પૃથ્વી ઉપર ૧૫ દિવસમાં બે ગ્રહણોનો અવકાશી નજારો ધૂળેટી સોમવારે છાયા ચંદ્રગ્રહણનો અવકાશી નજારો
ભારતમાં ગ્રહણ દેખાશે નહિ. માત્ર અમેરિકામાં દેખાશે. ગ્રહણની અવધિ ૦૪ કલાકને ૩૯ મિનિટની રહેશે. ગ્રહણની માનવ જીવન ઉપર કશી જ અસર જોવા મળતી નથી.
જ્યોતિષીઓના ગ્રહણ સંબંધી ફળકથનો નર્યો બકવાસ છે.
રાજયમાં વિજ્ઞાન જાથા ગ્રહણની વૈજ્ઞાનિક સમજ આપશે.
અમદાવાદ : પૃથ્વીના મોટાભાગના સમુદ્ર વિસ્તાર સાથે ઉત્તર-દક્ષિણ અમેરિકામાં તા. ૨૫ મી માર્ચ સોમવારે માદ્ય-છાયા, ઉપછાયા ચંદ્રગ્રહણનો અદભુત અવકાશી નજારો જોવા મળવાનો છે. ભારતમાં ગ્રહણ જોવા મળશે નહિ. ગ્રહણની અવધિ ૦૪ કલાક ૩૯ મિનિટ રહેવાની છે. ભારત જન વિજ્ઞાન જાથા રાજયમાં ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપવાના કાર્યક્રમો અમલમાં મુકયા છે. આ ગ્રહણ ટેલીસ્કોપ ઉપર જોઈ શકાશે.
સંવત ર૦૮૦ ફાગણ સુદ-૧૫ પુનમને સોમવાર તા. ૨૫ મી માર્ચ, ૨૦૨૪ ના રોજ સૂર્ય મીન રાશિ અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં તથા ચંદ્ર કન્યા રાશિ અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં થનારૂં માદ્ય, ઉપછાયા, છાયા ચંદ્રગ્રહણ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આર્કટીક મહાસાગર, બ્યુફોર્ટ સમુદ્ર, અલાસ્કાના અખાતમાં, ઉત્તર પેસિફિક મહાસાગર, દક્ષિણ પેસિફિક મહાસાગર, એમન્ડસેન સમુદ્ર, એન્ટાર્કટિકા સર્કલ, રોન રાઈસ સેલ્ફ પીટરેઈન આઈસલેન્ડમાં અદ્દભુત આહલાદક જોવા મળવાનું છે જયારે છાયા ચંદ્રગ્રહણ લેશમાત્ર ભારતમાં જોવા મળશે નહિ. પૃથ્વી ઉપર ગ્રહણ ૦૪ કલાકને ૩૯ મિનિટની અવધિમાં જોવા મળશે.
ભારતમાં ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : સવારે ૧૦ કલાક ૨૩ મિનિટ ૧૩ સેકન્ડ, ગ્રહણ મધ્ય : ૧૨ કલાક ૪૨ મિનિટ ૧૧ સેકન્ડ, ગ્રહણ મોક્ષ : ૧૫ કલાક ૦૨ મિનિટ ૨૧ સેકન્ડ, ૫રમ ગ્રાસ ઃ ૦.૧૩૨ રહેશે. આ ગ્રહણ દક્ષિણ શરીય છે. અમેરિકાના લોકો અદ્યતન ટેલીસ્કોપથી ગ્રહણ સમયના પ્રકાશના તફાવતોનો ભેદ પારખી શકે છે. સામાન્ય લોકોને છાયા ચંદ્રગ્રહણ ઓળખવામાં મુશ્કેલી પડે છે.
જાથાના રાજય ચેરમેન, એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે પૃથ્વી ઉપર ૧૫ દિવસમાં ચંદ્રગ્રહણ – સૂર્યગ્રહણનો અવકાશી નજારો બનવાનો છે તે માત્ર પરિભ્રમણની રમત કહી શકાય. છાયા ચંદ્રગ્રહણમાં નરી આંખે જોવામાં તફાવતની ખબર પડતી નથી પરંતુ ખગોળરસિકો, ટેલીસ્કોપથી આહલાદક જોઈ શકાય. ૧૫ દિવસમાં બે ગ્રહણો દર્શાવી જ્યોતિષીઓ સદીઓથી નકારાત્મક ફળકથનો, આગાહી કરે છે જે નર્યું તુત છે. અવકાશી ઘટનાઓ જોવા-માણવા માટે હોય છે. ભારતમાં લેભાગુઓ અવરોધનું કામ કરે છે. માદ્ય-ઉપછાયા-છાયા ચંદ્રગ્રહણ પ્રકાશનો સામાન્ય તફાવત જોવા મળતો હોય દૂરબીન-ટેલીસ્કોપથી આહલાદક જોઈ શકાય છે જેમાં પૃથ્વીનો મિત્ર ચંદ્ર માનવી માટે અનેક પ્રકારે લાભપ્રદ છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. અવકાશી ઘટનાઓ જોવા-માણવા માટેની હોય છે. ગ્રહો કે ગ્રહણોને માનવજીવન સાથે કશી જ લેવા-દેવા નથી તેની સમજ આપવામાં આવશે. ચંદ્ર દર વર્ષે બે સેન્ટીમીટર ખસે છે. ભવિષ્યમાં આશરે ૪૭ કલાકનો દિવસ પણ બનશે. ગ્રહણ પૂનમ-અમાસનો
સાથ છોડી ગમે તે તિથીએ ગ્રહણની ખગોળીય ઘટના બનશે. ભરતી-ઓટના વૈજ્ઞાનિક કારણની માહિતી
આપવામાં આવશે. વૈજ્ઞાનિકો ખગોળી ઘટના વખતે માનવ કલ્યાણકારી સંશોધનો આદરે છે. ચંદ્ર-મંગળ ઉપર માનવી વસવાટ કરી શકે તે માટેની તૈયારી આરંભી દીધી છે. વિજ્ઞાનથી માનવજાત સુખી-સંપન્ન થયો છે. જયારે ગ્રહણ સમયે લેભાગુઓ, અમુક જયોતિષીઓ નકારાત્મક આગાહીઓ, રાશિ ફળકથનો, કર્મકાંડ-ક્રિયાકાંડો તરફ દોરી જઈને ગુમરાહ કરવાનું કામ કરે છે. લોકોને આર્થિક પછાત રાખવાના ષડયંત્રના ભાગરૂપે ગ્રહણ સમયે જપ-તપ, દાન-પુણ્ય, સૂતક-બૂતક, વેધાદિ નિયમો પાળવાનું બતાવી અવળે માર્ગે વાળે છે. વાસ્તવમાં સૂતક-ગ્રહણના પાળવાના નિયમો નર્યો બકવાસ છે. ગ્રહણની રાજકીય-ભૌગોલિક અસરો લેભાગુઓના મનની ઉપજ છે. ગ્રહણના લાભાલાભ, શુભ-અશુભ, હોની-અનહોની વિગેરે દર્શાવવામાં આવે છે તે નર્યું તુત છે.
વધુમાં પંડયા જણાવે છે કે પૃથ્વી ઉપર હજારો સૂર્ય-ચંદ્રગ્રહણો પસાર થઈ ગયા હવે પછી પણ પસાર થવાના છે ત્યારે ગ્રહણની અસરોની હકિકત માત્ર ને માત્ર બકવાસ વિજ્ઞાને સાબિત કરી છે. કુદરત–પ્રાકૃતિક નિયમો અનુસાર પૃથ્વી ઉપર દર મિનિટે સારી-ખરાબ, હોની-અનહોની ઘટના બનવાની જ છે. તેને કોઈ રોકી શકતું નથી. તેને પ્રાર્થના-પૂજાપાઠ, હોમ-હવન, જપ-તપ સાથે કશી જ લેવાદેવા નથી. વિજ્ઞાન આગોતરી જાણકારી આપી સાવધાન કરે છે તેને અટકાવી શકતું નથી. ટી.વી. ઉપર પળે-પળની માહિતી નજરે જોઈ શકીએ છતાં અવિજ્ઞાન જયોતિષ તરફ રૂચિ રાખવી તે માનવીની દરિદ્ર માનસિકતા છે. ભારતમાં સદીઓથી સંકટ, ભયાનકતા, દુઃખ ટાળવા અનુષ્ઠાન, પૂજાવિધી વિગેરે જોવા મળે છે જયારે યુરોપ ખંડમાં સંશોધનો આદરી તેમનો સામનો કરવા શીખડાવવામાં આવે છે. જાથા લોકોમાં મનોબળ દ્રઢ કરવા અનેક કાર્યક્રમો આપે છે. માનસિક નબળા લોકોને અનેક પ્રકારની અસર સાથે ક્રિયાકાંડો કરવા પડે છે તેમાં બરબાદી મળે છે તે માટે પોતે જવાબદાર છે. જાથાએ સમગ્ર ભારતમાં ગ્રહણનો નજારો જોવા માટે અભિયાન આદર્યું છે.
એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે ભારતમાં સદીઓથી ગ્રહણ સમયે હિન્દુઓ માટે જ વિધિ-વિધાન છે. મંદિરો બંધ રાખવાનું તર્ક સમજાતું નથી. ગ્રહણ પહેલાની કલાકોમાં વેધાદિ નિયમો પાળવાના સ્તુત આપણા દેશમાં જોવા મળે છે. ગ્રહણ સંબંધી રદ્દી માન્યતાઓ, રિવાજો, પરંપરાઓ, દંતકથાઓ વિગેરે જે તે સમયે સ્તુત્ય હશે પરંતુ ૨૧મી સદીમાં તદ્દન અવાસ્તવિક, અતાર્કિક, અવૈજ્ઞાનિક હોય તેને તિલાંજલિ આપવી જોઈએ. ભાવિ પેઢીને વિજ્ઞાન દ્રષ્ટિકોણ-અભિગમ આપવાની જરૂર છે.
રાજયમાં અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી, હિંમતનગર, રાજપીપળા, ડાંગ-આહવા, છોટા ઉદેપુર, ગોધરા, વ્યારા, પંચમહાલ, મોડાસા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા- તાલુકા મથકે જાગૃતો સ્વયં આયોજન કરી વૈજ્ઞાનિક સમજ આપશે.
વૈજ્ઞાનિક સમજ કાર્યક્રમમાં જાથાના અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, રામભાઈ આહિર, રાજુભાઈ યાદવ, વિનુભાઈ લોદરીયા, અરવિંદ પટેલ, ભાનુબેન ગોહિલ, ભક્તિબેન રાજગોર સહિત શાખાઓના પ્રતિનિધિઓ જોડાવવાના છે.
અંતમાં પોતાના ગામમાં ગ્રહણ સમજના કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.