ભારતમાં વધુ એકવાર કોવિડ-19ના કેસ ફરી જોવા મળ્યા છે. કેરળમાં કોવિડ JN.1નો નવો પેટા વેરિયન્ટ મળ્યો છે, જેના કારણે એક જ દિવસમાં કેરળમાં ચાર લોકોનાં મોત થયા છે જ્યારે યુપીમાં એકનું મોત થયું છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, રવિવારે તારીખ ૧૭ ડિસેમ્બરના રોજ ભારતમાં ૩૩૫ નવા COVID-19 કેસ નોંધાયા છે અને સક્રિય કેસોની સંખ્યા વધીને ૧,૭૦૧ થઈ ચુકી છે.
કર્ણાટક સરકારે સબ-વેરિયન્ટ JN.1 અંગે ચેતવણી જારી કરી છે. કર્ણાટક સરકારે એલર્ટ જારી કરીને ચેતવણી આપી છે કે મોટી ઉંમરના લોકોએ ખાસ માસ્ક પહેરવું. જ્યારે કેરળમાં સ્વાસ્થ્યમંત્રી વીણા જ્યોર્જે કહ્યું- ચિંતા કરવાની જરૂર નથી. અમે સતત નજર રાખી રહ્યાં છીએ.
મોત ના આંકડાની વાત કરીએ તો, દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૪.૫૦ કરોડને વટાવી ગઈ છે. તો વાઇરસથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૪.૪૬ કરોડ (૪,૪૪,૬૯,૭૯૯ ) થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં રિકવરી રેટ 98.81 ટકા છે. ભારતમાં કોવિડ-19ને કારણે અત્યાર સુધીમાં ૫,૩૩,૩૧૬ લોકોનાં મોત થયાં છે.
WHO ના જણાવ્યા અનુસાર, માત્ર ૪૩ દેશ COVID – 19 ને કારણે થયેલાં મૃત્યુના આંકડા શેર કરી રહ્યા છે. માત્ર ૨૦ દેશો એવા છે, જે દાખલ દર્દીઓને લગતી માહિતી આપી રહ્યા છે. સંસ્થાએ કહ્યું હતું કે હાલમાં દુનિયામાં એક પણ પ્રકાર નથી, જે સૌથી ઝડપથી ફેલાઈ રહ્યો છે. જોકે EG.5 Omicron વધી રહ્યો છે અને BA.2.86 પેટા વેરિયન્ટના કેસ ૧૧ દેશમાં જોવા મળ્યા છે. JN.1ની સૌથી વધારે અસર સિંગાપોરમાં છે.
ICMRના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલના જણાવ્યા અનુસાર, આ મામલો ૮ ડિસેમ્બરે કેરળના તિરુવનંતપુરમમાં પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે ૭૯ વર્ષની સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્ત્રીમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીનાં હળવાં લક્ષણો હતાં અને જોકે બાદમાં કોવિડ-19માંથી સાજાં થઈ ગયાં હતાં.