Navsari News: નવસારી જિલ્લામાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. નવસારીના ચીખલીમાં આદમખોર દીપડાએ 24 વર્ષીય યુવતીનો જીવ લીધો છે. માનવભક્ષી દીપડાએ યુવતીને ફાડી ખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ઘટનાને પગલે વન વિભાગે દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી છે.
આદમખોર દીપડાએ હુમલો કર્યો
મળતી માહિતી અનુસાર, ચીખલીના સાદકપોર ગામના પહાડ ફળિયામાં રહેતી છાયા ભરતભાઈ નાયકા (ઉં.વ 24) નામની યુવતી ઘરની પાછળ કુદરતી હાજતે ગઈ હતી. જ્યાંથી પરત આવતી વખતે છાયા પર આદમખોર દીપડાએ હુમલો કર્યો હતો. આદમખોર દીપડો 24 વર્ષની યુવતીને જંગલ વિસ્તારમાં ખેંચી ગયો હતો.
ગ્રામજનોએ હાથ ધરી હતી શોધખોળ
યુવતી ઘરે ન આવતાં ગ્રામજનોએ યુવતીની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતા વન સંરક્ષક, RFO, ટીડીઓ સહિતના અધિકારીઓ, સરપંચ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિતનાઓ ધસી આવ્યા હતા. જે બાદ મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચીખલી રેફરલ હોસ્પિટલ ખસેડાયો હતો.