KVO: ક.વી.ઓ. જૈન મહાજન ભુજ અને એન્કરવાલા જનરલ હોસ્પિટલ મસ્કા મધ્યે કેએપીએસ-3 દ્વારા હાડકાંને લગતા રોગોની તપાસણી માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. અનશન વ્રતધારી તારાચંદભાઇ છેડાની પ્રેરણાથી બંને સંસ્થાના પ્રમુખ જિગર છેડાએ કેમ્પ પ્રસંગે જણાવ્યું હતું કે, અમારી સંસ્થા દ્વારા અવાર-નવાર સુપર નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર મહિને યોજાતા આવા કેમ્પો કચ્છના દર્દીઓ માટે આશીર્વાદરૂપ થાય છે અને દર્દીઓને સચોટ માર્ગદર્શન મળી રહે છે.
KVO: આથી આવા કેમ્પનો દર્દીઓ લાભ લે તેવી અપીલ જિગરભાઇએ કરી હતી. આ કેમ્પમાં સેવા આપનાર કેએપીએસ-3 કંપનીના અતુલભાઇ મોદીએ બી.એમ.ડી. તપાસણીનું મહત્ત્વ સમજાવી આ તપાસણી દ્વારા બીમારીનું વહેલીતકે નિદાન કરી ભવિષ્યના ફ્રેક્ચરની પીડા, ઓપરેશનની તકલીફોમાંથી અને ખોટા ખર્ચાથી બચી શકાય છે. 50 વર્ષની ઉંમર પછી 80 ટકા ફ્રેક્ચર ઓસ્ટિપોરોસીના કારણે થાય છે. વધુમાં સાંધા અને સ્નાયૂઓની બીમારી વા, કમર, ગોઠણ અને પેનીનો દુ:ખાવો, મચકોડ, સાયટિકા વિગેરે બીમારીનું સ્ટીરોઇડ રહિત નિદાન બી.એમ.ડી.ની તપાસણી દ્વારા કરી શકાય છે. આ મેડિકલ કેમ્પમાં એન્કરવાલા જનરલ હોસ્પિટલ મધ્યે તાલુકા પંચાયતના સદસ્યા શિલ્પાબેન નાથાણી, મસ્કા ગામના માજી સરપંચ કીર્તિભાઇ ગોર, માંડવી નગરપાલિકાના માજી પ્રમુખ અરવિંદભાઇ ગોહિલ, હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. મૃગેશભાઇ બારડ હાજર રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા ક.વી.ઓ. જૈન મહાજનના જનરલ મેનેજર અંકિત ગાલા, હરનિશભાઇ મહેતા, એન્કરવાલા હોસ્પિટલના જયેશભાઇ, કેએપીએસ-3 કંપનીના ચિંતનભાઇ ધોળકિયા વિ.એ જહેમત ઉઠાવી હતી.