Ranutsav kutch : કચ્છમાં ધોરડો ખાતે 19મા રણોત્સવનો આમ તો નવેમ્બરની શરૂઆતથી પ્રારંભ થઇ ચૂક્યો છે, પરંતુ સત્તાવાર રીતે ઉદ્ઘાટન મુખ્યમંત્રી કરતા હોય છે એવી પરંપરા છે ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આગામી ડિસેમ્બરમાં કચ્છ આવી રહ્યા છે. મળેલી માહિતી પ્રમાણે આગામી 13 અથવા 14 તારીખે રણોત્સવનું સત્તાવાર રીતે મુખ્યમંત્રી શ્રી પટેલ ઉદ્ઘાટન કરી શકે છે. આમ તો પૂનમની રાત્રે ચંદ્ર સોળેકળાએ ખીલે છે ત્યારે સફેદ રણનો નજારો કંઇક વધુ જોવાલાયક હોવાથી ચાંદની રાતમાં મોતીની જેમ ચળકતા આ મીઠાના અફાટ રણમાં પ્રવાસીઓ ખોવાઇ જાય?છે. એ પૂનમ 15મી ડિસેમ્બરના આવે છે તેમ છતાં મળેલી વિગતો પ્રમાણે મુખ્યમંત્રી પૂનમને ધ્યાને લઇ 13 અથવા 14 ડિસેમ્બરના રણોત્સવને ખુલ્લો મૂકશે. તેમની સાથે પ્રવાસનમંત્રી અને સ્થાનિક આગેવાનો હાજરી આપશે તેવું જાણવા મળ્યું છે.