કચ્છ-બનાસકાંઠાના મંદિરોમાં ચોરી કરતી રાજસ્થાનની નામચીન ગરાસીયા ગેંગ ઝડપાઈ

કચ્છ-બનાસકાંઠાના મંદિરોમાં ચોરી કરતી રાજસ્થાનની નામચીન ગરાસીયા ગેંગ ઝડપાઈ ગયો 

ચોરીનો માલ ખરીદનારા અમદાવાદના સોની સહિત ૬ સાગરીતોની ધરપકડ

કચ્છ-બનાસકાંઠાના મંદિરોમાં ચોરી કરતી રાજસ્થાનની નામચીન ગરાસીયા ગેંગ ઝડપાઈ

કચ્છ વાગડના ૧૯ મંદિરોમાં અલગ અલગ દિવસે સામૂહિક ચોરી અને લૂંટ કરનાર રાજસ્થાનની નામચીન ગરાસીયા ગેંગને પૂર્વ કચ્છ પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી છે. પોલીસે ગેંગ પાસેથી ચોરીનો માલ ખરીદનારા અમદાવાદના સોની સહિત ૬ સાગરીતોની ધરપકડ કરી છે, બે હજુ હાથમાં આવ્યાં નથી.

ગેંગની કબૂલાતના આધારે કચ્છ વાગડના બે અને નખત્રાણાના વડવા ભોપામાં થયેલી એક મંદિર ચોરી ઉપરાંત બનાસકાંઠાના ભાભર, થરા, રાધનપુર, દિયોદર અને ડીસામાં કરેલી અન્ય ચોરીઓ મળી કુલ ૮ ગુના ઉકેલી નાખ્યાં છે.

મંદિરોમાં સામૂહિક ચોરીના પગલે SIT રચાયેલી

ગત છઠ્ઠી નવેમ્બરની મધરાત્રે આ ટોળકીએ રાપર તાલુકાના ચિત્રોડ અને નજીકની જેઠાસરી વાંઢમાં એકસાથે ૧૧ મંદિરો અને દેરીઓમાં ત્રાટકીને ૯૭ હજારના મુદ્દામાલની ચોરી કરેલી. આ ઘટનાના પગલે રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે ગુનાશોધન માટે ભચાઉ DySP સાગર સાંબડાના નેતૃત્વમાં ખાસ તપાસ ટૂકડી (SIT)ની રચના કરી હતી. જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એન.એન. ચુડાસમા, આડેસરના પીઆઈ જે.એમ. વાળા તથા ગાગોદરના પીઆઈ વી.એ. સેંગલને સભ્ય તરીકે સમાવાયાં હતાં.

ચિત્રોડ બાદ ફરી કાનમેરમાં ગેંગ ત્રાટકેલી

ચિત્રોડના મંદિરોમાં સામૂહિક ચોરીના છ દિવસ બાદ ફરી આ ગેંગે ૧૧ નવેમ્બરની મધરાત્રે કાનમેરના ૮ મંદિરોમાં ત્રાટકીને ૧૨ હજાર રોકડાં સાથે કુલ ૧ લાખ ૬૧ હજારના મુદ્દામાલની ચોરી કરી હતી. ટોળકીએ ગામના જૈન મંદિરની સેવા પૂજા કરતાં પૂજારીને માર મારી લૂંટ આચરેલી.

પથ્થરોની કોતરણી કરતાં કારીગરોની છે ગેંગ

કાનમેરમાં હાથ મારવા ગયેલી ગેંગના અમુક લોકો ઝડપાઈ ગયાં હતાં. ત્યારબાદ SITએ સઘન તપાસ હાથ ધરતાં આ ગેંગ રાજસ્થાનની ગરાસીયા ગેંગ હોવાનું સ્પષ્ટ થયેલું. આ ગેંગમાં સામેલ લોકો મંદિરોના પથ્થરોનું કોતરણીકામ કરતાં કારીગરો છે. દિવસે પથ્થરોની કોતરણી કરે અને રાત પડે કે આસપાસના અન્ય મંદિરોમાં ચોરી કરવા નીકળી પડે. કેટલાંક સાગરીતો રાજસ્થાન નાસી ગયાં હતાં. SITએ રાજસ્થાનના ઉદયપુર અને શિરોહીના જંગલ વિસ્તારોમાં સ્થાનિક પોલીસની મદદથી રાત્રિ દરમિયાન કોમ્બિંગ કરીને અન્ય સાગરીતોને ઝડપી પાડ્યાં હતાં. આ ગેંગે અગાઉ કચ્છમાં પણ કામ કરેલું છે અને કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ તથા મંદિરોથી સુપેરે વાકેફ છે.

અમદાવાદના સોની સહિત ૬ જણ ઝડપાયાં

કચ્છમાં ચોરી કર્યાના ગણતરીના દિવસોમાં પોલીસે ગેંગને દબોચી લેતાં મોટાભાગનો મુદ્દામાલ રીકવર થઈ ગયો છે. પોલીસે કુલ ૩.૬૪ લાખનો મુદ્દામાલ રીકવર કર્યો છે. ચોરીનો કેટલોક માલ અમદાવાદના વસ્ત્રાલમાં રહેતો મૂળ રાજસ્થાનના શિરોહીનો સોની સુરેશકુમાર શાંતિલાલ સોની ખરીદતો હતો. પોલીસે તેની પણ ધરપકડ કરીને કેટલોક મુદ્દામાલ રીકવર કર્યો છે. આ ગેંગે નખત્રાણાના વડવા ભોપાના મંદિરમાં કરેલી ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે.

૪૧ પોલીસ અધિકારી કર્મચારીની મહેનત રંગ લાવી

પોલીસે પકડેલાં તસ્કરોમાં કમલેશ અનારામ ગરાસીયા, રમેશ બાબુરામ ગરાસીયા, જીતેન્દ્ર સુનારામ ગરાસીયા, સુરેશ શંકર ઊર્ફે ડાકુ ગરાસીયા, જયરામ ઊર્ફે જેનીયા નોનારામ ગરાસીયા અને સુરેશ શાંતિલાલ સોનીનો સમાવેશ થાય છે. ગુનામાં સામેલ મેઘલારામ ઊર્ફે મેઘારામ મોતીરામ ગરાસીયા અને રમેશ વાલારામ ગરાસીયા નામના બે આરોપી હજુ હાથ લાગ્યાં નથી. ઝડપાયેલાં આરોપીઓ રીઢા છે અને તેમના પર અગાઉ રાજસ્થાનના વિવિધ મંદિરો સહિતના સ્થળોમાં ચોરીના સંખ્યાબંધ ગુના દાખલ થયેલાં છે. લોકોની ધાર્મિક લાગણી દુભાવે તેવા આ બનાવને ઉકેલવામાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિત કુલ ૪૧ પોલીસ કર્મચારી અધિકારીઓની ટીમ છેલ્લાં સાત આઠ દિવસ દરમિયાન ભારે ખંતથી દોડધામ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *