INDIA : આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને પડકાર ફેંકવા 26 વિપક્ષી દળો એક થઈ ગયા છે અને આ સાથે નવા ગઠબંધનના નામની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. નવા ગઠબંધનનું નામ ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લૂસિવ એલાયન્સ – INDIA રાખવામાં આવ્યું છે. બેંગલુરુમાં યોજાયેલી વિપક્ષી દળોની બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પત્રકાર પરિષદમાં સંબોધતા જણાવ્યું કે, અમારા ગઠબંધનનું નામ નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લૂસિવ એલાયન્સ – INDIA છે. આ નામ પરના પ્રસ્તાવને તમામ પક્ષોએ એક થઈ સમર્થન આપ્યું છે.
વિપક્ષી ગઠબંધનમાં 11 સભ્યોની એક સમન્વય સમિતિ બનાવાશે
INDIA : તેમણે કહ્યું કે, વિપક્ષી ગઠબંધનમાં 11 સભ્યોની એક સમન્વય સમિતિ બનાવવામાં આવશે અને મહારાષ્ટ્રના મુંબઈમાં યોજાનારી ત્રીજી બેઠકમાં આ સમિતના સભ્યોના નામની પણ જાહેરાત કરવામાં આવશે. ઉપરાંત ખડગેએ કહ્યું કે, આગામી લોકસભા ચૂંટણીના પ્રચાર માટે દિલ્હીમાં એક સામાન્ય સચિવાલયની સ્થાપના કરાશે. તેમણે કહ્યું કે, દેશ અને દેશના લોકોને બચાવવાની અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ માટે અમે લોકોએ આંતરીક મતભેદો પાછળ રાખવાનો નિર્ણય કર્યો છે.
INDIA : મમતા બેનર્જીએ 2024માં ભાજપને પડકાર ફેંક્યો
TMCના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બેંગલુરુમાં યોજાયેલી વિપક્ષી પક્ષોની બેઠકમાં હાજરી આપી હતી. તેમણે બેંગલુરુમાં વિપક્ષી ગઠબંધનની પ્રશંસા કરતા 2024માં ભાજપને તેમનો સામનો કરવાનો પડકાર ફેંક્યો… તેમણે કહ્યું કે, ‘NDA, શું તમે INDIAને પડકાર આપી શકો છો ?’ તો બીજીતરફ બેઠકમાં સામેલ થયેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આજની બીજી બેઠક સફળ હતી… દેશ અમારો પરિવાર છે અને અમે અમારા પરિવારને બચાવવા માટે મળીને લડી રહ્યા છીએ. આ ગઠબંધનની આગામી બેઠક મુંબઈમાં યોજાશે.