Fail photo
Ahmedabad Crime : અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા:કાર ધીમી ચલાવવાની ટકોર કરતાં કારચાલકે આડેધડ છરીના ઘા ઝીંકી MICA કોલેજના સ્ટુડન્ટને પતાવી દીધો, મૃતક UPનો વતની
Ahmedabad Crime : અમદાવાદના બોપલ વિસ્તારમાં હત્યાની એક ઘટના સામે આવી છે. વાહન ચલાવવા માટે MICA કોલેજના વિદ્યાર્થીએ કારચાલકને ટકોર કરી હતી, પરંતુ કારચાલકે ઉશ્કેરાઈને વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો, આથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બોપલ ફાયર સ્ટેશન નજીક બની હતી. કારચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
Ahmedabad Crime : વિદ્યાર્થી મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી
23 વર્ષના પ્રિયાંશું જૈન નામના વિદ્યાર્થીની હત્યા થઈ છે. વિદ્યાર્થી રાતે બુલેટ પર મિત્ર સાથે જઈ રહ્યો હતો. ફાયર સ્ટેશન પાસે કારચાલક સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન વિદ્યાર્થીની છરી મારી હત્યા કરવામાં આવી હતી. વિદ્યાર્થી મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. પોલીસ અને મૃતકના મિત્રો પણ સ્થળ પર પહોંચ્યા છે. FSLની ટીમ દ્વારા સ્થળ પરથી સેમ્પલ લેવામાં આવ્યાં છે.
Ahmedabad Crime : હોસ્ટેલમાં સાથે રહેતા મિત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી
અમદાવાદના છેવાડે આવેલા શેલાગામની અશોકા હોસ્ટેલમાં રહેતા પૃથ્વીરાજ મહાપાત્રાએ બોપલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. પૃથ્વીરાજ મૂળ ઓડિશાનો રહેવાસી છે અને અને અમદાવાદની માયકા કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પૃથ્વીરાજ સાથે તેનો મિત્ર પ્રિયાંશુ જૈન પણ કોલેજમાં અભ્યાસ કરતો હતો. પ્રિયાંશુ જૈન મૂળ ઉત્તરપ્રદેશના મેરઠનો રહેવાસી છે. ગઈકાલે સાંજે પૃથ્વીરાજ અને પ્રિયાંશુ બન્ને કોલેજના કેમ્પસમાં કંપનીનો ઇન્ટવ્યૂ હોવાથી તે તેમના મિત્ર ચૈતન્યનું બુલેટ લઈને બોપલ સરકારી ટ્યૂબવેલ પાસે આવેલા મારુતિ ટેલરમાં સૂટ સિવડાવવા માટે ગયા હતા.
Ahmedabad Crime : કારચાલકે પ્રિયાંશુને કહ્યું- રૂક રૂક ક્યા બોલા તૂં
બન્ને જણા સૂટનું માપ આપીને વકીલ સાહેબ બ્રિજ પાસે નાસ્તો કરવા માટે ગયા હતા. નાસ્તો કરી લીધા બાદ બન્ને જણા કોલેજ જતા હતા. સન સાઉથ સ્ટ્રીટ કોમ્પ્લેક્સ પાસે પહોંચ્યા ત્યારે પ્રિયાશુંને સ્વીટ લેવાની ઇચ્છા થઈ હતી. બન્ને જણાએ બુલેટ બેકરી પાસે ઊભું રાખ્યું હતું અને કેક લેવા માટે પહોંચી ગયા હતા. કેક લઈને બન્ને રૂમ પર બુલેટ લઈને જઈ રહ્યા હતા ત્યારે એક કારચાલક પૂર ઝડપે તેમની પાસેથી પસાર થયો હતો. દરમિયાન પ્રિયાંશુએ કારચાલકને કહ્યું હતું કે ‘ઇતની જોર સે ક્યો ગાડી ચલા રહે હો’ આથી કારચાલકે બુલેટનો પીછો કર્યો હતો અને પ્રિયાંશુને કહ્યું કે ‘રૂક રૂક ક્યા બોલા તૂં’
Ahmedabad Crime : રૂક અભી તુજે દિખાતા હૂં
પૃથ્વીરાજે તેનું બુલેટ ઊભું રાખી દીધું હતું અને કારચાલકે પણ તેની ગાડી ઊભી રાખી દીધી હતી. કારચાલકે પૃથ્વીરાજને આવતાંની સાથે કહ્યું હતું કે, ‘તુમ લોગ રોંગ સાઇડ મેં હો તો મૈં જોર સે નહીં ચલાઉંગા, કારચાલકની વાત સાંભળીને પ્રિયાંશુ અને પૃથ્વીરાજની બબાલ થઈ ગઈ હતી. કારચાલકે પ્રિયાંશુને ધક્કો મારી દીધો હતો અને બાદમાં બન્ને વચ્ચે મારમારી થઈ હતી. કારચાલકે પ્રિયાંશુને ધમકી આપી હતી કે રૂક અભી તુજે દિખાતા હૂં કહીને કાર પાસે ગયો હતો અને બે છરી લઈને આવ્યો હતો.
Ahmedabad Crime : પ્રિયાંશુ પર આડેધડ છરીના ઘા ઝીંક્યા
બાદમાં પ્રિયાંશુ પર આડેધડ છરી મારતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ પ્રિયાંશુને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. જ્યારે કારચાલક હુમલો કરીને નાસી ગયો હતો. ઘટનાની જાણ બોપલ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બોપલ પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વહેલી સવારે એસપી સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
Ahmedabad Crime : મહિલાએ પ્રિયાંશુને હોસ્પિટલ પહોંચાડ્ય
કારચાલકે પ્રિયાંશુ પર હુમલો કર્યો ત્યારે એક મહિલા કાર લઈને ત્યાંથી પસાર થતી હતી. 108 આવે એ પહેલાં લોહીથી લથબથ પ્રિયાંશુને સારવાર માટે મહિલાએ પોતાની કારમાં બેસાડી દીધો હતો. પ્રિયાંશુને બોપલની હોસ્પિટલમાં એડમિટ કરીને મહિલા ત્યાંથી જતી રહી હતી, પરંતુ તેની હાલત નાજુક હોવાથી તેને 108 હોસ્પિટલ મારફત ઝાયડસ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.