વનડે વર્લ્ડ કપ 2023માં આજે પાકિસ્તાને શ્રીલંકાને 6 વિકેટથી માત આપી. આ મેચમાં પાકિસ્તાની સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને અબ્દુલ્લા શફીકે સદી ફટકારી.
વનડે વર્લ્ડ કપ 2023ની વચ્ચે હવે ઈઝરાયલ-હમાસનું યુદ્ધ પણ આવી ગયું છે. પાકિસ્તાની સ્ટાર વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને અબ્દુલ્લા શફીકે શાનદાર સદી ફટકારી. રિઝવાને પોતાની આ સદી ગાઝાનાં લોકોને સમર્પિત કરી છે.
આ સદીને ગાઝાનાં લોકોને સમર્પિત કરી
રિઝવાને આ મેચમાં 131 રન સ્કોર કર્યાં જ્યારે શફીકે 113 રનની ઈનિંગ ફટકારી હતી. મેચ બાદ રિઝવાને બુધવારે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને ગાઝાને યાદ કર્યું તેમજ વર્લ્ડ કપની વચ્ચે ઈઝરાયલ-હમાસનાં યુદ્ધને લઈ આવ્યાં. રિઝવાને પોતાની આ સદીને ગાઝાનાં લોકોને સમર્પિત કરી છે.રિઝવાને X પર પોસ્ટ શેર કરતાં લખ્યું કે આ સદી ગાઝામાં મારા ભાઈઓ અને બહેનો માટે છે. આ જીતમાં યોગદાન આપીને હું ઘણો ખુશ છું. તેનો સંપૂર્ણ ક્રેડિટ ટીમને અને ખાસ અબ્દુલ્લા શફીક અને હસન અલીને જાય છે.
ફેન્સે ICCને એક્શન લેવા કરી માંગ
2019માં વનડે વર્લ્ડ કપ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની પોતાની ભારતીય સેનાના સપોર્ટમાં ખાસ ગ્લોવ્ઝ પહેરીને આવ્યાં હતાં. જેમાં ભારતીય સેનાનું ‘બલિદાન બેજ’ લાગેલ હતો. ત્યારે ICCએ ધોની સામે એક્શન લીધું હતું અને લોગોને હટાવવા માટે કહ્યું હતું. હવે ફેન્સે આ કિસ્સો યાદ કરીને રિઝવાન પર પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ભારતની યજમાનીથી ખુશ છે રિઝવાન
રિઝવાને પોતાની પોસ્ટમાં ભારતમાં થયેલી પાકિસ્તાન ટીમની ખાતીરદારીનો પણ ઉલ્લેખ કર્યો. રિઝવાન હૈદ્રાબાદ દ્વારા કરવામાં આવેલી સેવાથી ઘણાં ખુશ છે અને તેમનો આભાર પણ માને છે. રિઝવાને લખ્યું કે શાનદાર હોસ્ટિંગ અને સમર્થન બદલ હૈદ્રાબાદનાં લોકોનો આભાર.