અમદાવાદ સ્કૂલની વિદ્યાર્થિનીઓને અશ્લીલ મેસેજ કરનારા શિક્ષક સામે પોલીસે કાર્યવાહી કરી

અમદાવાદના મેમનગરની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલની વિદ્યાર્થિનીઓને અશ્લીલ મેસેજ કરનારા પીટી શિક્ષક સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસે PTના શિક્ષક ડૉ.રવિરાજસિંહ ચૌહાણને પાસા હેઠળ ધકેલી દીધા છે.

સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં વિધાર્થિનીઓની છેડતી મામલો

શિક્ષક અને વિદ્યાર્થીઓના સંબંધને લજવતો ભયંકર કિસ્સો સામે આવતા અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ ચર્ચામાં આવી હતી. ઈન્સ્ટાગ્રામ પર વિદ્યાર્થિનીઓને મેસેજ કરતા સ્પોર્ટ્સ ટિચર ડૉ.રવિરાજસિંહ ચૌહાણને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાથે જ 17 ઓક્ટોબરે ગુજરાત યુનિવર્સિટી પોલીસે તેમની ધરપકડ કરી હતી. જોકે, હવે આ મામલે પોલીસ દ્વારા રવિરાજસિંહ ચૌહાણને પાસા હેઠળ ધકેલી દીધા છે. જાતીય સતામણી અને સાયબર ક્રાઈમ અંતર્ગત તેમને ભુજની પાલારા જેલમાં રાખવાનો આદેશ અપાયો છે.

ઈન્સ્ટાગ્રામ પર વિદ્યાર્થિનીઓને મેસેજ કર્યા


અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ ટિચરે ઈન્સ્ટાગ્રામ પર વિદ્યાર્થિનીઓને મેસેજ કર્યા હતા. શિક્ષકે વિદ્યાર્થિનીઓના ફોટા મગાવ્યા હતા. ઉપરાંત તેઓને મળવા માટે એકલા બોલાવી હતી. ટિચરનો ઈન્સ્ટાગ્રામ પર આવો મેસેજ આવતા વિદ્યાર્થિનીઓ ગભરાઈ ગઈ હતી અને તેઓએ આ વાતની જાણ સ્કૂલના પ્રિન્સિપાલને કરી હતી. જે બાદ પ્રન્સિપાલે તપાસની ખાતરી આપી હતી.

આરોપી શિક્ષકને કરાયો હતો સસ્પેન્ડ

ઘટના સામે આવ્યા બાદ શાળાએ તપાસ માટે ઇન્ટરનલ કમિટી બનાવી હતી. કમિટીના રિપોર્ટમાં શિક્ષક કસૂરવાર સાબિત થયો હતો. કમિટીના રિપોર્ટ બાદ આરોપી શિક્ષકને સસ્પેન્ડ કરાયો હતો. શિક્ષકને સ્કૂલમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો. સ્કૂલના કોઇપણ સ્ટાફ સાથે વાતચીત કરવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. જે બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે રવિરાજસિંહ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસે કરી હતી ધરપકડ


17 ઓક્ટોબરે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે જાતીય સતામણી અને બાળકોની પજવણી કરવાના ગુનામાં તેમની સામે કાર્યવાહી કરી હતી. જે બાદ તે જામીન પર બહાર આવ્યો હતો. જામીન પર બહાર આવ્યા એના ગણતરીના સમયમાં જ પોલીસ કમિશનરે આકરા પગલા ભર્યા હતા. તેમણે 8 ફેબ્રુઆરીએ આ શિક્ષકની અટકાયત કરી દીધી હતી. હવે સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના પૂર્વ PT ટિચર સામે કડક પગલા ભરવામાં આવ્યા છે. જાતીય સતામણી અને સાયબર ક્રાઈમ અંતર્ગત તેમને ભુજની પાલારા જેલમાં રાખવાનો આદેશ અપાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *