Vinoba Bhave : ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અહિંસક માર્ગે મહત્વનો ભાગ ભજવનાર વિનોબા ભાવે

Vinoba Bhave : ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અહિંસક માર્ગે મહત્વનો ભાગ ભજવનાર વિનોબા ભાવે જેમણે રાષ્ટ્રનિર્માણમાં ખુબ મોટું યોગદાન આપ્યું છે. વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયક નરહરિ ભાવે હતું. દેશમાં તેઓ આચાર્યા વિનોબા ભાવે તરીકે ઓળખાયા. તેમનો જન્મ 11 સપ્ટેમ્બર 1895ના રોજ મહારાષ્ટ્રના કોલાબા જીલ્લાના ગાગોડે ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ નરહરિ શંભુ રાવ અને માતાનું નામ રુકમણી દેવી હતું.

Vinoba Bhave : વિનોબા ભાવેએ સમાજ સુધારક અને સ્વતંત્રતા કાર્યકર તરીકેનું યોગદાન આપ્યું હતું. વિનોબા ભાવે ગાંધીજીથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેઓ ગાંધીજીના નિકટના શિષ્યોમાંના એક હતા. વિનોબા ભાવેએ ગાંધીજીને તેમના ગુરૂ બનાવી દીધા હતા. સૌ પ્રથમ બનારસ હિંદુ યુનિવર્સીટીના ઉદઘાટન સમારોહમાં મહાત્મા ગાંધીજીના ભાષણથી પ્રભાવિત થઇને તેમણે પત્રવ્યવહાર શરુ કર્યો હતો અને તેનાથી ગાંધીજી પણ ખુબ જ પ્રભાવિત થયા હતા. તે સમયે વિનોબા ભાવે માત્ર 20 વર્ષના હતા.

Vinoba Bhave : ગાંધીજીના પ્રભાવ હેઠળ જ વિનોબા પણ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં સામેલ થયા હતા. તેમણે અસહકારના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ખાસ કરીને તેમને વિદેશી આયાતને બદલે સ્વદેશી માલનો ઉપયોગ કરવાની હાકલ કરી હતી. જે બાદ ફેબ્રિકનું મોટા પાયે ઉત્પાદન અહી શરુ થયું હતું.

Vinoba Bhave : વર્ષ 1932માં વિનોબા ભાવે પર બ્રિટીશ શાસન વિરુદ્ધ ષડ્યંત્ર રચવાનો આરોપ લગાવતા સરકારે તેમને 6 મહિના માટે ધુલિયા જેલમાં મોકલી દીધા હતા. જ્યાં તેમણે સાથી કેડીઓને મરાઠીમાં “ભગવદ ગીતા ”ના જુદા જુદા વિષયો પર સમજ આપી હતી. ધુલિયા જેલમાં ગીતા પર તેમણે આપેલા પ્રવચનો એકત્રિત કરવામાં આવ્યા હતા અને બાદમાં તેને ગીતા પ્રવચન પુસ્તક તરીકે પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત તેમણે રાજકીય વિષય પર તીસરી શક્તિ, સ્વરાજ્ય શાસ્ત્ર ,સામાજિક વિષય પર ભૂદાન ગંગા અને પ્રેમ દ્વારા પ્રેરિત આત્મકથાના પુસ્તકો પ્રકાશિત કર્યા હતા.

Vinoba Bhave : વર્ષ 1940 સુધી વિનોબા ભાવે માત્ર તેની આસપાસના લોકોને જ ઓળખતા હતા. 5 ઓક્ટોબર, 1940 ના રોજ મહાત્મા ગાંધીએ એક નિવેદન બહાર પાડીને રાષ્ટ્રને ભાવેનો પરિચય કરાવ્યો હતો. તેમને ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે પસંદ કર્યા હતા.

Vinoba Bhave : રાષ્ટ્ર નિર્માણ માટેના ભૂદાન આંદોલનમાં વિનોબા ભાવેએ ખુબ મોટો ફાળો આપ્યો હતો. ભૂદાન આંદોલનની જયારે વાત આવે ત્યારે સૌ પ્રથમ વિનોબા ભાવેને યાદ કરવામાં આવે છે. 1951માં , વિનોબા ભાવેએ હિંસાગ્રસ્ત તેલંગાણા પ્રદેશમાંથી પગપાળા શાંતિયાત્રા શરુ કરી હતી. 18 એપ્રિલ, 1951ના રોજ પોચમપલ્લી ગામના લોકોએ તેમને આજીવિકા બનાવવા માટે તેમને લગભગ 80 એકર જમીન આપવા વિનંતી કરી હતી. વિનોબાએ ગામના મકાનમાલિકોને આગળ આવવા અને લોકોને બચાવવા કહ્યું હતું. તે સમયે દરેકને આશ્ચર્ય થયું હતું એક મકાન માલિક ઉભો થયો અને જરૂરી જમીન ઓફર કરી હતી. આ ઘટનાએ બલિદાન અને અહિંસાના ઈતિહાસમાં એક નવો અધ્યાય ઉમેર્યો હતો. જે ભૂદાન ચળવળની શરૂઆત હતી. આ આંદોલન 13 વર્ષ સુધી ચાલ્યું હતું. વિનોબા ભાવે લગભગ 4.4 મિલિયન એકર જમીન એકત્ર કરવામાં સફળ રહ્યા હતા. જેમાંથી 13 લાખ જેટલા ગરીબ ભૂમિહીન ખેડૂતોને જમીન આપવામાં આવી હતી.

Vinoba Bhave : ભાવેએ દસ વર્ષની કુમળી વયે જ આજીવન બ્રહ્મચર્ય અને લગ્ન નહી કરવાની પ્રતિજ્ઞા કરી હતી. તેમણે પોતાના જીવનના આખરી વર્ષો મહારાષ્ટ્રના એક આશ્રમમાં વિતાવ્યા હતા. 15 નવેમ્બર 1982ના રોજ તેમનું અવસાન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *