Congress : કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા હવે કમલમની જેમ ગુજરાતભરમાં રાજીવ ગાંધી ભવન બનાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શક્તિસિંહ ગોહિલના પ્રમુખ બન્યા બાદ હાઈકમાન્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Congress : ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપ્યા બાદ હવે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે કમલમની જેમ ગુજરાતભરમાં રાજીવ ગાંધી ભવન બનાવવાનો નિર્ણય લીધો છે. હાઈકમાન્ડે ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં કોંગ્રેસ કાર્યાલય બનાવવાનો નિર્ણય લીધો છે.
Congress : ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને દિલ્હીથી તેડું આવતા તમામ દિલ્હીના દરબારમાં પહોંચ્યા છે. આજે દિલ્હી ખાતે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલ અને AICCના ખજાનચી પવન બંસલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, અમિત ચાવડા, પરેશ ધાનાણી હાજર છે.
Congress : લોકસભાની ચૂંટણી અંગે પણ થઈ શકે છે ચર્ચા
આ બેઠકમાં ઓલ ઈન્ડિયા પ્રોપર્ટી ડિપાર્ટમેન્ટના સેક્રેટરી લાલભાઈ પટેલને ગુજરાતના કાર્યાલયોની પ્રોપર્ટીની માહિતી સાથે બોલાવવામાં આવ્યા છે.કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલ અને AICCના ખજાનચી પવન બંસલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગુજરાતમાં કોંગ્રેસની પ્રોપર્ટી અને ટેસ્ક બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આ બેઠકમાં લોકસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા થઈ શકે છે.
શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બન્યા બાદ પ્રથમ બેઠક
શક્તિસિંહ ગોહિલના પ્રમુખ બન્યા બાદ દિલ્હી ખાતે આ પ્રથમ બેઠક યોજાઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે પણ મુલાકાત કરી શકે છે.