માંડવીમાં વિશ્વ તમાકુ નિષેધ દિનની રંગેચંગે ઉત્સાહભેર ઉજવણી કરાઈ અખિલ કચ્છ નિબંધ સ્પર્ધાના ત્રણે વિભાગના વિજેતાઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરાયા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પણ પ્રોત્સાહન ઈનામો અપાયા મોઢાના ઓરલ કેન્સર વિશે નિઃશુલ્ક નિદાન કેમ્પ પણ યોજાયો માંડવી જનકલ્યાણ મેડીકલ સોસાયટી અને ૫.પૂ. નરેશમુનિ મ.સા. પ્રેરિત વ્યસન મુકિત અભિયાનના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો
માંડવીમાં છેલ્લા ૩૨ વર્ષથી કાર્યરત સંસ્થા “જન કલ્યાણ મેડીકલ સોસાયટી” સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલીસીસ સેન્ટર માંડવી અને પરમ પૂજય નરેશમુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસન મુકિત અભિયાનના સંયુક્ત ઉપક્રમે આજે ૩૧મી મેને શુક્રવારના રોજ “વિશ્વ તમાકુ નિષેધ દિન” ની રંગે ચંગે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
જનકલ્યાણ મેડીકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવીના પ્રમુખપદે અને માંડવીના ધારાસભ્ય અનિરૂધ્ધભાઈ દવેના મુખ્ય મહેમાન પદે જનકલ્યાણ મેડીકલ હોસ્પિટલના પરિસરમાં એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો.
માંડવીના ધારાસભ્ય અનિરૂધ્ધભાઈ દવેએ દિપ પ્રગટાવીને કાર્યક્રમને ખૂલ્લો મૂકતા જણાવ્યું હતું કે, વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી નિમિત્તે અખિલ કચ્છ નિબંધ સ્પર્ધા માં સમગ્ર કચ્છના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમમિક અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ખૂલ્લા વિભાગમાં સમગ્ર કચ્છના સ્પર્ધકોને જોડીને બંને સંસ્થાએ પ્રેરણાદાયી કાર્ય કરેલ છે. રાજકોટના બનાવમાં અવસાન પામેલ સર્વેને શ્રધ્ધાંજલિ અર્પી હતી. અને બે મિનિટનું મૌન પડાવ્યું હતું.
જનકલ્યાણ મેડીકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી, જણાવ્યું હતું કે, આ સંસ્થાએ હજારો લોકોને કેન્સર મુકત કર્યા છે.
પરમ પૂજય નરેશમુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસનમુકિત અભિયાનના મંત્રી દિનેશભાઈ શાહે અખિલ કચ્છ નિબંધ સ્પર્ધામાં સમગ્ર કચ્છના સ્પર્ધકો તરફથી મળેલા આવકાર બદલ ખુશી વ્યકત કરી, વિજેતા અને ભાગ લેનાર તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ.પૂ. નરેશમુનિ મ.સા. ૧૪ વર્ષ બાદ કચ્છ પધાર્યા છે અને ચાલુ વર્ષે માંડવી તાલુકાના માપર ગામે ચાતુર્માસ કરવાના છે. ત્યારે ચાતુર્માસ દરમ્યાન સમગ્ર કચ્છને વ્યસનમુકત કરવા ઘટતા તમામ પ્રયાસો કરવાની ઘોષણા કરી હતી. તેમણે ઉપસ્થિત સર્વેને વ્યસન મુકત બનવા અને બનાવવા પ્રતિજ્ઞા લેવડાવી હતી.
ત્રણે વિભાગમાં પ્રથમ ત્રણ વિજેતા ને મોમેન્ટો અને સન્માનપત્ર થી મહેમાનો અને મંચસ્થોના હસ્તે અભિવાદન કરાયું હતું. મોઢાના ઓરલ કેન્સર વિશે દશ્ય શ્રાવ્ય સાધનો થી ડો. દિશાબેન પટેલે વિગતે સમજણ આપી હતી.
માંડવીના ધારાસભ્ય અનિરૂધ્ધભાઈ દવે, જનકલ્યાણ મેડીકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા તથા વ્યસન મુકિત અભિયાનના ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ અને મંત્રી દિનેશભાઈ શાહ, જનકલ્યાણ મેડીકલ સોસાયટીના માનદ સભ્યો ડો. આદિત્ય ચંદારાણા, નરોતમભાઈ ધોળુ, પ્રજ્ઞાબેન પોપટ અને ભારતીબેન સંઘવી તેમજ સંસ્થાના ડો. જયેશભાઈ મકવાણા, ડો. દિજ્ઞાબેન પટેલ અને ડો. રશ્મિબેન સોરઠીયા મંચસ્થ રહ્યા હતા.
નિર્ણાયકો તરીકે પ્રજ્ઞાબેન પોપટ, ડો. જયેશભાઈ મકવાણા અને જૈનનૂતન પ્રા. શાળા નં. ૩ માંડવીના રાજય એવોર્ડ વિજેતા ભારતીબેન ગોરે સેવા આપી હતી. ત્રણે નિર્ણાયકોનું સન્માન કરવામાં આવેલ હતું.
ડો. રશ્મિબેન સોરઠીયાએ કાન-નાક અને ગળાના દર્દીઓ નું નિદાન કરેલ હતું.વ્યસનમુકિત અભિયાનના પ્રણેતા પૂ. નરેશમુનિ મ.સા. અને તેમના શિષ્ય રત્ન ઓજસ મુનિ મ.સા. તથા વ્યસનમુકિત અભિયાનના પ્રમુખ ડો. દિનેશભાઈ જોશીએ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જનકલ્યાણ સંસ્થાના સહમંત્રી મહેશભાઈ કંસારાએ કરેલ હતું. જયારે મંત્રી અરવિંદભાઈ શાહે આભાર દર્શન કરેલ હતું. મુલેશભાઈ દોશી, અપર્ણાબેન વ્યાસ સહીત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જનકલ્યાણ હોસ્પિટલનો સ્ટાફ સહયોગી રહ્યો હતો.