Mundra: મુંદરા ની સરકારી હોસ્પિટલ ખાતે આજે રૂા. 40 લાખના ખર્ચે નિર્માણ પામેલા આઇસોલેશન વોર્ડ તથા ડાયાલિસીસ વોર્ડનું ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવેના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યએ કહ્યું કે, છેવાડાના ગરીબોને વધુમાં વધુ આરોગ્ય સેવાનો લાભ મળે એ માટે પ્રયાસ કરો.
Mundra: આયુષ્માન કાર્ડનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. પ્રાંત અધિકારી ચેતન મિસણે કહ્યું કે, મુંદરાની વસ્તી સતત વધી રહી છે પરંતુ ઉપલબ્ધ તમામ સંસાધનો વચ્ચે સારામાં સારૂં કામ થાય, વધુમાં વધુ લોકો સરકારી સારવારનો લાભ લે એ માટે તમામ પ્રયાસો અને નવા આયોજન કરવામાં આવી રહ્યા છે. સીએચસી વડા ડો. મંથન ફફલે નવા વોર્ડમાં મળનારી સારવાર વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી, તાલુકા પંચાયત પ્રમુખ મહિપતાસિંહ જાડેજા, તાલુકા ભાજપના પ્રમુખ વિશ્રામ ગઢવી અને મુંદરા તથા તાલુકાના વિવિધ આગેવાનો તથા આરોગ્યના સમગ્ર સ્ટાફે હાજરી આપી હતી. આ પછી યોજાયેલી હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં ધારાસભ્ય, પ્રાંત અધિકારી અને સમિતિના સભ્યો દ્વારા છેવાડાના લોકોને સારામાં સારી આરોગ્યની સેવા ઉપલબ્ધ કેમ થાય એ મુદે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને માતા અને બાળકોના આરોગ્ય સંભાળ વિશે ખાસ પગલાં પર ભાર મુકાયો હતો. આરોગ્ય સમિતિના સભ્યોમાં ડો. કુંદન મોદી, સચિન ગણાત્રા, ગૌરાંગ ત્રિવેદી, ડો. કૈલાશ નાંઢા વગેરેએ ચર્ચામાં ભાગ લીધો હતો.