કચ્છ ના પાટનગર ભુજનો આજે 477મો સ્થાપનાદિન
ભુજ હવે મહાનગરપાલિકાના દરજ્જાની રાહમાં
2011માં થયેલી વસ્તી ગણતરી મુજબ 1.91 લાખનો આંક નોંધાયો હતો, પરંતુ તે સમયે પણ અનેક લોકોની નોંધણી બાકી રહી ગઇ હતી. હાલમાં અંદાજિત વસ્તી સવા બેથી અઢી લાખ નજીક હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, થોડા સમય પહેલાં ભુજને મહાનગરપાલિકાનો સૈદ્ધાંતિક સ્વીકાર કરાયો હતો, પણ હવે દરજ્જાની વાટ જોવાય છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, રોજગાર, આરોગ્ય, શિક્ષણ સહિતની બાબતો ધ્યાને લઇ પશ્ચિમ કચ્છના અનેક લોકો પરિવાર સાથે ભુજ રહેવા આવી રહ્યા છે, જેથી આગામી દિવસોમાં વસ્તીનો આંક વધી જશે.
ભૂકંપ બાદ ભુજનો વિસ્તાર વધ્યો
2001ના ધરતીકંપ બાદ ભુજનો ચારે દિશામાં વિકાસ થયો છે. છેલ્લાં 24 વર્ષમાં ભુજ કોડકી રોડ તથા રતિયા ગામને અડી રહ્યું છે. હાલે ખારી નદી પછીના વિસ્તારમાં અનેક વસાહતો વિકસી છે, જેમાં ખાસ કરીને દ્વારકા ગ્રીન, મથુરા ગ્રીન, અક્ષર રેસિડેન્સી સહિતનો સમાવેશ થાય છે, તો મુંદરા રોડ પર શનિ મંદિર પછી પણ નવી નવી કોલોનીઓ અસ્તિત્વમાં આવી રહી છે. આ માર્ગે મેહુલ પાર્ક, બાલાજી ગ્રીન, 14 એકર, સહજાનંદ રેસિડેન્સી ઉપરાંત હરિપરનો સમાવેશ ભુજમાં થયો. આ માર્ગે પણ બાલાજી, શ્રીહરિ પાર્ક, સરદાર પટેલ નગર, દેવરાજ ફાર્મ, તો મિરજાપર રોડ પણ હવે ભુજનો જ ભાગ હોય તેમ સેન્ડલવૂડ જેવી અનેક કોલોનીઓ સાથે વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો નિર્માણ પામ્યાં છે. માધાપર તો વર્ષોથી અડધું ભુજમાં જ સમાવિષ્ટ છે, જેથી આ માર્ગે પણ અનેક રહેણાક-વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો ધમધમી રહ્યાં છે.
કંપનીઓના શોરૂમથી માર્ગોનો નજારો બદલ્યો
ભૂકંપ બાદ વિકાસની હરણફાળ ભરનારાં ભુજના મુખ્ય કહી શકાય તેવા કોલેજ રોડ પર કપડાં તથા પગરખાં સહિત બ્રાન્ડેડ કંપનીઓના શોરૂમ શરૂ થયા અને દિવસો દિવસ નવા-નવા શોરૂમ ખૂલી રહ્યા છે, જેને પગલે આ માર્ગનો નજારો બદલી ગયો છે, તો ખાણી-પીણીમાં પણ મેટ્રોસિટી જેવી કંપનીઓએ મોટી-મોટી દુકાનોમાં ફ્રેન્ચાઈઝી આપતાં ભુજવાસીઓને નવા જ સ્વાદ ચાખવા મળી રહ્યા છે.
આઈયાનગર માર્ગ બની રહ્યો છે હોસ્પિટલ ઝોન
અનેક હોસ્પિટલો શરૂ થઈ હોવાથી એક આખો વિસ્તાર અસ્તિત્વમાં આવ્યો, જેનું નામ પડયું હોસ્પિટલ રોડ. અહીં સમગ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ આવતા રહે છે. સમયનાં વહાણા વહેતાં હવે આ વિસ્તારમાં અનેક હોસ્પિટલો અને તેને સંલગ્ન દવાની દુકાનો, એક્સરે, સોનોગ્રાફી સહિતના વ્યવસાયો શરૂ થયા, પણ હવે આ વિસ્તારમાં સંકડાશ વધી ગઈ અને દર્દીઓનાં સગાંઓને વાહન પાર્કિંગ સહિતની સમસ્યા સતાવતી થઈ, તેના વિકલ્પ રૂપે હવે આઈયાનગર માર્ગે મોટી હોસ્પિટલો એક બાદ એક નિર્માણ પામી રહી છે, તો પોલિટેકનિક કોલેજ માર્ગે પણ ધીરે-ધીરે હોસ્પિટલોનું નિર્માણ વધી રહ્યું છે.
આઈકોનિક બસ પોર્ટ
પ્રવાસનના નકશામાં સ્થાન પામેલાં કચ્છનાં ઐતિહાસિક સ્થળો, સંસ્કૃતિ નિહાળવા દેશ-વિદેશથી પ્રવાસીઓ હવે બારેમાસ આવતા હોય છે. કચ્છ આવનાર ભુજ તો ચોક્કસ આવે જ. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાંથી પણ લોકોની ભુજ ખાતે મોટી અવર-જવર રહેતી હોય છે, ત્યારે પ્રવાસીઓની સુવિધા વધારવા 30 કરોડથી વધુના ખર્ચે નવું આઈકોનિક બસ પોર્ટ તૈયાર થયું. એસ્કેલેટર, લક્ઝરી હોટેલ જેવાં અંદરનાં સંકુલને નિહાળવા અને તેની મજા લેવા કચ્છનાં ગામડાંઓના લોકો ખાસ ભુજ આવી રહ્યા છે. વિદેશી પ્રવાસીઓ પણ આ નવું સંકુલ નિહાળી `નાઈસ’ ચોક્કસ બોલે જ
રાજાશાહી સમયની બજારો સામે મોલ કલ્ચર પડકારરૂપ
ધરતીકંપ બાદ ટેક્સ હોલિડેનો લાભ લેવા કચ્છમાં અનેક ઉદ્યોગો ધમધમતા થયા, જેને પગલે તેમાં દેશ-વિદેશથી કામદારો, અધિકારીઓ કચ્છ આવ્યા. તેમની માનસિકતા અને જરૂરિયાતો અને કચ્છનો વિકાસ નિહાળી મેટ્રોસિટીના અનેક મોલ કચ્છમાં પણ શરૂ થયા. ભુજમાં પણ ત્રિમંદિરથી એરપોર્ટ જતા માર્ગે મોલ કલ્ચરનો પાયો પડયો. સ્થાનિક લોકોની પણ આર્થિક પરિસ્થિતિ સુધરતાં અને એક નવી જ જનરેશન આવતાં મોલને સારો પ્રતિસાદ સાંપડયો. હાલમાં સ્થાનિક બજારો સામે વિકસતાં જતાં મોલ કલ્ચરે રીતસરનો પડકાર સર્જ્યો છે. સ્થાપત્યસભર ભવ્ય ઈતિહાસ
મહાદેવ નાકા વિસ્તારમાં નકશીકામથી શોભતી ટંકશાળ
આજે 56 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું અને હજુ પણ વિકસતું ભુજ એક સમયે પાંચ નાકાં અને છઠ્ઠીબારીની અંદર વસેલું હતું. ભુજ શહેરની વિ.સં. 1605, ઇ.સ. 1549માં સ્થાપના કરાયા પછી ઇ.સ. 1719થી 1752 દરમ્યાન નગરને ફરતો આલમપનાહ ગઢ બંધાયો. ગઢનું નિર્માણ રાવ ગોડજીએ શરૂ કર્યું અને રાવ દેશળજીએ પૂર્ણ કર્યું. ગઢની દીવાલો 35 ફૂટ ઊંચી અને ચાર ફૂટ પહોળી છે. સમગ્ર ગઢને ફરતે 51 તોપ ગોઠવાયેલી રહેતી. ગઢને પાંચ નાકાં પૈકી સૌથી મહત્ત્વનું મહાદેવ નાકું રાજ્યના સમયથી આજ સુધી રહેતું આવ્યું છે. શહેરનાં હૃદહસમા હમીરસર કિનારે આવેલું આ નાકું રમણીય સ્થાન છે. મહાદેવ નાકે અનેક મહાદેવ મંદિરો આવેલાં હોઇ તેનું નામ મહાદેવ નાકું પડયું. નાકાંમાં પ્રવેશવાની રચના પણ અટપટી, કોઇ લશ્કર સીધું નગરમાં પ્રવેશી ન શકે એ પ્રકારની છે. આ સ્થાન રાજાશાહીના સમયથી જ શહેરનું મહત્ત્વનું સ્થાન રહ્યું છે. રાજાશાહીના સમયમાં કોઇ પણ શુભઅવસર હોય ત્યારે પ્રથમ મહાદેવ નાકાંને શણગારવામાં આવતું. આજે પણ નગરમાં થતી કોઇ પણ પ્રવૃત્તિનું કેન્દ્રબિંદુ મહાદેવ નાકું જ રહ્યું છે. રવિવારની રળિયામણી સાંજે મહાદેવ નાકે ફરવા જવા કે અઠવાડિયાનો થાક ઉતારવા હમીરસરની તાજી હવા લેવા જવાની પરંપરા દાયકાઓથી ચાલી આવે છે. ભુજની મુલાકાતે આવતા અનેક પ્રવાસીઓ પણ પેન્શનર ઓટલો કે મહાદેવ નાકે સેલ્ફી લેવાનું ચૂકતા નથી, એટલે મહાદેવ નાકાંનું મહત્ત્વ માત્ર ભુજવાસીઓને જ નહીં, પણ ભુજમાં આવતા દરેકને રહ્યું છે. દિવાળીની મંગળા હોય કે સાતમ-આઠમનો મેળો મહાદેવ નાકું આ પર્વની શોભા બની રહે છે. આમ, મહાદેવ નાકું ભુજ નગરનો શણગાર છે.
રાજવીઓના હાથીને બાંધવાનું સ્થળ – હાથીસ્થાન
ભુજ શહેરની સ્થાપના પછી રાજાશાહીના સમયમાં દરબારગઢ એ સમગ્ર કચ્છના વહીવટનું મધ્યવર્તી કેન્દ્ર હતું. રાજવીઓએ દરબારગઢને ફરતે જ સરપટ નાકે કે પાટવાડી નાકાંના વિસ્તારમાં પોતાના વહીવટની પાંખો ફેલાવી હતી. રાજવીઓ પાસે ઉચ્ચ કે પછી નાનો સિપાહી જેવા વિવિધ અધિકારી-કર્મચારી કે સેવકોને આ વિસ્તારમાં વસાવવા સરપટ નાકે હાથીસ્થાન, ખાસ જેલ, ઘોડાર વિસ્તારોનાં નામ આજની પેઢી જાણે છે, પણ હાથીસ્થાનમાં રાજવીઓના હાથી બંધાતા, ઘોડારમાં ઘોડા બંધાતા અને ખાસ જેલમાં ખુંખાર કેદીઓ પુરાતા એ એમને ખ્યાલ ન હોય. હાથીસ્થાનનું સુંદર પ્રવેશદ્વાર શિલ્પ કલાકૃતિનો ઉત્તમ નમૂનો છે. આ જ વિસ્તારમાં આવેલી જ્યુબિલી હોસ્પિટલ નગરજનોનાં આરોગ્ય ઉપચારનું એક સમયે મુખ્ય મથક હતી. આજે એ ભવ્ય ઇમારત નિ:સાસા નાખતી ઊભી છે. કોઇ તેનાં સ્થાપત્યની જાળવણી કરે તેની રાહ જોઇ રહી છે.
બ્રિટિશરોનાં આગમન બાદ બન્યો કેમ્પ વિસ્તાર
ભુજ શહેર ભલે એ સમયે પાંચ નાકાંમાં બંધ હતું, પણ શહેરની બહાર બ્રિટિશરોનાં આગમન પછી એક નવો વિસ્તાર બન્યો, જે કેમ્પ તરીકે ઓળખાયો. બ્રિટિશરોનાં આગમન પછી તેનાં સૈન્ય અને તેના અમલદારોના આવાસ તથા તેની કચેરી-હોસ્પિટલ આ વિસ્તારમાં તૈયાર થયાં. બ્રિટિશરોની સાથે આવેલા યહૂદીઓ, ક્રિશ્ચિયનો, પારસીઓને પણ અહીં વસાવાયા. એમનાં આસ્થાસ્થાનો ચર્ચ, અગિયારી પણ અહીં બન્યાં. કેમ્પ લશ્કરી વિસ્તારમાં આવેલું ચર્ચ એ સૌરાષ્ટ્ર – કચ્છનું પ્રથમ ચર્ચ છે. એની ઓછા લોકોને જાણ છે, તો કેમ્પમાં આવેલાં પારસી નિવાસસ્થાનો તથા અગિયારી પણ સ્થાપત્યના ઉત્તમ નમૂના છે, જે પણ શહેરની શોભા છે.
દરબારગઢનો દબદબો
ભુજ શહેરનાં નિર્માણ પછી દરબારગઢ એ કચ્છના વહીવટનું મહત્ત્વનું સ્થાન હતું. રાજવીઓના નિવાસ આયનામહેલ, પ્રાગમહેલ એ મહત્ત્વનાં સ્થાનો છે. આયના મહેલ એ રાજવીનો નિવાસ હતો, તો પ્રાગમહેલ એ શાસન ચલાવવાનું મહત્ત્વનું સ્થાન હતું. રાજાશાહીના સમયમાં નીકળતી વિવિધ અસવારીઓ દરબારગઢમાંથી જ પ્રસ્થાન કરી નગરયાત્રા કરતી, તો દરબારગઢનો ચોક પણ હોળી-દિવાળી પર્વોની ઉજવણીનું મુખ્ય સ્થાન બનતું.
શરાફ બજારની રોનક
દરબારગઢમાંથી બહાર નીકળતાં સીધી ભીડ ચોકને મળતી સોંસરવી શરાફ બજાર રાજાશાહીના સમયથી આજ સુધી ભુજ સહિત સમગ્ર કચ્છનું મુખ્ય વેપારી મથક બની છે. દરબારગઢમાંથી નીકળતી ભુજિયાની અસવારી શરાફ બજાર થઈને ભુજિયા ડુંગરે જતી. શરાફ બજારની મધ્યમાં આવેલી શાકમાર્કેટ, શિલ્પકલા, સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. અહીં આવેલી પોલીસ ચાવડી-શાકમાર્કેટ, ડાંડાબજાર, રાજાશાહીના સમયથી અનેક યાદો અને ઘટનાઓની મૂક સાક્ષી બની ઊભી છે.