Kankaria Carnival : આજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2024નો થશે શુભારંભ, જાણો 7 દિવસના કાર્યક્રમો વિશે

Kankaria Carnival : આજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2024નો થશે શુભારંભ, જાણો 7 દિવસના કાર્યક્રમો વિશે

Kankaria Carnival : અમદાવાદમાં આજથી સાત દિવસ એટલે કે 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર દરમિયાન મનપા આયોજિત 15મા કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ રહી છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો, સ્ટેન્ડ અપ કોમેડી શો, બેન્ડ પર્ફોર્મન્સ, ડી.જે. કિયારા, લેસર-ડ્રોન શો, આતશબાજી સહિત અનેક કાર્યક્રમો યોજાશે. કાંકરિયા કાર્નિવલમાં સૌપ્રથમ વખત ડ્રોન શો, અંડરવોટર ડાન્સ અને દુબઇમાં યોજાતો હ્યુમન પાયરો શો (આગ સાથે ડાન્સ) પણ યોજાશે. આ ઉપરાંત લાફિંગ ક્લબનો ઉપયોગ, નેલ સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધા યોજાશે. જણાવી દઈએ કે, કાંકરિયા કાર્નિવલ 2024નું ઉદ્ધાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાશે. મનપા દ્વારા આ વર્ષે ખાસ કરીને જે પણ લોકોને કાંકરિયા કાર્નિવલમાં જવું હોય અને જે ગેટ ઉપર નાગરિકો જવા માગતા હોય એના માટે QR કોડ પણ જાહેર કરવામાં આવ્યા છે. શહેરીજનો કાંકરિયા કાર્નિવલના તમામ કાર્યક્રમ અંગે માહિતી મેળવી શકે એ માટે પણ QR કોડ જાહેર કરાયા છે, જેને સ્કેન કરીને માહિતી મેળવી શકશે.

Kankaria Carnival : આ સાથે સાતેય દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. કાંકરિયા પરિસરમાં વિવિધ સ્થળોએ મેડિકલ સુવિધા માટે ડોક્ટરોની ટીમ સહિતની મેડિકલ વાનની વ્યવસ્થા કરાઇ છે. તો વિખૂટા પડી ગયેલાં બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્ક તૈયાર કરાયું છે. બીજી તરફ સુરક્ષાના ભાગરૂપે અલગ અલગ જગ્યાઓ પર CCTV કેમેરા, કંટ્રોલ રૂમ, જડબેસલાક પોલીસ-બંદોબસ્ત અને ફાયરબ્રિગેડની ટીમ પણ તૈનાત કરાશે.

Kankaria Carnival : ગીત-સંગીત અને લોકડાયરો પણ યોજાશે

કાર્નિવલમાં ગુજરાતી ગાયક અને સાહિત્ય કલાકારો સહિતના કલાકારો પર્ફોર્મન્સ કરશે. જેમાં 25 ડિસેમ્બરે સાંત્વની ત્રિવેદી (ગીત સંગીત), 26 ડિસેમ્બરે રાગ મહેતા (લાઈવ બેન્ડ પર્ફોર્મન્સ), 27 ડિસેમ્બરે ઇશાની દવે, 28 ડિસેમ્બરે ગીતાબેન રબારી, 30 ડિસેમ્બરે સાઇરામ દવે અને 31 ડિસેમ્બરે કિંજલ દવે કાંકરિયા પુષ્પકુંજ ખાતે સ્ટેજ નંબર 1 પર પર્ફોર્મન્સ કરશે. કાંકરિયા કાર્નિવલમાં તમામ લોકોને વહેલી સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ફ્રીમાં એન્ટ્રી મળશે.

કાંકરિયામાં તૈયાર કરાયા ત્રણ સ્ટેજ

મનપા દ્વારા ત્રણ સ્ટેજ તૈયાર કરાયા છે. જેમાં સ્ટેજ નં-1 પુષ્પકુંજ ગેટ પાસે, સ્ટેજ નં-2 બાલવાટિકા અને સ્ટેજ નં-3 વ્યાયામ વિદ્યાલય પાસે બનાવવામાં આવ્યું છે. ત્રણેય સ્ટેજ પર કાંકરિયા કાર્નિવલ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો યોજાશે. કાંકરિયાના વ્યાયામ વિદ્યાલયના ગેટ નં-3 પાસે લેસર શો અને પુષ્પકુંજ ગેટ નં-1 પાસે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. ગેટ નં-7 નગીના વાડી ખાતે મ્યુઝિકલ ફાઉન્ટેન પણ રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, આ ત્રણેય સ્ટેજ પર સવારે 6 થી રાત્રિના 10 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમ યોજાશે. સવારે અલગ અલગ કાર્યક્રમો યોજાશે. બપોરે મહિલાઓ અને બાળકો માટે પણ અલગ અલગ સેશન અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈ વિવિધ શો પણ યોજાશે.

Kankaria Carnival : ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ

‘વિકસિત ભારત અને વિકસિત ગુજરાત’ની થીમ પર કાંકરિયા કાર્નિવલના પહેલા દિવસે એટલે કે 25 ડિસેમ્બરે પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાશે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ યોજવાનું આયોજન છે. જેમાં સ્કૂલના બાળકોની ટોફી ઓપનિંગ કોમ્પિટિશન થશે. કાંકરિયા કાર્નિવલમાં ત્રણ સ્ટેજમાં કાર્યક્રમો યોજાશે. જેમાં લગભગ 200 જેટલા કલાકારો પરફોર્મ કરશે. સવાર, બપોર અને રાત્રે એમ અલગ-અલગ સમયે કાર્યક્રમો યોજાશે. 

Kankaria Carnival : 1,000 બાળક બનાવશે રેકોર્ડ

મનપા સ્કૂલ અને આંગણવાડીમાં અભ્યાસ કરતાં 1,000 જેટલાં બાળકો દ્વારા સામૂહિક રીતે એકસાથે કેન્ડી/ચોકલેટ ખોલીને એને સંપૂર્ણ ખાઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી શકશે. વિકસિત ગુજરાત વિકસિત ભારત થીમ આધારિત કાર્નિવલ પરેડનું પણ સૌપ્રથમ વખત આયોજન કરાયું છે.

Kankaria Carnival : કાંકરિયા કાર્નિવલમાં સવારે 6થી 10 દરમિયાન યોગા, પ્રાણાયમ, ફિટનેસ, અલગ-અલગ પ્રકારના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે બપોરના 3થી 5 વાગ્યામાં લોકો વધુને વધુ ભાગીદારી નોંધાવે તેવા કાર્યક્રમો રાખવામાં આવ્યાં છે, જેમાં આર્ટ ઍન્ડ કલ્ચરમાં ટેટુ મેકિંગ, મહેંદી વર્કશોપ, ફોટોગ્રાફી વર્કશોપ, ગેમિંગ ઝોનમાં વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સાંજે આશરે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લેસર શો, ગન શો, સ્ટીલ્ટ વોકિંગ, એક્વાયર શો, ફાયર શો, સર્કસ સહિતના અલગ-અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Kankaria Carnival : નો પાર્કિંગ, નો સ્ટોપ, નો યુ-ટર્ન ઝોન જાહેર

25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલને લઈને ટ્રાફિક-પોલીસ દ્વારા નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કાંકરિયા ચોકી ત્રણ રસ્તા થઈ રેલવે યાર્ડ થઇ ખોખરા બ્રિજ, દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ચાર રસ્તા, મચ્છી પીર ચાર રસ્તા થઇ પુષ્પકુંજ સર્કલ થઇ અપ્સરા સિનેમા ચાર રસ્તા થઇ ફૂટબોલ ચાર રસ્તા થઇ લોહાણા મહાજનવાડી થઇ પરત કાંકરિયા ચોકી સુધીના સર્કલ પર તેમજ સમગ્ર કાંકરિયા તળાવ ફરતે ટૂ-વ્હીલરથી ઉપરના કોઇપણ પ્રકારનાં વાહનો સ્ટોપ થઈ શકશે નહીં. તમામ વાહનો નિર્ધારિત પાર્કિંગ જગ્યા સિવાય બીજી કોઈપણ જગ્યાએ પાર્ક થઇ શકશે નહીં. સમગ્ર કાંકરિયા તળાવ ફરતે સર્કલ રોડ ટુ લેનમાં હોવા છતાં કોઈપણ જગ્યાથી યુ ટર્ન લઇ શકાશે નહીં. આ સમગ્ર વિસ્તારને નો યુ ટર્ન ઝોન તરીકે જાહેર કરાયો છે.

Kankaria Carnival : 7 દિવસના કાર્યક્રમ માટે 5000 કરોડનો વીમો

કાંકરિયા કાર્નિવલ-2024ના 7 દિવસના કાર્યક્રમ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 5000 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. સાત દિવસના કાર્યક્રમમાં 5045 કરોડની રકમનો વીમો લેવાયો છે, જેમાં ચાર સ્ટેજ તેમજ અન્ય સ્ટ્રક્ચર માટે 10 કરોડ, ભૂકંપ માટે 10 કરોડ, આતંકવાદ માટે 10 કરોડ અને જાહેર જવાબદારીની સુરક્ષા માટે 5 કરોડ, ફાયર માટે 10 કરોડ અને કાર્નિવલના સહેલાણીઓ માટે 1 લાખથી 5 લાખ પ્રતિ વ્યક્તિ ગણતરી કરી 5000 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.

Kankaria Carnival : કાંકરિયા કાર્નિવલ-2024 દરમ્યાન યોજાનારા વિવિધ કાર્યક્રમો 

1) લોક ડાયરો, બોલીવુડ ફ્યુઝન, પોલીસ બેન્ડ, તલવાર રાસ, ટીપ્પણી ડાન્સ, જલ તરંગ અને વાયોલીન તથા સંતુર વાદન, ફોક ડાન્સ, દેશભક્તિના ગીતો, નૃત્ય નાટીકા, સુફી ગઝલ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.

2) જુદા જુદા કલ્ચરલ ગ્રુપ દ્વારા માર્શલ આર્ટ અને સેલ્ફ ડિફેન્સ, સ્ટેન્ડ અપ કોમેડી કોમ્પીટીશન, ડ્રમ સર્કલ, બ્લેક કમાન્ડો પીરામીડ શૉ, સીંગીંગ અને ઈન્સ્ટ્રુમેન્ટલ કોમ્પીટીશન, માઈમ અને નુક્કડ નાટક, મલખમ શૉ, ભારતીય ક્લાસિકલ ડાન્સ, લાઈફ સાઈઝ પપેટ શો, પેટ ફેશન શૉ, સ્વચ્છ ભારત-શ્રેષ્ઠ ભારત સ્કીટ, કવિતા પઠન, ગીત સંગીત અને ડાન્સ કોમ્પીટીશન જેવા કાર્યક્રમો તેમજ બાળકોના મનોરંજન માટે મેજીક શૉ તેમજ અન્ડર વોટર ડાન્સ પર્ફોર્મન્સ, હ્યુમન પાયરો શૉ, સાયકલ સ્ટન્ટ જેવા વિવિધ રંગારંગ કાર્યોક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

3) ઉપરાંત, નેલ આર્ટ, ટેટુ મેકીંગ, જગલર, મહેંદી આર્ટ, ગેમીંગ ઈવેન્ટ, લાઈવ કરાઓકે, મ્યુઝિકલ ફાઉન્ટેન, કિડ્ઝ ડાન્સ, લાફીંગ ક્લબ, ડ્રોઈંગ કોમ્પીટીશન, ફીટનેશ ડાન્સ, વેલનેશ ટોક, સ્ટ્રેસ મેનેજમેન્ટ, મોટીવેશનલ ટોક, સાલસા ડાન્સ, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટસ, માટીકલા, જવેલરી મેકીંગ, સોશ્યિલ મિડીયા, ફોટોગ્રાફી તથા ગાર્ડનીંગ જેવી પ્રવૃત્તિઓ અંગે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે.

4) નગરજનો દરરોજ સવારના સમયે પ્રાણાયામ, મેડિટેશન, યોગા, એરોબિક્સ, ઝુમ્બાનો લાભ લઈ શકશે.

5) કાંકરિયા પરિસરમાં અમદાવાદની સ્વાદપ્રિય જનતા માટે ફુડ કોર્ટ અને ફ્લી માર્કેટ (હેન્ડી ક્રાફ્ટ બજાર) ઉભા કરવામાં આવશે.

6) કાંકરિયા કાર્નિવલની મુલાકાતે આવનાર લોકોના આકર્ષણરુપે દરરોજ લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, લેસર શૉ તેમજ વી. આર. શૉનું આયોજન કરવામાં આવેલ છે.

7) નગરજનો કાંકરિયા કાર્નિવલ ૨૦૨૪ દરમ્યાન કાંકરિયા પરિસરમાં આવેલ વિવિધ આકર્ષણો જેવા કે, કિડઝ સિટી, પ્રાણી સંગ્રહાલય, નોક્ટર્નલ ઝુ, બાલવાટિકા, બટરફ્લાય ગાર્ડન, નગીના વાડી, મ્યુઝિકલ ફાઉન્ટેઈન તથા વિવિધ એમ્યુઝમેન્ટ અને રીક્રિએશન એક્ટિવીટીઝ, ફીશ એક્વેરિયમની મજા માણી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *