ભારતીય સમાજ માં અનેકો વિરાંગનાઓ થઈ ગઈ છે. સ્ત્રી સશક્તિકરણ અને સમાજને નારીનું મહત્વ સમજાવવાનું ઉત્તમ કાર્ય કરવા માં કોઈ કસર બાકી ન રાખનાર સાવિત્રીબાઈ ફુલે( Savitribai Phule) જે ભારતનાં પ્રથમ મહિલા શિક્ષિકા બન્યા હતા.
ભારતનાં પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફુલે (Savitribai Phule)નો જન્મ 3 જાન્યુઆરી, 1831ના થયો હતો. સમાજના કુરિવાજો વિરુદ્ધ અવાજ ઉઠાવનારા સાવિત્રીબાઈને પરંપરાની બેડીઓ તોડવા માટે લાંબો સમય સંઘર્ષ કરવો પડ્યો.
ભારતનાં પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફુલે (Savitribai Phule)નો જન્મ 3 જાન્યુઆરી, 1831ના થયો હતો. મહારાષ્ટ્રના પુણે (Pune, Maharashtra)માં એક દલિત પરિવારમાં જન્મેલા સાવિત્રીબાઈના પિતાનું નામ ખંડોજી નેવસે અને માતાનું નામ લક્ષ્મીબાઈ હતું. મહિલાઓના અધિકારો, સતીપ્રથા, અસ્પૃશ્યતા અને વિધવા વિવાહ પર પ્રતિબંધ જેવા કુરિવાજો વિરુદ્ધ અવાજ ઉઠાવનારા સાવિત્રીબાઈને સમાજમાં પરંપરાની બેડીઓ તોડવા માટે લાંબો સમય સંઘર્ષ કરવો પડ્યો.
એક ઘટનાએ જીવન બદલી નાખ્યું
1840માં માત્ર 9 વર્ષની ઉંમરે સાવિત્રીબાઈના વિવાહ 13 વર્ષના જ્યોતિરાવ ફુલે (Jyotirao Phule) સાથે થયા. એ સમયે સાવિત્રીબાઈ અશિક્ષિત હતા અને પતિએ માત્ર ત્રીજા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ભણવાનું જે સપનું સાવિત્રીબાઈએ જોયું હતું તેના પર તેમણે લગ્ન બાદ પણ કોઈ આંચ આવવા દીધી ન હતી. ‘જ્ઞાન મેળવવાનો’ તેમનો સંઘર્ષ કેટલો મુશ્કેલીભર્યો હતો, તે વાત તેમના જીવનના એક પ્રસંગથી સમજી શકાય છે.
એક દિવસ તેઓ ઓરડામાં અંગ્રેજી પુસ્તકના પાના ઉથલાવી રહ્યા હતા, તેના પર તેમના પિતા ખંડોજીની નજર પડી. આ જોઈને તેઓ ભડકી ઉઠ્યા અને સાવિત્રીબાઈના હાથમાંથી પુસ્તક ઝૂંટવીને તેને બહાર ફેંકી દીધું. તેમનું કહેવું હતું કે શિક્ષણ પર ફક્ત ઊંચી જાતિના પુરુષોનો અધિકાર છે. દલિત અને મહિલાઓ માટે શિક્ષણ મેળવવું એ પાપ છે.
આ એ જ ક્ષણ હતી જ્યારે સાવિત્રીબાઈએ સંકલ્પ લીધો કે એક દિવસ તેઓ જરૂર વાંચતા શીખશે. તેમની મહેનત સફળ થઈ. તેમણે ફક્ત વાંચતા ન શીખ્યું, પણ અનેક છોકરીઓને શિક્ષિત કરીને તેમનું ભવિષ્ય ઉજળું કર્યું, પણ આ સફર ખૂબ કઠિન રહી.
સાવિત્રીબાઈએ શિક્ષણ માટે સંકલ્પ લીધો તો લોકોને આ વાત પચી નહીં. એક દલિત છોકરીનું શાળાએ જવું સમાજને ક્યારેય પસંદ ન આવ્યું. એનું જ પરિણામ હતું કે સાવિત્રીબાઈ જ્યારે પણ સ્કૂલ જતા તો લોકો પથ્થર મારતા અને અમુક લોકો તો તેમના પર ગંદકી પણ ફેંકતા. પરંતુ તેમના દ્રઢ નિશ્ચયના પરિણામે તેમણે પતિ સાથે મળીને ઇતિહાસ રચ્યો અને લાખો છોકરીઓના પ્રેરણાસ્ત્રોત બન્યા. પોતે પણ અભ્યાસ પૂરો કર્યો અને છોકરીઓ માટે 18 શાળાઓ ખોલી જેથી કોઈ અશિક્ષિત ન રહે. તેમણે વર્ષ 1848માં મહારાષ્ટ્રના પુણેમાં દેશની પહેલી કન્યા શાળાની સ્થાપના કરી.
એક વિધવાના પુત્રને અપનાવ્યો અને ડોક્ટર બનાવ્યો
સાવિત્રીબાઈએ શિક્ષણ માટે સંઘર્ષ કરવા ઉપરાંત સમાજના કુરિવાજો સામે પણ અવાજ ઉઠાવ્યો હતો. અસ્પૃશ્યતા, સતીપ્રથા, બાળ વિવાહ અને વિધવા વિવાહ પર પ્રતિબંધ જેવા કુરિવાજોનો વિરોધ કર્યો. જે સમાજે તેમને મહેણાં-ટોણા આપ્યા એ જ સમાજના એક બાળકનું જીવન બચાવ્યું. એક દિવસ વિધવા બ્રાહ્મણ મહિલા કાશીબાઈ આત્મહત્યા કરવા જઈ રહ્યા હતા, તેઓ ગર્ભવતી હતા. લોકલાજના ડરથી તેઓ આત્મહત્યા કરવા ઇચ્છતા હતા, પણ સાવિત્રીબાઈએ પોતાના ઘરે એમની ડિલિવરી કરાવી. તે બાળકનું નામ યશવંત રાખવામાં આવ્યું. યશવંતને તેમણે પોતાનો દત્તક પુત્ર બનાવ્યો અને ઉછેર કરીને તેને ડોક્ટર બનાવ્યો.
સાવિત્રીબાઈ ફુલેનું (Savitribai Phule) મૃત્યુ 10 માર્ચ 1897ના રોજ પ્લેગને કારણે થયું હતું. મહારાષ્ટ્રમાં પ્લેગ ફાટી નીકળતાં તેઓ પ્લેગના દર્દીઓની સેવા કરતા હતા. એ દરમ્યાન પ્લેગથી પીડિત બાળકનો તેમને ચેપ લાગ્યો અને આ કારણોસર તેમનું મૃત્યુ થયું હતું.