માંડવી તપગચ્છ જૈન સંઘમાં તપ – જપ અને ધર્મ આરાધના થી પવાૅધીરાજ પયુૅષણ મહાપર્વ નો મંગળવારથી શુભારંભ થયો
શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘમાં તા. 12/09 ને મંગળવારથી પરમ પૂજ્ય સાધ્વી ભગવંત શ્રી પુણ્યદર્શનાશ્રીજી મ.સા. આદિઠાણા ૩ની પાવન નિશ્રામાં પર્વાધીરાજ પર્યુષણ મહાપર્વનો તપ – જપ અને ધર્મ આરાધનાથી શુભારંભ થયો છે.
સવારના 8:45 કલાકે કલાપ્રભસુરી આરાધના ભવનમાં પ.પુ. પુણ્યદર્શનાશ્રીજી મ.સા. આદીઠાણા ૩ અને પરમ પૂજ્ય આગમકિરણાશ્રીજી મ.સા. આદિઠાણા ૩ ની પાવન નિશ્રામાં યોજાયેલ વ્યાખ્યાન માળામાં પરમ પૂજ્ય પુણ્યદર્શનાશ્રીજી મહારાજ સાહેબે ત્રણેગચ્છના ભાવિકોને સંબોધતા જણાવ્યું હતું કે, પયુૅષણ મહાપર્વ દરમિયાન દરેક શ્રાવકે પાંચ કર્તવ્યો આરાધવાના હોય છે. (૧) અમારિપાલન (૨) સાધમિૅક ભક્તિ (૩) ક્ષમાપના (૪) અઠમ તપ અને (૫) ચૈત્યપરિપાટી, અમારિપાલન કર્તવ્ય વિશે સમજાવતા સાધ્વીજી ભગવંતે જણાવ્યું હતું કે, મારિ એટલે હિંસા, અમારિ એટલે અહિંસા, કોઈની હિંસા ન કરવી આ સ્વરૂપ નિષ્ક્રિય અહિંસાનું છે. જ્યારે રસ્તે રઝડતા પ્રાણીઓને ઉગારવા આ સ્વરૂપ સક્રિય અહિંસા નું છે. આ દુનિયામાં સૌને પોતાનો જીવ વહાલો છે. દુનિયામાં કિંમતી પોતાનું જીવન છે. એટલા જ માટે અહિંસા નું પાલન સર્વશ્રેષ્ઠ ધર્મ છે.
પ્રતિકમણમાં ભાઈઓ સવારના 05:15 કલાકે અને સાંજે 7:15 કલાકે બહોળી સંખ્યામાં જોડાય છે. દેવ દર્શન – ચૈત્યવંદન અને પ્રભુજીની પૂજામાં પણ ભાવિકો બહોળી સંખ્યામાં જોડાઈ છે.શીતલ પાશ્વૅ જિનાલય અને મહાવીર સ્વામી ભગવાનના જિનાલયમાં પ્રભુજીની અંગરચના ના દર્શન કરવા પણ સકળ સંઘના ભાઈઓ બહેનોને અને બાળકો લાભ લઈ રહ્યા હોવાનું તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ અને સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. ત્રણેય સંઘની સંયુક્ત વ્યાખ્યાન માળાનો પણ ભાવિકો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. બપોરે શ્રીમતી જયશ્રીબેન ભરતભાઈ શાહના સૌજન્યથી, વર્ધમાન ઉપાશ્રય માં ત્રણેયગચ્છ ના બહેનોને જાપના કાર્યક્રમમાં સાધ્વીજી ભગવંતોએ ગુણાનુંરાગ ગેમ કરાવેલ હતી. જેનો માંડવીના ત્રણે ગચ્છના બહેનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
પર્વાધીરાજ પર્વ દરમિયાન તા. ૧૨/૦૯ થી ૧૯/૦૯ સુધી તપગચ્છ જૈન સંઘ માટે તપગચ્છ જૈન સંઘ તરફથી એકાસણા – બ્યાસણા અને ચૌવિહાર ની વ્યવસ્થા કરવામાં આવેલ હોવાનું તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ તથા તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.