ED / ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં ટેન્ડર કમિશન કૌભાંડ મામલામાં EDએ મંત્રી આલમગીર આલમના ખાનગી સચિવ (PA)ના નોકરને ત્યાં દરોડા પછી મોટી રોકડ જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો હતો, જે પછી PMLA હેઠળ છ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં રૂ. 25 કરોડ-30 કરોડ રોકડ જપ્ત કરવામાં આવ્યા હતા. હજી પણ રોકડની ગણતરી જારી છે.
ED ને માહિતી મળી હતી કે આલમગીર આલમના મંત્રાલયમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ પૈસા નોકરોના ઘરે જઈ રહ્યા હતા. ત્યાર બાદ મંત્રીના ખાનગી સચિવના નોકરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. EDના અધિકારીઓ ત્યાં પહોંચ્યા, ત્યારે તેમને અંદાજ નહોતો કે જે શખસની સેલેરી રૂ. 15,000 મળે છે, એના ઘરેથી આટલી ભારે માત્રામાં રોકડ જપ્ત થશે. હવે અધિકારીઓ દ્વારા નોટ ગણતરીવાળાં મશીન અને કર્મચારીઓને બોલાવવામાં આવ્યા છે.
ED નું માનવું છે કે આ પૈસા કાળી કમાણીનો હિસ્સો છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમ પર નિશાન સાધતાં કહ્યું હતું કે એ આલમગીરના પૈસા છે, અન્ય કોઈના નથી, આ સાથે ગણતરી રૂ. 50 કરોડ ઉપર પહોંચશે. હેમંત સોરેન જેલમાં છે અને આ સિન્ડિકેટ ક્રાઇમ છે.
રૂ. 10,000ની લાંચનો હતો મામલો
EDએ જણાવ્યું હતું કે ગયા વર્ષે મે મહિનામાં ચીફ એન્જિનિયરને ત્યાં રૂ. 10,000ની લાંચ મામલે દરોડા પાડ્યા હતા. એ દરમ્યાન તેમનું નેવેદન નોંધવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મંત્રીને ત્યાં એ લાંચના પૈસા પહોંચાડવામાં આવે છે. ત્યાર બાદ આલમગીર આલમનું નામ સૌપ્રથમ વાત આવ્યું. એ તપાસ દરમ્યાન ખાનગી સચિવ સંજીવ લાલનું નામ બહાર આવ્યું અને હવે સંજીવ લાલના ઘરમાં કામ કરનારા નોકરને ત્યાંથી આ રોકડ જપ્ત કરવામાં આવી છે.