
Shree Siddhivinayak Temple, Mumbai આસ્થા નું કેન્દ્ર શ્રી સિદ્ધિવિનાયક મંદિર મુંબઈ
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥
અર્થ: હે વક્રતુંડ, મહાકાય અને કરોડો સૂર્ય જેટલા તેજસ્વી ભગવાન ગણેશ! મારા તમામ કાર્યો હંમેશાં નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય એવી કૃપા કરો.
Shree Siddhivinayak Temple, Mumbai મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલું શ્રી સિદ્ધિવિનાયક મંદિર ભારતના સૌથી પ્રસિદ્ધ અને આસ્થાના કેન્દ્રરૂપ ગણેશ મંદિરોમાંનું એક છે. ઈ.સ. ૧૮૦૧માં સ્થાપિત આ મંદિર ભગવાન શ્રી ગણેશના ભક્તો માટે વિશેષ શ્રદ્ધાનું સ્થાન છે. અહીં દરરોજ હજારો અને ગણેશોત્સવ દરમિયાન લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. ભવ્ય સ્થાપત્ય, ઐતિહાસિક મહત્ત્વ અને દિવ્ય ગણેશમૂર્તિને કારણે આ મંદિર દેશ-વિદેશમાં લોકપ્રિય બન્યું છે.
Shree Siddhivinayak Temple, Mumbai શ્રી સિદ્ધિવિનાયક મંદિર ખૂબ જ લોકપ્રિય છે. અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકરથી માંડીને મુકેશ અંબાણીના પરિવાર સુધી અનેક સેલિબ્રિટીઓ આ મંદિરની વારંવાર મુલાકાત લેતા હોય છે. આ મંદિર ભક્તોની આસ્થાનું જીવંત કેન્દ્ર છે અને સાથોસાથ ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે.
શ્રી સિદ્ધિવિનાયક મંદિરનું નિર્માણ ઈ.સ. ૧૮૦૧ની ૧૯ નવેમ્બરે થયું
Shree Siddhivinayak Temple, Mumbai શ્રી સિદ્ધિવિનાયક મંદિરનું નિર્માણ ઈ.સ. ૧૮૦૧ની ૧૯ નવેમ્બરે થયું હતું. તે દિવસે ગુરુવાર હતો અને હિન્દુ પંચાંગ મુજબ શકે ૧૭૨૩ના કાર્તિક સુદ ચતુર્દશીના દિવસે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. મૂળ મંદિર માત્ર ૩.૬૦ મીટર × ૩.૬૦ મીટરના વિસ્તારમાં બાંધવામાં આવ્યું હતું. આજે તે સ્થળે ભવ્ય અને વિશાળ મંદિર ઊભું છે. ભવિષ્યમાં પણ મંદિરના વધુ વિકાસ માટે યોજનાઓ બનાવવામાં આવી રહી છે, જેથી દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓને વધુ સુવિધા અને શાંતિપૂર્વક દર્શનનો લાભ મળી શકે.
Shree Siddhivinayak Temple, Mumbai પ્રાચીન મંદિર ૪૫૦ મિ.મી. જાડી ઈંટોની દીવાલોથી બનાવવામાં આવ્યું હતું. તેમાં સુંદર ગુંબજ બનાવવામાં આવ્યો હતો અને ગુંબજના મધ્યમાં કળશની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિર કાકાસાહેબ ગાડગીલ માર્ગ અને પ્રભાદેવીના એસ. કે. બોલે માર્ગના જંકશન પર આવેલું છે.
આ મંદિરના નિર્માણનો શ્રેય શ્રીમતી દેવુબાઈ પાટીલને જાય છે. તેમણે વ્યાવસાયિક કોન્ટ્રાક્ટર લક્ષ્મણ વિઠુ પાટીલને મંદિર બાંધવાની વિનંતી કરી હતી અને સમગ્ર ખર્ચ પણ પોતે જ ઉઠાવ્યો હતો. દેવુબાઈ પાટીલ આગરી સમાજની ધનાઢ્ય મહિલા હતાં, પરંતુ તેઓ નિઃસંતાન હતાં. તેમણે મંદિરના નિર્માણ પહેલાં ભગવાન ગણેશને પ્રાર્થના કરી હતી કે, “હું તો નિઃસંતાન છું, પરંતુ જે મહિલાઓ નિઃસંતાન હોય અને આ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવે, તેમને માતૃત્વનું સુખ પ્રાપ્ત થાય.”
Shree Siddhivinayak Temple, Mumbai ભગવાન ગણેશે તેમની પ્રાર્થના સ્વીકારી હોવાની ભક્તોમાં માન્યતા છે. ત્યારથી અનેક નિઃસંતાન દંપતીઓને સંતાનપ્રાપ્તિ થયાના પ્રસંગો નોંધાયા છે. તેથી જ આ મંદિરને ‘નવસાચા ગણપતિ’ અથવા ‘નવસાલા પાવણારા ગણપતિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Shree Siddhivinayak Temple, Mumbai શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં બિરાજમાન ભગવાન ગણેશની મૂર્તિ કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે. મૂર્તિ લગભગ અઢી ફૂટ (૭૫૦ મિ.મી.) ઊંચી અને બે ફૂટ (૬૦૦ મિ.મી.) પહોળી છે. આ મૂર્તિ અન્ય ગણેશમૂર્તિઓ કરતાં અનેક રીતે વિશિષ્ટ છે. ભગવાનના ઉપરના બંને હાથમાં કમળ અને કુહાડી છે, જ્યારે નીચેના એક હાથમાં જપમાળા અને બીજા હાથમાં મોદકથી ભરેલું પાત્ર છે. તેમના ખભા પર જનોઈની સાથે સાપ વીંટળાયેલો દર્શાવવામાં આવ્યો છે. ભગવાનના કપાળ પર ભગવાન શિવની જેમ ત્રીજું નેત્ર પણ અંકિત કરવામાં આવ્યું છે. મૂર્તિના બંને બાજુએ રિદ્ધિ અને સિદ્ધિ બિરાજમાન છે.
લગભગ ૧૨૫ વર્ષ પહેલાં અક્કલકોટ સ્વામી સમર્થના અનુયાયી સ્વર્ગસ્થ રામકૃષ્ણ જાંભેકર મહારાજ, જે ભગવાન ગણેશના પરમ ઉપાસક હતા, તેમણે સ્વર્ગસ્થ પૂજારી ગોવિંદ ચિંતામણ પાઠકને મંદિરની નિયમિત પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિઓની જવાબદારી સોંપી હતી. ત્યારથી તેમના વંશજો આજ સુધી મંદિરની સેવા અને પૂજા-અર્ચના કરતા આવ્યા છે.
Shree Siddhivinayak Temple, Mumbai નાનકડા મંદિરથી શરૂ થયેલું આ પવિત્ર સ્થાન સમય જતાં ભક્તોની આસ્થાનું વિશાળ કેન્દ્ર બની ગયું. મંદિર ટ્રસ્ટે તેની આસપાસની આશરે ૨,૫૫૦ ચોરસ મીટર જમીન ખરીદી હતી. તે સમયે મંદિરની પૂર્વ અને દક્ષિણ દિશામાં ૩૦ × ૪૦ ચોરસ મીટરના બે નાનાં તળાવો હતાં, જે પાણીની અછત દૂર કરવા માટે ૧૯મી સદીની શરૂઆતમાં બનાવવામાં આવ્યા હતાં. બાદમાં આ તળાવો પુરાઈ ગયા અને તે જમીન મંદિર ટ્રસ્ટના ઉપયોગમાં આવી. અગાઉ અહીં એક ધર્મશાળા પણ હતી, જ્યાં બહારગામથી આવતા ભક્તો રોકાઈ શકતા હતા.
મંદિર પરિસરમાં પથ્થરની સુંદર દીપમાળાઓ પણ આવેલી છે. સમય જતાં મંદિરની આસપાસ બહુમાળી ઇમારતો ઊભી થઈ. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી, ખાસ કરીને ૧૯૫૨થી, સિદ્ધિવિનાયક મંદિરની લોકપ્રિયતા ખૂબ વધી અને ભક્તોની સંખ્યા સતત વધવા લાગી.
વર્ષ ૧૯૯૦માં મહારાષ્ટ્ર સરકારે મંદિરના પુનઃનિર્માણનું કાર્ય હાથ ધર્યું, જે ત્રણ વર્ષમાં પૂર્ણ થયું. આ ભવ્ય પુનઃનિર્માણનું સ્થાપત્ય શરદ આઠવલે નામના આર્કિટેક્ટે તૈયાર કર્યું હતું. આજે મંદિર છ માળ જેટલી ઊંચાઈ ધરાવે છે, પરંતુ ભગવાન ગણેશની મૂળ મૂર્તિ યથાવત્ રાખવામાં આવી છે, કારણ કે તે ભક્તોની આસ્થાનું પ્રતીક છે.
પુનઃનિર્માણ દરમિયાન મંદિરની રચના એવી રીતે કરવામાં આવી કે મધ્યમાં એક વિશાળ ગુંબજ અને તેની આસપાસ ૩૭ નાના ગુંબજો બનાવવામાં આવ્યા. આ તમામ ગુંબજો પર સુવર્ણ કળશોની સ્થાપના કરવામાં આવી છે.
હાલમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા ‘શ્રી સિદ્ધિવિનાયક મંદિર કોરિડોર પ્રોજેક્ટ’ હાથ ધરવામાં આવ્યો છે. આ ભવ્ય પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ લાખો ભક્તોને વધુ આધુનિક અને વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ થશે તેમજ દર્શનની વ્યવસ્થા વધુ સુગમ બનશે.
શ્રી સિદ્ધિવિનાયક મંદિર ભારતના સૌથી સમૃદ્ધ મંદિરોમાંનું એક ગણાય છે. અહીં દર વર્ષે ભક્તો દ્વારા કરોડો રૂપિયાનું દાન અર્પણ કરવામાં આવે છે, જેનો ઉપયોગ ધાર્મિક, શૈક્ષણિક અને સામાજિક કલ્યાણના વિવિધ કાર્યોમાં કરવામાં આવે છે.
