કોરી ક્રીકનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે- પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા

કોરી ક્રીકનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે- પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા

પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ કચ્છના વિવિધ પ્રવાસન તેમજ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી

પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ મંત્રીશ્રી મૂળુભાઈ બેરાએ માંડવી ખાતે ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ધ્વજવંદન કર્યા બાદ કચ્છના માંડવી બીચ, શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ, ભુજ ટપકેશ્વરી, રુદ્રમાતા જાગીર તેમજ રક્ષક વનની મુલાકાત લીધી હતી.

પ્રવાસન મંત્રીશ્રી મૂળુભાઈ બેરાએ માંડવી બીચની મુલાકાત લઈને ત્યાંના ધંધાર્થીઓ સાથે વાતચીત કરી હતી તેમજ મોટરસાયકલની સવારી કરીને બીચ પર હળવી પળો માણી હતી. તે બાદ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલની મુલાકાત લીધી હતી. તેમજ માંડવી ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.

પ્રવાસન મંત્રીશ્રીએ ભુજ તાલુકામાં રુદ્રમાતા જાગીરની મુલાકાત લઈને માતાજીના દર્શન કરીને નાગરિકોના સુખ અને શાંતિની કામના કરી હતી. આ પ્રસંગે સુમરાસર – શેખના ગ્રામજનો દ્વારા મંત્રીશ્રીનુ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમ ટાંકણે મંત્રીશ્રીએ કચ્છના લોકોની કોઈપણ આફતમાં દર્શાવાતી ખુમારીને બિરદાવીને પોતાનો કચ્છ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કચ્છ પ્રત્યે વિશેષ પ્રેમ ધરાવે છે. તેઓ કચ્છનો હજુ વધુમાં વધુ પ્રવાસન ક્ષેત્ર વિકાસ થાય તે માટે કટિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં કોરીક્રીક ખાતે રુ.૩૦૦ કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ વિકસાવાશે, આ સાથે જ ધોળાવીરા, માંડવી બીચ, કોટેશ્વર તેમજ અન્ય ધાર્મિક સ્થળોને કનેક્ટિવિટી સાથે પાયાની સુવિધા પૂરી પાડવામાં આવશે. એ સાથે મંત્રીશ્રીએ રક્ષક વનની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કુનરીયા ગામના સરપંચશ્રી તેમજ અહીંની બાલિકા પંચાયતની બાળાઓ સાથે મંત્રીશ્રીએ ખાસ ગોષ્ઠી કરી હતી.

ભુજ નજીક આવેલા રમણીય સ્થળ એવા ટપકેશ્વરીની મુલાકાત લઈને મંત્રીશ્રીએ આ સ્થળને ટ્રેકિંગની દ્રષ્ટિએ ટુરિસ્ટો માટે વિકસાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

પ્રવાસન મંત્રીશ્રીની વિવિધ સ્થળોની મુલાકાત વેળાએ તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારુલબેન કારા, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ,ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, અનિરુદ્ધભાઇ દવે, પ્રદ્યુમનસિંહ જાડેજા, પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહીરતથા અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ, કચ્છ વન વર્તુળના મુખ્ય વનસંરક્ષકશ્રી સંદિપકુમાર,

સામાજિક વનીકરણ નાયબ વન સંરક્ષક શ્રી હરેશ મકવાણા, પશ્ચિમ કચ્છ નાયબ‌ વન સંરક્ષક શ્રી યુવરાજસિંહ ઝાલા, પૂર્વ કચ્છ નાયબ વન સંરક્ષક શ્રી ગોવિંદ સરવૈયા, માંડવી- મુન્દ્રા પ્રાંત અધિકારી શ્રી ચેતન મિશણ, તથા અન્ય અધિકારીશ્રી પદ અધિકારીઓ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *