જીપીએસસી (ગુજરાત જાહેર સેવા આયોગ)ની પરીક્ષાની તૈયારી કરતા અને આતુરતાથી તેની રાહ જોતા ઉમેદવારો માટે એક માઠા સમાચાર આવ્યા છે. માહિતી મુજબ, 2, 9 અને 16મી એપ્રિલે યોજાનાર GPSCની વિવિધ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.
માહિતી મળી છે કે, 9 એપ્રિલે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, આથી જીપીએસસીની પરીક્ષા હાલ મુલતવી રાખવાનો સરકાર દ્વારા નિર્યણ લેવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, આ પહેલા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ 9 એપ્રિલ જાહેર કરવામાં આવી હતી. આ સંદર્ભે એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું હતું. આ નોટિફિકેશન મુજબ, જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલ, 2023ના રોજ સવારે 11થી 12 કલાક દરમિયાન યોજાનાર હોવાની માહિતી આપવામાં આવી હતી. ત્યારે હવે જીપીએસસીની પરીક્ષાને લઈ સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે એક નોટિફિકેશન બહાર પાડી જણાવ્યું છે કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 9 એપ્રિલે જૂનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી 2, 9 અને 16 એપ્રિલે યોજાનાર (જા.ક્ર. 20/2022-23) ગુજરાત વહીવટી સેવા, વર્ગ- 1 અને ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની મુખ્ય પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.
ઉમેદવારોને વેબસાઇટ ચેક કરવા સૂચન
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ઉમેદવારોને જણાવવામાં આવ્યું છે કે, મુખ્ય પરીક્ષાની નવી તારીખ નિયત થયેલી આયોગની વેબસાઇટ પર જલદી જાહેર કરવામાં આવશે. આ સાથે વિભાગે ઉમેદવારોને આયોગની વેબસાઇડ પર નિયમિત ચેક કરવા સૂચન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ જીપીએસસીએ ગત 26 માર્ચે એક પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. મદદનીશ ઇજનેર વર્ગ 2ની પ્રાથમિક કસોટી મુલતવી રાખી હતી.