ભુજના સ્મૃતિવન ખાતે એશિયાના સૌથી મોટા “મિયાવાકી વન”ના આહૂલાદક વાતાવરણમાં ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ
યોગને દરેક ઘર, ગામ તથા શહેર સુધી પહોંચાડવાની કેન્દ્ર તથા ગુજરાત સરકારની નેમ – શ્રી વિનોદભાઇ ચાવડા, સાંસદશ્રી કચ્છ-મોરબી
“સ્વયં અને સમાજ માટે યોગ”ની થીમ સાથે વિશાળ સંખ્યામાં યોગપ્રેમીઓએ યોગાભ્યાસ કર્યો
જિલ્લાકક્ષા,તાલુકાકક્ષા તથા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે
વહીવટીતંત્ર દ્વારા કચ્છમાં કુલ યોગ દિનના ૧૦ કાર્યક્રમ યોજવામાં આવ્યા
કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાના અધ્યક્ષસ્થાને ભુજ સ્મૃતિવન ખાતે જિલ્લાકક્ષાના “સ્વયં અને સમાજ માટે યોગ” ની થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે એશિયાના સૌથી મોટા “મિયાવાકી વન”ના આહૂલાદક વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં ૨૫૦૦થી વધુ યોગપ્રેમીઓ જોડાયા હતા.
આ તકે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, યોગને વડાપ્રધાનશ્રીએ દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડયો છે. ત્યારે કેન્દ્ર તથા રાજયસરકાર યોગને દરેક ઘર, ગામ તથા શહેરના નાગરિકો સુધી પહોંચાડવા કટિબધ્ધ છે. આ માટે રાજય સરકાર દ્વારા આ દિશામાં વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ૨૧મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર ભારત તથા ગુજરાતના દરેક સ્થળે કરાતી સામૂહિક ઉજવણી આ જ પ્રયાસનો એક ભાગ છે. આ તકે તેમણે વડાપ્રધાનશ્રીના વિઝન હેઠળ આકાર પામેલા ભુજ સ્મૃતિવન ભૂંકપ મેમોરીયલ મ્યૂ
ઝિયમને યુનેસ્કો દ્વારા વિશ્વના ૭ સુંદર મ્યુઝિયમમાં સ્થાન મળ્યું હોવાની બાબત હર્ષની લાગણી વ્યકત કરી હતી. યોગ સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટેનું મહત્વનું પાસું છે ત્યારે દરેક નાગરિકો રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપે તેવી લાગણી તેમણે વ્યકત કરી હતી.
સમગ્ર કચ્છમાં યોગ દિવસ નિમિત્તે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ, તાલુકાકક્ષા તથા જ્યાં નગરપાલિકા છે ત્યાં સંયુક્ત ઉપક્રમ સાથે કુલ યોગ દિવસના ૧૦ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અંજારનો કાર્યક્રમ વીરબાળ ભૂમિ સ્મારક અંજાર, ગાંધીધામનો કાર્યક્રમ ઓસ્લો બ્રિજ, રાપરનો કાર્યક્રમ સ્વામીનારાયણ ગુરૂકુળ, માંડવીનો કાર્યક્રમ શ્યામજીકૃષ્ણવર્મા મેમોરિયલ, નખત્રાણાનો કાર્યક્રમ ટી.ડી.વેલાણી હાઈસ્કૂલ, મુન્દ્રાનો કાર્યક્રમ શાસ્ત્રી મેદાન, અબડાસાનો કાર્યક્રમ જંગલેશ્વર ગ્રાઉન્ડ નલીયા, ભચાઉનો કાર્યક્રમ પટેલ બોર્ડિંગ ભચાઉ અને લખપતનો કાર્યક્રમ પી.એમ.લીંબાણી હાઈસ્કૂલ દયાપર ખાતે યોજવામાં આવ્યો હતો.
આ અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કાશ્મીરનાં શ્રીનગરથી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નડાબેટ બનાસકાંઠાથી જીવંત પ્રસારણ દ્વારા જોડાઇ સંબોધન કર્યું હતું.
આજના કાર્યક્રમમાં ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ, ખેરાલુના ધારાસભ્યશ્રી સરદારભાઇ ચૌધરી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઇ વરસાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, નિવાસી અધિક કલેકરટરશ્રી મિતેશ પંડયા, ડીઆરડીએના ડાયરેકટરશ્રી નિકુંજ પરીખ, તાલીમ આઇએસએસ અધિકારી સુશ્રી ઇ.સુસ્મિતતા, પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, ડીવાયએસપીશ્રી એ.આર.ઝનકાંત, સહિતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ, યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં યોગપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત રાજય યોગ બોર્ડના વિજય શેઠ દ્વારા યોગ પ્રોટોકલની તાલીમ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠકકરે કર્યું હતું.