Surat : હોન્ડા સિટીના ચાલકે ફૂલ સ્પીડમાં 4 ટુ-વ્હિલરને ઉડાડ્યા, માસા-ભાણેજનું મોત, ઈજાગ્રસ્ત 4માંથી 2ની હાલત ગંભીર, એક તો સગર્ભા
Surat : સુરતમાં મોટા વરાછા રિંગરોડ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં 4 ટુ-વ્હિલરને અડફેટે લીધા હતા. જેમાં માસા-ભાણેજનું મોત નીપજ્યું હતું અને 4ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બેની હાલત ગંભીર છે. તેમાંય એક તો સગર્ભા છે.
મૃતકના નામ
🔹વિયાન દવેશભાઈ વાઘાણી (ઉં.વ. 6)
🔹સંકેત હિંમતભાઈ વાવડિયા (ઉં.વ. 29)
મળતી માહિતી પ્રમાણે, મોડીરાત્રે બે વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડી રહેલી કારના ચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ત્યાંથી પસાર થઈ રહેલા બાઈકચાલકોને અટફેટે લીધા હતા. એક બાઈક પર યુવક અને એક બાળક પસાર થઈ રહ્યા હતા તેને પણ ગંભીર રીતે અડફેટે લીધા હતા. ગંભીર ઈજા પહોંચતા બન્નેના મોત નીપજ્યા હતા.
જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાઓને વરાછા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ચાર રસ્તે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ઉતરણ પોલીસ દ્વારા આ કારચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અકસ્માતમાં બચી જનાપ અજય મિયાણીએ જણાવ્યું હતું કે, અમારી એક બહેન ગામડેથી આવી હતી એટલે અમે બધા ત્યાં બેસવા ગયા હતા. પરમદિવસે અમારે પણ કામ હોવાથી ગામડે જવાનું હતું. આથી અમે બધા બેઠા હતા અચાનક 100 કિમીની ઝડપે કાર આવી અને બધાને ઉડાડ્યા હતા. અકસ્માત જોવાની મારી હિંમત જ નહોતી, હું પોતે ભાનમાં નહોતો. મને એક પગમાં, છાતી અને એક હાથમાં ઇજા થઈ છે. ફ્રેક્ચર થઈ ગયું હોય તેવું લાગે છે. મારા પરિવારમાં ભાણેજ અને જીજાજી એક્સપાયર થઈ ગયા છે.