વરસાદની આગાહી :આવતીકાલે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાશે; સૌરાષ્ટ્રમાં શીતલહેર સાથે પારો સિંગલ ડિગ્રીએ પહોંચ્યો

વરસાદની આગાહી :આવતીકાલે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાશે; સૌરાષ્ટ્રમાં શીતલહેર સાથે પારો સિંગલ ડિગ્રીએ પહોંચ્યો

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ ભાગોમાં આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 27 ડિસેમ્બરના રોજ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના ભાગોમાં પહોંચશે, જેને કારણે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સાથે જ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા રહેલી છે. હાલમાં ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે, જેથી ઉત્તર ભારતની ઠંડી હવાઓ અને બરફીલા પવન ગુજરાત સુધી આવી રહ્યા છે. બીજી તરફ વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે આવતા ભેજ વરસાદની સંભાવના નોતરે છે. 28 ડિસેમ્બર બાદ ફરી એક વખત ઠંડીનું મોજુ ગુજરાતમાં ફરી વળશે, તેવી હવામાન વિભાગની આગાહી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન એટલે કે, 26 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેમાં 26 ડિસેમ્બરના રોજ કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે.

બીજા દિવસે રાજકોટનું તાપમાન 9 ડિગ્રી નોંધાયું

રાજકોટ શહેરમાં ફરી એક રાતમાં પારો નીચે ઊતરી જતા ગઈકાલ (24 ડિસેમ્બર) રાત્રિમાં શહેરીજનો કાતિલ ઠંડીમાં ઠુંઠવાયા હતા. વહેલી સવારમાં ભેજનું પ્રમાણ ઘટી જતા ઠંડી અને પવનના સુસવાટાના કારણે 9 વાગ્યા સુધી શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજકોટમાં ફરી પારો સિંગલ ડિગ્રીમાં પહોંચી ગયો હતો. રાજકોટ શહેરમાં ગઇકાલે પવનની ઝડપ 12 કિ.મી. નોંધાઈ હતી, તે પછી ક્રમશ: ઘટીને 6 કિ.મી. સુધી પહોચી ગઈ હતી. આજે સતત બીજા દિવસે શહેરનું લઘુતમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું છે.

ગિરનાર અને નલિયામાં 7 ડિગ્રી તાપમાન

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસર સૌરાષ્ટ્ર-કચ્છના હવામાન ઉપર જોવા મળી રહી છે. તીવ્ર ઠાર અને કાતિલ પવનના સુસવાટાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તેમાં પણ શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ગિરનાર અને નલિયામાં 7, રાજકોટમાં 9, કેશોદમાં 10, પોરબંદરમાં 11, જૂનાગઢ-અમરેલીમાં 12-12, મહુવા-સુરેન્દ્રનગરમાં 12.5-12.5, તો દીવ-ભાવનગરમાં 13.5-13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મોટા ભાગનાં શહેરોનું મહત્તમ તાપમાન પણ 27 ડિગ્રીની અંદર પહોંચી ગયું હતું.

24 કલાકમાં અમદાવાદનું તાપમાન 5 ડિગ્રી ગગડ્યું

પવનની દિશા બદલાવાની સાથે ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતાં અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદમાં 24 કલાકમાં લઘુતમ તાપમાન 5 ડિગ્રી ગગડી ગયું હતું. સોમવારે લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું હતું, જે મંગળવારે 12.7એ પહોંચી ગયું હતું. હજુ 24 કલાક સુધી ઠંડીનું જોર યથાવત્ રહેશે. એ પછી તાપમાન ફરી 2થી 4 ડિગ્રી વધતાં ઠંડીથી થોડી રાહત મળવાની શક્યતા છે.

હવામાન ખાતાની યાદીમાં જણાવ્યા મુજબ મંગળવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 26.7 ડિગ્રી તેમજ લઘુતમ તાપમાન 12.7 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં સવારથી ઠંડા પવનને પગલે શીતલહેર ફરી વળી હતી. નલિયામાં સૌથી વધુ 7.5 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.

ત્રણ દિવસ વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે, આવતીકાલથી ત્રણ દિવસ એટલે કે, ગુરુવાર, શુક્રવાર અને શનિવારના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, સોમનાથ, દીવ અને કચ્છમાં તથા શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા વિસ્તારમાં હળવા-ભારે વરસાદી ઝાપટાં પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *