રિઝર્વ બેંક (RBI) ચેક ક્લિયરિંગને લઈને મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. આ સાથે માત્ર થોડા કલાકોમાં ચેક ક્લિયર થઈ જશે અને આ માટે તમારે બે દિવસ રાહ જોવી પડશે નહીં.
જે લોકો ચેક દ્વારા બેંકમાં પૈસા જમા કરે છે અથવા ટ્રાન્ઝેક્શન કરે છે તેમના માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. હવે તમે દેશની કોઈપણ ખાનગી અથવા સરકારી બેંકમાં ચેક જમા કરાવશો તો થોડા કલાકોમાં તમારો ચેક ક્લિયર થઈ જશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગુરુવાર, 8 ઓગસ્ટ, 2024 ના રોજ નીતિગત વ્યાજ દર રેપો રેટની જાહેરાત કરતી વખતે આ જાહેરાત કરી હતી.
હવે એ તો જાણીતું જ છે કે અત્યારે ચેક જમા કરાવવાના સમયથી ચેક ક્લિયર થવા અને પૈસા મળવામાં ઓછામાં ઓછા બે દિવસ લાગે છે. જો કે હવે નવી સિસ્ટમમાં ચેક જમા થયાના થોડા કલાકોમાં જ ક્લિયર થઈ જશે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે નાણાકીય વર્ષ 2024-25 માટે ત્રીજી નાણાકીય નીતિ સમીક્ષાની જાહેરાત કરતી વખતે આ વાત કહી હતી.
આ વિશે વાત કરતાં શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, “ચેક ક્લિયરિંગને સુવ્યવસ્થિત કરવા, જોખમને ઘટાડવા અને ગ્રાહકોને સારી સેવાઓ આપવાના ઉદ્દેશ્ય સાથે ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS)ની હાલની પ્રક્રિયામાં ફેરફાર કરવા માટેનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.”
આ સાથે જ RBI ગવર્નર શક્તિકાંત દાસે બીજી ઘણી જાહેરાતો કરી હતી. જેમ કે ગ્રાહકો માટે મોટી રકમના ટ્રાન્ઝેક્શનને વધુ સરળ બનાવવા માટે UPI ટ્રાન્ઝેક્શન લિમિટ 1 લાખથી વધારીને રૂ. 5 લાખ સુધીની કરી છે.
ઉપરાંત દેશમાં વધતી જતી ફુગાવાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેની ઓગસ્ટની નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટને પહેલાની જેમ 6.5 ટકા પર જાળવી રાખ્યો છે. આ સતત 9મી વખત છે જ્યારે મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં રેપો રેટને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.