VIDEO: રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને આપ્યું સરકાર બનાવવાનું આમંત્રણ, 9 જૂને શપથગ્રહણ

સંકટો વચ્ચે અર્થવ્યવસ્થામાં થયો વિકાસ: નરેન્દ્ર મોદી 

PM Modi Met The President : લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળ્યા બાદ નવી સરકાર રચવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. આજે દિલ્હીમાં એનડીએમાં સામેલ પક્ષોની બેઠક યોજાઈ હતી, જેમાં તમામ પક્ષોએ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે સર્વાનુમતે સંમતી આપી દીધી છે, ત્યારે નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન પહોંચી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ (President Droupadi Murmu) સાથે મુલાકાત કરી હતી, જેમાં રાષ્ટ્રપતિએ તેમને નવી સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે. મોદી 9મી જૂને શપથગ્રહણ કરશે. આ પહેલા શુક્રવારે જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં નરેન્દ્ર મોદીને NDAના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

પાંચ વર્ષ મહેનત કરીશું: નરેન્દ્ર મોદી

રાષ્ટ્રપતિ દ્વારા સરકાર રચવાનું આમંત્રણ મળ્યા બાદ મોદીએ મીડિયાને સંબોધિત કરતાં કહ્યું હતું, કે ‘હું આ અવસર માટે દેશનો આભાર પ્રગટ કરું છું. હું દેશવાસીઓને વિશ્વાસ આપવું છું કે 18મી લોકસભાના પાંચ વર્ષના કાર્યકાળમાં અમે ગતિ અને સમર્પણભાવથી દેશની આશા અને અપેક્ષા પૂર્ણ કરવામાં કોઈ કસર છોડીશું નહીં.’

સંકટો વચ્ચે અર્થવ્યવસ્થામાં થયો વિકાસ: નરેન્દ્ર મોદી

તેમણે કહ્યું હતું કે, ‘2014માં હું નવો હતો. આમારી ટીમ માટે ઘણું બધુ પહેલી વખત થઈ રહ્યું હતું. આ 10 વર્ષનાં કાર્યકાળ દરમિયાન ભારતની વૈશ્વિક જે છબી બની છે, દુનિયા માટે ભારત વિશ્વબંધુ તરીકે ઉભર્યું છે તેનો સૌથી વધારે ફાયદો હવે મળી રહ્યો છે. વૈશ્વિક પરિવેશમાં પણ હવેનાં 5 વર્ષ ભારત માટે મહત્વનાં રહેશે. દુનિયા અનેક સંકટ અને વિપત્તિઓમાંથી પસાર થઈ રહી છે. દુનિયાએ આવી સમસ્યાઓ ઘણી ઓછી જોઈ છે અને દરેક દેશ પોતાને બચાવી રાખવા માટે પડકારો ઝીલી રહ્યો છે. આટલા બધા સંકટો વચ્ચે પણ ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થ વ્યવસ્થા તરીકે ઊભરી રહ્યો છે. તેનાં કારણે દુનિયાનું ભારત તરફ વળવું પણ બહુ ઝડપથી આગળ વધશે. તેનો લાભ દેશનાં લોકોને અને યુવા પેઢીને મળશે.

જે.પી.નડ્ડાના નિવાસસ્થાને મહારાષ્ટ્રના નેતાઓની બેઠક

આ પહેલા ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના નિવાસસ્થાને મહારાષ્ટ્રના એનડીએ નેતાઓને ધડાધડ બેઠકો યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ મોદી સરકારની નવી કેબિનેટમાં એનસીપીના એક મંત્રીને મંત્રીપદ આપવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ, પ્રફુલ પટેલ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી વડા અજિત પવાર ઉપસ્થિત રહ્યા હતા.

એનડીએ ડેલિગેશને રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત

મોદીની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પહેલા એનડીએ ડેલિગેશને રાષ્ટ્રપતિ ભવન પહોંચી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ ડેલિગેશનમાં અમિત શાહ, રાજનાથ સિંહ, નીતીશ કુમાર, એકનાથ શિંદે સહિત તમામ નેતાઓ સામેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *