કવિ વ્રજગજકંધ ના નિધનથી સાહિત્ય જગત માં શોક ફરી વળ્યો
દીપોત્સવી પર્વની ઉજવણી વચ્ચે કચ્છી સાહિત્ય જગતે જાણીતા ગુજરાતી-કચ્છી ગઝલકાર વ્રજગજકંધને ગુમાવ્યા છે.
કચ્છના શિરમોર કવિનું નિધન થતાં કચ્છના સાહિત્ય જગતમાં શોક ફરી વળ્યો હતો. કચ્છી કાવ્ય અને ખાસ ગઝલને બળૂકી બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા કવિ વ્રજલાલ ખત્રી કચ્છી સાહિત્ય જગતમાં `અધા’ના હૂલામણા નામથી ઓળખાતા હતા.
22મી ઓગસ્ટ 1939ના કચ્છના કેરામાં જન્મેલા વ્રજગજકંધે સાહિત્યનો આરંભ છેક 1955થી શરૂ કર્યો હતો. એમ.એ., એલએલ.બી. કરનારા કવિનું કેળવણી ક્ષેત્રે મોટું યોગદાન રહ્યું છે. તેમણે તરંગ નામે મૌલિક શિક્ષણ પ્રવાહમાં કામ કર્યું હતું.
1988માં શિક્ષક તરીકે રાષ્ટ્રીય એવોર્ડ પણ મેળવ્યો હતો. 2008માં તેમને કચ્છી સાહિત્ય અકાદમીના ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. તાજેતરમાં તેમને સંસ્કાર ભારતી તરફથી સન્માનિત કરાયા હતા. કવિ વ્રજગજકંધનું મીંધિયાણી પ્રથમ કચ્છી કવિતા પુસ્તક હતું. આ પુસ્તકને તારામતી વિશનજી ગાલા કલા સાહિત્યકાર પુરસ્કાર મળ્યો હતો. કચ્છી સાહિત્ય સભાના મંત્રી પદે પણ કાર્યરત હતા. કચ્છી સાહિત્યરત્ન એવોર્ડ વિજેતા વ્રજગજકંધે પાંદડી, મહેફિલ, ગુબાર, વૃક્ષ ટહુકે મૌનમાં, આથમેલા સૂરજના અજવાળા કાવ્યસંગ્રહો ઉપરાંત માર ટુબી મરજીવા વાર્તાસંગ્રહ સાહિત્ય જગતને આપ્યા છે.
કચ્છી સાહિત્ય સભાના અષાઢીબીજ વિશેષાંકોનું સંપાદન પણ કર્યું છે. કચ્છી નિબંધસંગ્રહ અબધ સન 2017 પણ પ્રગટ થયો છે. તેઓ કચ્છી સાહિત્ય અકાદમીના કારોબારી સભ્ય હતા અને તેના મુખપત્ર ચિંગારના સંપાદક પણ રહી ચૂકયા છે.