતા. તે સમયે પૈસાની લેવડદેવડ બાબતે મિત્રો વચ્ચે તકરાર થઇ હતી. જેમાં એક મિત્રએ ઘાતકી હથિયાર વડે જાદુગર પર હુમલો કર્યો હતો અને બીજાએ મદદગારી કરી હોવાની પ્રાથમિક વિગતો મળી છે.
પુષ્કળ લોહી વહી જવાથી મોત થયું
બાદમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત જાદુગરને તેના મિત્રોએ ઘરે મુકી આવ્યા હતા. એ સમયે તેની માતા એકલી હતી. જે અસ્થિર મગજની હોવાથી તેના પુત્ર તરફ કોઈ ખાસ ધ્યાન આપી શકી ન હતી. ત્યારે પુષ્કળ લોહી વહી જવાથી જાદુગર ભારતનું મોત નીપજ્યું હતું. વહેલી સવારે જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી.
પોલીસે ત્રણ મિત્રોને દબોચી લીધા
હાલમાં પોલીસે મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરીને ત્રણ મિત્રોને દબોચી લીધા છે. આ અંગે પીએસઆઇ ચાવડાએ જણાવ્યું હતું કે, હાલમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે. અને તેના મિત્રોની પૂછતાંછ ચાલી રહી છે. જો કે પૈસાની લેવડદેવડમાં હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. હુમલો કર્યા પછી મિત્રો જાદુગરને તેના ઘરે પણ મૂકી આવ્યા હતા.