AAP / શુક્રવારે 50 દિવસ પછી જેલમાંથી બહાર આવ્યા બાદ આજે અરવિંદ કેજરીવાલે પાર્ટી હેડક્વાર્ટર ખાતે સમર્થકોને સંબોધતા કહ્યું કે મોદીજી દેશના તમામ નેતાઓને ખતમ કરવા માંગે છે. વિપક્ષના તમામ નેતાઓને જેલ મોકલશે.
દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 10 મેના રોજ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલ આજે કનોટ પ્લેસના હનુમાન મંદિર પહોંચ્યા. આ દરમિયાન તેમણે પૂજા કરી અને હનુમાનજીને પગે લાગ્યા. અહીંથી નીકળ્યા બાદ તેઓ નજીકના શનિ મંદિર અને નવગ્રહ મંદિર પણ પહોંચ્યા હતા. આ પછી કેજરીવાલ આમ આદમી પાર્ટીના મુખ્યાલય પહોંચ્યા. પાર્ટી હેડક્વાર્ટર ખાતે કેજરીવાલના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી.
AAP / આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં સમર્થકોને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે 50 દિવસ પછી તમારી વચ્ચે આવીને સારું લાગી રહ્યું છે. અમે આજે હનુમાનજીના આશીર્વાદ લીધા. ત્યારબાદ શિવ મંદિર અને શનિ મંદિર ગયા. બજરંગ બલીની અમારા પક્ષ પર ઘણી કૃપા છે. તેમના કારણે જ હું તમારી વચ્ચે છું. કોઈને આશા ન હતી કે ચૂંટણીની વચ્ચે હું તમારી વચ્ચે આવીશ. તેમણે કહ્યું કે વડાપ્રધાને અમારી આમ આદમી પાર્ટીને કચડી નાખવામાં કોઈ કસર છોડી નથી. એક વર્ષમાં અમારી પાર્ટીના ચાર ટોચના નેતાઓને જેલ મોકલી દીધા. જે લોકો મોદીજીને મળવા જાય છે. તે અમને પણ બધું કહે છે.
AAP / કેજરીવાલે કહ્યું કે મોદીજી દેશના તમામ નેતાઓને ખતમ કરવા માંગે છે. વિપક્ષના તમામ નેતાઓને જેલ મોકલશે. તેમણે કહ્યું કે મારી પાસેથી એફિડેવિટ પર લખાવી લો, જો તેઓ આ ચૂંટણી જીતી ગયા, તો થોડા દિવસોમાં મમતા બેનર્જી, તેજસ્વી યાદવ, સ્ટાલિન જેલમાં હશે. તેમણે ભાજપના એક પણ નેતાને નથી છોડ્યા. તેમણે શિવરાજ સિંહ ચૌહાણ, વસુંધરા રાજે, મનોહર લાલ ખટ્ટરની રાજનીતિ ખતમ કરી દીધી. જો તેઓ આ ચૂંટણી જીતી જશે તો આગામી બે મહિનામાં તેઓ યુપીના મુખ્યમંત્રીને બદલી નાખશે. વન નેશન વન લીડરનો અર્થ છે દેશમાં એક જ નેતા બચશે.
AAP / કેજરીવાલે કહ્યું કે તમે (BJP) કોઈ કામ ન કરો અને આમ આદમી પાર્ટીને કચડી નાખો, આ લોકશાહી નથી. 75 વર્ષમાં આ રીતે કોઈ પાર્ટીનાં નેતાઓને હેરાન નથી કરવામાં આવ્યા, જેતા AAPને કરવામાં આવ્યા. પીએમ મોદી કહે છે કે અમે ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છીએ, તેમણે ભ્રષ્ટ લોકોને પોતાની પાર્ટીમાં સામેલ કરી લીધા છે. કોઈને ડેપ્યુટી સીએમ બનાવી દે છે તો કોઈને મંત્રી બનાવી દે છે. તેમણે કહ્યું કે જો ભ્રષ્ટાચાર સામે લડવું હોય તો અમારી પાસેથી શીખો. પંજાબની અંદર અમારા મંત્રીએ પૈસા માગ્યા, કોઈને ખબર ન હતી. પરંતુ અમે તેની સામે કાર્યવાહી કરી. તેમણે કહ્યું કે કેજરીવાલની ધરપકડ કરીને તેમણે સંદેશ આપ્યો કે જો હું કેજરીવાલની ધરપકડ કરી શકું તો કોઈની પણ ધરપકડ કરી શકું છું.
કેજરીવાલે કહ્યું કે મોદીજી આવતા વર્ષે 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થઈ રહ્યા છે. 2014માં મોદીજીએ નિયમ બનાવ્યો હતો કે ભાજપમાં જે 75 વર્ષનાં થશે, તેને નિવૃત્ત કરી દેવામાં આવશે, સૌથી પહેલા લાલકૃષ્ણ અડવાણીને નિવૃત્ત કર્યા, પછી મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજન, યશવંત સિંહાને નિવૃત્ત કરવામાં આવ્યા. હવે મોદીજી આવતા વર્ષે 17મી સપ્ટેમ્બરે નિવૃત્ત થવાના છે. હું ભાજપને પૂછવા માંગુ છું કે તમારા વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ છે? તેમણે કહ્યું કે જો તેમની સરકાર બનશે તો પહેલા આગામી બે મહિનામાં તેઓ યોગીજીનો નિકાલ કરશે અને પછી મોદીજીના સૌથી ખાસ વ્યક્તિ અમિત શાહજીને વડાપ્રધાન બનાવશે. કેજરીવાલે કહ્યું કે મોદીજી પોતાના માટે નહીં પણ અમિત શાહ માટે વોટ માંગી રહ્યા છે. તેમણે કહ્યું કે મને પદની લાલચ નથી.
જેલમાંથી છૂટ્યા બાદ કેજરીવાલે શું કહ્યું?
જણાવી દઈએ કે કેજરીવાલ ગઈકાલે એટલે કે શુક્રવારે 50 દિવસ પછી જેલમાંથી બહાર આવ્યા હતા. EDએ 21 માર્ચે તેમની ધરપકડ કરી હતી. જેલમાંથી બહાર આવતાની સાથે જ કેજરીવાલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે ‘હું મારી તમામ તાકાતથી તાનાશાહી સામે લડી રહ્યો છું, પરંતુ (દેશના) 140 કરોડ લોકોએ સાથે આવવું પડશે. આપણે સાથે મળીને તેની સામે લડવાનું છે. તમારી વચ્ચે આવીને મને ખૂબ સારું લાગી રહ્યું છે. મેં તમને કહ્યું હતું કે હું જલ્દી બહાર આવીશ… સૌ પ્રથમ, હું ભગવાન હનુમાનને પ્રણામ કરવા માંગુ છું. હનુમાનજીના આશીર્વાદથી હું તમારી વચ્ચે છું.’
જણાવી દઈએ કે કેજરીવાલ આજે સાંજે 4 કલાકે લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત રોડ શો યોજાશે. આ ઉપરાંત, કેજરીવાલ દક્ષિણ દિલ્હીથી પાર્ટીના ઉમેદવાર સાહિરામ પહેલવાન માટે મેહરૌલીમાં રોડ શો કરશે, જેમાં AAPના તમામ મોટા નેતાઓ ઉપરાંત પંજાબના સીએમ ભગવંત માન પણ હાજર રહેશે. આ સિવાય મુખ્યમંત્રી સાંજે 6 વાગ્યે કૃષ્ણા નગરમાં પૂર્વ દિલ્હીના AAP ઉમેદવાર કુલદીપ કુમાર માટે રોડ શો કરશે.