આ વર્ષે ત્રણ નવી પ્રજાતિ જોવા મળી: શાહીન ફાલ્કન, બાર્ડ બટન ક્વેઈલ, ઓસ્ટ્રેલિયન સ્ટીલ્ટ હજારો કિલોમીટરની ઉડાનભરી વઢવાણાના મહેમાન બન્યા.
જાન્યુઆરી માસના અંતિમ પખવાઠિયામાં મોટી સંખ્યામાં વઢવાણા તળાવ ખાતે યાયાવર પક્ષીઓ આગમનની પૂરી શક્યાતા: ઈન્ચાર્જ મદદનીશ વન સંરક્ષક શ્રી એચ.ડી. રાઉલ
વડોદરા તા.૨ જાન્યુઆરી, ૨૦૨૧ (શનિવાર) ગુજરાતના નળ સરોવર બાદ વિદેશી પક્ષીઓના આગમન માટે જાણીતુ બનેલુ પક્ષીતીર્થ વઢવાણા તળાવ ખાતે કરવામાં આવેલી ૨૯મી પક્ષી ગણનામાં ૧૩૩ પ્રજાતિના અંદાજિત ૬૨,૫૭૦ પક્ષીઓ નોંધાયા હતા. મહત્વનું છે કે, યુરોપિય સહિતના દેશના યાયાવર પક્ષીઓ જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં વઢવાણા તળાવને પોતાનુ ઘર બનાવે છે. જેથી વર્ષ ૨૦૦૨થી વઢવાણા જળપ્લાવિત વિસ્તાર ખાતે પક્ષી ગણના કરવામા આવે છે.
જાંબુઘોડાના આર.એફ.ઓ. અને વન્ય પ્રાણી વિભાગના ઈન્ચાર્જ મદદનીશ વન સંરક્ષક એચ.ડી. રાઉલ કહે છે કે, આ વર્ષે પક્ષી ગણનાની ખાસ બાબત એ રહી કે, ત્રણ નવા પક્ષીઓની પ્રજાતિ જોવા મળી છે. તેમાં ફિલાપાઈન્સ, ઈન્ડોનેશિયા, શ્રીલંકા વગેરે દેશોમાં જોવા મળતું બાર્ડ બટન ક્વેઈલ, ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું ઓસ્ટ્રેલિયન સ્ટીલ્ટ અને ભારત સહિત ચીન, પાકિસ્તાન, મ્યાનમાંર તથા શ્રીલંકામાં વસવાટ કરતું શાહીન ફાલ્કન જોવા મળ્યું હતું. જે દર્શાવે છે કે, હજારો કિલોમીટરની ઉડાનભરી પક્ષીઓ વઢવાણા જળપ્લાવિત વિસ્તારમાં ખાસ તો શિયાળો ગાળાવા આવે છે.
શ્રી રાઉલ વધુમાં ઉમેરે છે કે, આ વર્ષે ઓછી પક્ષી ગણનાનો આંકડો આવવા પાછળ ખાસ તો વાતાવરણ જવાબદાર છે. ઠંડી અને ધુમ્મસભર્યા વાતાવરણ ઘણાં પક્ષીઓને અનુકૂળ આવતુ નથી. જેથી આ પક્ષીઓ નજીકના વિસ્તાર અને નાના તળાવમાં ખોરાકની શોધમાં નીકળી પડતા હોય છે. ઉપરાંત વઢવાણા તળાવમાં પણ પાણી વધારે ભરેલ હોવાથી ઓછી પક્ષી ગણના થઈ હોવાનું કારણભૂત છે. જો કે, તા.૩૧ ડિસેમ્બર-૨૦૨૦ સુધીમાં વન વિભાગના સ્થાનિક કર્મચારી-અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી પક્ષી ગણનામાં ૧૩૯ પ્રજાતિના અંદાજિત ૭૨,૦૦૦ પક્ષીઓ નોંધવામાં આવ્યા હતા. ખાસ તો જાન્યુઆરીના અંતિમ પખવાડિયામાં હજુ વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે એવી પૂરી સંભાવના છે.
આ પક્ષી ગણનામાં વન વિભાગના કર્મચારી-અધિકારી, નિવૃત્ત અધિકારી, વૈજ્ઞાનિકો, એમ.એસ. યુનિવર્સિટીના પ્રોફેસર, સહિત સ્વૈચ્છિક સંસ્થાના ૧૩૦ જેટલા સ્વયં સેવકો જોડાયા હતા. તેમ શ્રી રાઉલે ઉમેર્યું હતુ.