મદ્રાસ હાઇકોર્ટના સેકન્ડ સીનિયર મોસ્ટ જજ જસ્ટિસ વિનીત કોઠારીની ગુજરાત હાઇકોર્ટમાં નિમણૂંક કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા કરવામાં આવેલી બદલીની ભલામણને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. નિમણૂંક અંગે કેન્દ્રીય કાયદા મંત્રાલયના પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જસ્ટિસ કોઠારી પહેલી જાન્યુઆરીથી ગુજરાત હાઇકોર્ટમાં સેવા આપી શકે છે.
સુપ્રીમ કોર્ટના કોલેજીયમ દ્વારા બદલીની ભલામણ રાષ્ટ્રપતિને કરાઈ હતી
ગત મહિને સુપ્રીમ કોર્ટ કોલેજીયમે જસ્ટિસ કોઠારીની બદલી ગુજરાતમાં કરવા ભલામણ કરી હતી અને આ ભલામણને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. જસ્ટિસ કોઠારી કમપની લૉ, ટેક્સ, કોમર્શિયલ, બંધારણ અને આર્બિટ્રેશન ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરતા હતા. જસ્ટિસ કોઠારીએ રાજસ્થાન હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ દ્વારા કારકિર્દીની શરૃઆત કરી હતી. જૂન-2005માં રાજસ્થાન હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ બાદ તેમણે 11 વર્ષ રાજસ્થાન હાઇકોર્ટમાં ફરજ બજાવી હતી. એપ્રિલ-2016માં તેમની બદલી કર્ણાટક હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. નવેમ્બર-2018થી તેઓ મદ્રાસ હાઇકોર્ટમાં સેવા આપી રહ્યા છે અને 21-09-2019થી 10-11-2019 સુધી તેઓ મદ્રાસ હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે