One Nation One Election Bill : સમર્થનમાં 269, વિરોધમાં 198 મત, બિલ JPCને મોકલાયું

One Nation One Election Bill
One Nation One Election Bill

One Nation One Election Bill : સમર્થનમાં 269, વિરોધમાં 198 મત, બિલ JPCને મોકલાયું

One Nation One Election Bill : એક દેશ, એક ચૂંટણી’ એટલે કે વન નેશન, વન ઈલેક્શન બિલ આજે લોકસભામાં રજૂ કરાયું હતું. આ બિલને ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કરતા જ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના પક્ષોએ જોરદાર હોબાળો કર્યો હતો. બીજી તરફ, નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ અને વાયએસઆરસીપીના જગન મોહન રેડ્ડીએ આ બિલને ટેકો જાહેર કર્યો હતો. 

One Nation One Election Bill : બિલની તરફેણમાં 269 અને વિરુદ્ધમાં 198 મત

આ બિલ મુદ્દે પરચીથી મતદાન થયા પછી સ્પીકર ઓમ બિરલાએ બદલાઈ ગયેલા પરિણામો જાહેર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘જ્યારે પણ ઈલેક્ટ્રોનિક મતદાન થાય છે. જો તેમાં કંઈ યોગ્ય ન હોય તો જ પરચીની માગ કરી શકો છે. હવે આ બિલની તરફેણમાં 269 મત અને વિરોધમાં 198 મત પડ્યા છે.’ બાદમાં આ બિલ જેપીસીને મોકલવામાં આવ્યું છે. બાદમાં લોકસભાની કાર્યવાહી ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

ઈલેક્ટ્રોનિક વોટિંગનો વિરોધ થતા પરચીનો વિકલ્પ  

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે આ બિલ મુદ્દે પહેલા ઈલેક્ટ્રોનિક મતદાન થયું હતું. એ વખતે બિલની તરફેણમાં 220 અને વિપક્ષમાં 149 મત પડ્યા, જ્યારે કુલ 369 સભ્યે મતદાન કર્યું હતું. જો કે, ઈલેક્ટ્રોનિક વોટિંગ સામે વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર પછી ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, તમને વાંધો હોય તો પરચી આપીને પણ મતદાન કરી શકો છો. 

આ બિલ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાનો પ્રસ્તાવ 

બીજી તરફ, વિપક્ષના હોબાળા વચ્ચે મતદાન પહેલા કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે વિપક્ષના હોબાળા વચ્ચે આ બિલ સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને મોકલવા માટે પણ પ્રસ્તાવ મૂક્યો હતો. 

તમે ઈચ્છો એટલા દિવસ ચર્ચા કરી શકો છોઃ ઓમ બિરલા

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષને શાંત પાડતા કહ્યું હતું કે, ‘આ બિલ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવશે. તેમાં તમામ પક્ષના સભ્યો હશે અને આ મુદ્દે વ્યાપક ચર્ચા કરશે. આ બિલ આવે તે પહેલા પૂરતો સમય અપાશે, તમે ઈચ્છો એટલા દિવસ ચર્ચા કરી શકો છો.’

શિવસેના (શિંદે જૂથ)નું બિલને સમર્થન

શિવસેના (શિંદે જૂથ)ના સાંસદ શ્રીકાંત શિંદેએ વન નેશન, વન ઈલેક્શન બિલને સમર્થન આપ્યું છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ‘કોંગ્રેસ કોઈ પણ સુધારાને નફરત જ કરે છે.’ આ નિવેદન પછી વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો.

આ બિલ બંધારણ વિરોધી છે: સુપ્રિયા સૂલે

એનસીપી (શરદ પવાર જૂથ) સાંસદ સુપ્રિયા સૂલેએ જણાવ્યું હતું કે, ‘એક દેશ, એક ચૂંટણી બિલ બંધારણ વિરોધી છે. તમે ચૂંટણી પંચને ચૂંટણી યોજવા માટે વિધાનસભા ભંગ કરવાનો અધિકાર આપી રહ્યા છો. આ બિલ સમીક્ષા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવું જોઈએ.’

કોંગ્રેસ, સપા અને શિવસેના (ઉદ્ધવ જૂથ)નો વિરોધ 

કોંગ્રેસે આજે સવારે ઇમરજન્સી બેઠક બોલાવી હતી. સપાના વડા અખિલેશ યાદવે આ બિલનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, ‘આ બંધારણને નષ્ટ કરવાનું ષડયંત્ર છે.’ તો શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ અનિલ દેસાઈએ પણ આ બિલને સંઘીય માળખા પરના હુમલા સમાન ગણાવ્યું હતું. ઈન્ડિયન મુસ્લિમ લીગના સાંસદ ઈ.ટી. મોહમ્મદ બશીરે આ બિલનો વિરોધ કર્યો હતો. 

આ બિલ અલ્ટ્રા વાઈરસ છેઃ તૃણમૂલ કોંગ્રેસ 

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનરજીએ આ બિલને અલ્ટ્રા વાઈરસ ગણાવીને જોરદાર વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘સંસદ પાસે કાયદો બનાવવાની સત્તા છે. રાજ્ય વિધાનસભા પાસે પણ આવા અધિકાર છે, પરંતુ આ પ્રકારની ઓટોનોમી દેશની વિધાનસભાઓને ખતમ કરી નાંખશે. આ બિલ બંધારણ વિરોધી છે. આ બધું જ એક સત્તાધારી પાર્ટી કરે છે. આ કંઈ ચૂંટણી સુધારા નથી, પરંતુ એક વ્યક્તિની ભૂખ સંતોષવાનો પ્રયાસ છે. 

શું છે એક દેશ, એક ચૂંટણી બિલ?  

‘એક દેશ, એક ચૂંટણી’ એટલે આખા દેશમાં એકસાથે એક જ દિવસે (અથવા ટૂંકી અવધિમાં) તમામ પ્રકારની ચૂંટણીઓ યોજવી. ભારતના સંદર્ભમાં જોઈએ તો લોકસભાની ચૂંટણીની સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજવાની હોય. સાથોસાથ સ્થાનિક સંસ્થાઓ એટલે કે નગરનિગમ (મ્યુનિસિપલ કૉર્પોરેશન), નગરપાલિકા, નગર પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ થઈ જવી જોઈએ. તમામ ચૂંટણીઓ એક જ દિવસે અથવા અમુક દિવસોની નિશ્ચિત સમયમર્યાદામાં થઈ જાય એ સિસ્ટમને કહેવાય ‘એક દેશ, એક ચૂંટણી’ એટલે કે ‘વન નેશન-વન ઈલેક્શન’.

PM મોદીએ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની હિમાયત

દેશમાં છાશવારે ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ થતી જ રહે છે. વારંવારની ચૂંટણીઓ વિકાસને અવરોધે છે. તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી સાથે જ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાનો આગ્રહ કરી રહ્યા છે. વડાપ્રધાને આ વર્ષે 15મી ઑગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન લાલ કિલ્લા પરથી આપેલ ભાષણમાં પણ ‘વન નેશન-વન ઈલેક્શન’ની હિમાયત કરી હતી. તેમણે દેશના તમામ રાજકીય પક્ષોને દેશની પ્રગતિ માટે આ દિશામાં આગળ વધવાનો અનુરોધ કર્યો હતો. 

‘એક દેશ, એક ચૂંટણી’ના ફાયદા

1. ખર્ચમાં ઘટાડો: ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’નો સૌથી મોટો ફાયદો એ છે કે એનાથી ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે. અલગ-અલગ ચૂંટણીઓ કરાવવા માટે દર વખતે મોટી રકમ ખર્ચવામાં આવે છે. એક સમયે આખા દેશમાં ચૂંટણીઓ પતી જાય તો ખર્ચ પણ એક જ સમયે કરવાનો થાય. 

2. તંત્રનો બોજ ઘટશે: વારંવારની ચૂંટણી પ્રશાસન અને સુરક્ષા દળો પર બોજ નાખે છે, કારણ કે તેમને દરેક વખતે ચૂંટણી ફરજ બજાવવાની હોય છે. ચૂંટણી કર્મચારીઓના રહેવા-ખાવાની, એમના આવાગમનની ઝંઝટ પણ એક વારમાં જ પતી જશે.

3. વિકાસના કામો પર ધ્યાન અપાશે: એક સાથે ચૂંટણી પૂરી થઈ જાય તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. પક્ષો વારંવાર ચૂંટણી મોડમાં નહીં જાય અને વિકાસના કામો પર ધ્યાન આપી શકશે.

4. મતદારોની સંખ્યા વધશે: એક જ દિવસે ચૂંટણી યોજવાથી મતદારોની સંખ્યામાં પણ વધારો થશે, કારણ કે તેમને એવું નહીં લાગે કે ચૂંટણી તો વારેવારે આવતી જ રહે છે, આ નહીં તો આગામી ચૂંટણીમાં મત આપીશું. પાંચ વર્ષે એક જ વખત મત આપવાની તક મળતાં મતદારો એને એળે નહીં જવા દે અને તેમના પ્રતિનિધિઓને ચૂંટવામાં રસ દાખવશે.

‘એક દેશ, એક ચૂંટણી’ સામેના પડકાર

1. બંધારણીય ફેરફાર જરૂરી: ‘વન નેશન-વન ઈલેક્શન સિસ્ટમ’ લાગુ કરવામાં સૌથી મોટો પડકાર બંધારણ અને કાયદામાં ફેરફારનો છે. બંધારણમાં સુધારો કર્યા પછી તેને રાજ્યની એસેમ્બલીઓમાં ‘પાસ’ કરાવવો પડશે. 

2. સરકાર ભંગ થઈ તો શું?: જો કોઈપણ કારણોસર લોકસભા કે પછી કોઈ રાજ્યની વિધાનસભા ભંગ કરી દેવામાં આવે તો પછી ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ વ્યવસ્થા કેવી રીતે જાળવવી? એક રાજ્યની સરકાર બરતરફ થાય એટલે તમામ રાજ્યોની સરકારો રદ કરીને ફરી આખા દેશમાં ચૂંટણીઓ તો ન યોજી શકાય ને?

3. સંસાધનોની કમી: આપણા દેશમાં EVM અને VVPAT દ્વારા ચૂંટણી યોજવામાં આવે છે, જેની સંખ્યા મર્યાદિત છે. હાલમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ યોજાતી હોવાથી જે સંસાધનો છે એટલામાં પહોંચી વળાય છે, પણ જો આખા દેશમાં એકીસાથે તમામ પ્રકારની ચૂંટણીઓ યોજાય તો ચૂંટણી માટે જરૂરી સંસાધનો ક્યાંથી લાવવા? વહીવટી અધિકારીઓ અને સુરક્ષા કર્મીઓની કમી પણ સર્જાય, એનું શું કરવું?

વધુ વાંચો : લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, મરણચીસોથી ગૂંજી ઉઠ્યો હાઇવે: છ મૃતકોની ઓળખ જાહેર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *