જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા કલેક્ટરશ્રીની તાકીદ
આજરોજ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને કચ્છની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ પદાધિકારીશ્રીઓએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા જિલ્લા કલેક્ટરશ્રીએ તાકીદ કરીને સંબંધિત વિભાગને અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
આ બેઠક દરમિયાન કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ વાસ્મો યોજનાનું અસરકારક અમલીકરણ સહિત કચ્છની જનતાના હિતને સ્પર્શતા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાએ બેઠકમાં ઉપસ્થિત રહીને પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ આવે તે દિશામાં કામગીરી કરવા સૂચન કર્યું હતું.
રાપરના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ રાપર વિસ્તારમાં નર્મદાના વિભાગની કેનાલના કામો, શિક્ષકોની ઘટ, નવી શાળાઓનું નિર્માણ, રોડ રસ્તાના પેન્ડિંગ કામો, મનરેગા યોજનાના કામો, વનવિભાગ હસ્તકની જમીન, જુના-નવા દફતરોનું મેળવણું, એન્જિનિયરીંગ લેબ ટેસ્ટિંગની સુવિધા, આધારકાર્ડની કામગીરી, પાણી વિતરણ વ્યવસ્થા, પીજીવીસીએલની કામગીરી, સામાજિક વનીકરણ વિભાગની કામગીરી, આરોગ્ય સુવિધાઓ, અમૃત સરોવર, પાતાળકુવાના નિર્માણના કામો વગેરે વિષય સંબંધિત પ્રશ્નોની રજૂઆત જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ કરી હતી. જ્યારે અંજાર ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાએ શિક્ષકોની જિલ્લા ફેરબદલી, કેરા બળદિયા બાયપાસ, અમૃત સરોવર, ધ્રંગ પાણી યોજના, બિપરજોય વાવાઝોડામાં ખેડૂતોને સહાય, લીલાશા અને જુમાપીર ફાટક,કચ્છમાં આવેલા ટોલ પ્લાઝા વગેરે બાબતોએ પ્રશ્નોની રજૂઆત કરી હતી. ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે અટલ ભુજલ યોજના અને જંત્રીના ભાવ અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા. જ્યારે અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ નખત્રાણામાં રેલવે બુકિંગની સુવિધા, દયાપર સરકારી કોલેજ, ખાણ ખનીજ વિભાગ, પાણી વિતરણ વ્યવસ્થા, નવા પંચાયતઘર બનાવવાની કામગીરી, સહકારી મંડળીઓમાં ખાતર વિતરણ વ્યવસ્થા, કોઠારા આઈટીઆઈ, પ્રાથમિક શિક્ષણ, નખત્રાણા ટાઉનહોલ નિર્માણ, પાણીના બોર, જમીન સરવે સંબંધિત અબડાસા વિસ્તારના પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ તમામ પદાધિકારીશ્રીઓના પ્રશ્નોને સાંભળીને તેનો ત્વરિત નિકાલ આવે તે દિશામાં કામગીરી કરવા માટે સંબંધિત વિભાગને અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, અધિક કલેક્ટર અને ડીઆરડીએના નિયામકશ્રી આર.કે.ઓઝા, પ્રાંત અધિકારી સર્વેશ્રી એ.બી.જાદવ, શ્રી કુંદન વાઘેલા, શ્રી ચેતન મિસણ, શ્રી બાલમુકુન્દ સૂર્યવંશી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી વી.એન.વાઘેલા, પીજીવીસીએસલના અધિક્ષક ઈજનેરશ્રી એ.એસ.ચૌધરી અને એ.યુ.ગોસાઈ સહિત જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.