
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: ફાંસીની સજાના ચુકાદાના અમલ પર 3 મહિનાનો સ્ટે આપ્યો, આરોપીઓ સુપ્રીમના દ્વાર ખખડાવશે
અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે પોતાના ચુકાદાના અમલ પર ૩ મહિનાનો સ્ટે આપ્યો છે. આરોપીઓ તરફથી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે દાદ માંગવામાં આવી હતી. હાઇકોર્ટે પોતાના હુકમના અમલ પર 3 મહિનાનો સ્ટે આપ્યો છે. આરોપીઓ હવે સજાના ચુકાદા સામે સુપ્રીમના દ્વાર ખખડાવશે.
મહત્ત્વનું છે કે આજે સવારે ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2022માં સ્પેશિયલ કોર્ટ (સિટી સેશન્સ કોર્ટ) દ્વારા સંભળાવવામાં આવેલી 38 આતંકીઓની ફાંસીની સજા અને 11 દોષિતોને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા યથાવત્ રાખવાનો આદેશ આપ્યો હતો. જે બાદ આરોપીઓ દ્વારા હાઇકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે સમય માંગવામાં આવ્યો હતો. જેને ધ્યાને રાખી ગુજરાત હાઇકોર્ટે પોતાના ચુકાદાના અમલ પર 3 મહિનાનો સ્ટે આપ્યો છે. જેથી હવે 3 મહિના સુધીના સમયગાળા દરમિયાન આરોપીઓ હાઇકોર્ટે આપેલી સજાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકશે.

21 સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા
26 જુલાઈ, 2008 ના રોજ અમદાવાદના અલગ-અલગ 20 સ્થળો પર થયેલા 21 સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા અને 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કેસમાં નીચલી અદાલતે દેશના ઇતિહાસમાં પહેલીવાર એકસાથે 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી. આ ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જ્યારે બીજી તરફ 48 આરોપીઓએ પણ સજા સામે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.
શું હતો સમગ્ર ઘટનાક્રમ?
આઠમી ફેબ્રુઆરી, 2022ના રોજ અમદાવાદની વિશેષ અદાલતના ન્યાયાધીશ એ.આર. પટેલે 78માંથી 49 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા, જ્યારે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 18મી ફેબ્રુઆરી, 2022ના રોજ સજાનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. અદાલતે 38 દોષિતોને ગેરકાયદે પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ (UAPA) અને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ ફાંસીની સજા ફટકારી હતી. 11 દોષિતોને કુદરતી મૃત્યુ સુધી આજીવન કેદની સજા કરવામાં આવી હતી. 48 દોષિતો પર 2.85 રૂપિયા લાખ અને એક દોષિત પર 2.88 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે મૃતકોના પરિવારજનોને 1 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 50 હજાર રૂપિયા અને સામાન્ય ઇજાગ્રસ્તોને 25 હજાર રૂપિયા વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.