ટીમ ઈન્ડિયા ને ભારત પરત ફરવામાં વિલંબ થઈ શકે
T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા બેરીલ વાવાઝોડાના કારણે બાર્બાડોસમાં અટવાઈ ગઈ છે. ભારતીય ટીમને સોમવારે એટલે કે આજે ભારત આવવા માટે ન્યૂયોર્ક જવાની હતી. પરંતુ, ખરાબ હવામાનને કારણે ટીમનું શિડ્યુલ ખોરવાઈ ગયું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એટલાન્ટિકમાં આવી રહેલા બેરીલ વાવાઝોડાને 210 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. કેટેગરી 4નું આ વાવાઝોડું બાર્બાડોસથી અંદાજે 570 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું અને તેના કારણે એરપોર્ટ પરની કામગીરી હાલમાં રોકી દેવામાં આવી છે. સ્થિતિ એવી છે કે એરપોર્ટને એક દિવસ માટે બંધ રાખવું પડી શકે છે.
એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે સમયપત્રક મુજબ, ટીમ અહીંથી (બ્રિજટાઉન) ન્યુયોર્ક જવાની હતી અને પછી દુબઈ થઈને ભારત પહોંચવાની હતી. પરંતુ હવે અહીંથી સીધી દિલ્હી સુધી ચાર્ટર્ડ ફ્લાઇટ લેવાની યોજના છે. ત્યાં પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. સહાયક સ્ટાફ, પરિવારો અને અધિકારીઓ સહિત લગભગ 70 સભ્યો છે.