રાજ્યમાં બારે મેઘ ખાંગા થયા છે. નર્મતા, તાપી નદીઓનાં પૂરનાં પાણી આસપાસના ગામોમાં છોડવામાં આવતાં લોકોની સ્થિતિ કફોડી થઈ છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સૂચના મુજબ તમામ અસરગ્રસ્ત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવશ્યક પગલાંઓ લઈ પુનઃ એક વાર ‘ઝીરો હ્યુમન લાઇફ લોસ’ના સૂત્રને સફળ બનાવવામાં આવ્યું છે, એમ તેમ રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેએ જણાવ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યના ૧૨૬ તાલુકાઓમાં બે ઇંચથી વરસાદ વરસ્યો છે.. રાજ્યમાં એક સ્ટેટ હાઇવે અને ૧૩ પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ બંધ રસ્તાઓ આજે મોડી સાંજ સુધીમાં પૂર્વવત કરી દેવાશે.
તેમણે કહ્યું હતું કે ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી કુલ ૧૨,૪૪૪ વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, એરફોર્સ, NDRF અને SDRFની વિવિધ ટુકડીઓ દ્વારા ૬૧૭ વ્યક્તિઓને રેસ્ક્યું કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના ૮૦ ડેમ ૯૦ ટકાથી ઉપર ભરાઈ ગયા છે. મોટા ભાગના વિસ્તારોમાંથી પાણીના લેવલમાં ઘટાડો થઈ રહ્યો છે. જોકે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.