Asia Cup : રવિવારે ભારત-પાકિસ્તાન મેચ માટે રિઝર્વ દિવસ રખાયો

Asia Cup : કોલંબોઃ પત્ની સંજનાએ પ્રથમ સંતાન રૂપે પુત્રને જન્મ આપ્યો હોવાથી એમની પાસે રહેવા માટે વર્તમાન એશિયા કપમાંથી ટૂંકો બ્રેક લીધા બાદ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શ્રીલંકા પાછો આવી ગયો છે અને ભારતીય ટીમ સાથે ફરી જોડાઈ ગયો છે. હવે તે 10 સપ્ટેમ્બરે અહીંના પ્રેમદાસ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમાનાર સુપર-4 રાઉન્ડની મેચમાં રમી શકશે. આની સાથે જ, બીજા ખુશખબર એ છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)એ ભારત-પાકિસ્તાન વચ્ચેની આગામી મહત્ત્વની મેચ માટે એક અનામત દિવસ રાખવાની જાહેરાત કરી છે. આવતા રવિવારે કોલંબોમાં વરસાદ પડવાની 90 ટકા સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અહીં યાદ અપાવવાનું કે, ગઈ 2 સપ્ટેમ્બરે, ગ્રુપ સ્તરે રમાયેલી ભારત, પાકિસ્તાનની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

Asia Cup : કોલંબોમાં હવામાન ઓચિંતું બદલાઈ જતું હોય છે. ધારો કે આવતા રવિવારની મેચમાં વરસાદ વિઘ્ન નાખશે તો મેચ જ્યાં અટકી હશે ત્યાંથી જ સોમવારે આગળ રમાડી શકાશે. ઉલ્લેખનીય છે કે, સુપર-4 રાઉન્ડની અન્ય મેચો માટે રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો નથી. કારણ કે તે મેચો ઉપરાછાપરી દિવસોએ રમાશે. ફાઈનલ માટે રિઝર્વ દિવસ રહેશે. રવિવારે પાકિસ્તાન સામેની મેચ બાદ 12 સપ્ટેમ્બરે કોલંબોમાં જ ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થશે. ત્રણ દિવસ બાદ – 15 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે થશે. 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન-શ્રીલંકા મેચ રમાશે અને 17મીએ ફાઈનલ મેચ રમાશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *