ભારતીય જનતા પાર્ટીની પેટર્ન એવી છે કે ફોર્મ બહાર પાડવાના ચાર-પાંચ દિવસ પહેલા ઉમેદવારોની જાહેરાત કરે છે. આ પેટર્ન આ વખતે પણ જોવા મળી છે. તેનું કારણ એ છે કે ભાજપમાં જ અસંતોષની આગ વધુ ન ફેલાય અને ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોથી પક્ષને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ વર્ષોથી ભાજપની અંદર જોવા મળ્યું છે ત્યારે હજુ પણ 182માંથી 22 ઉમેદવારોના નામો જાહેર થવાના બાકી છે.
તે છતાં પણ ક્યાંક વિરોધ તો જોવા મળતો જ હોય છે ત્યારે આજે પણ ભાવનગરની મહુઆ બેઠક પર આક્રોશ જોવા મળ્યો હતો અને 300 થી વધુ ભાજપના સભ્યોએ રાજીનામા આપ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે કોઈ મોટો વિરોધ જોવા નથી મળ્યો પરંતુ ક્યાંક નારાજગી તો અંદરખાને હશે જ કેમ કે, 38 સિટીંગ ધારાસભ્યોના પત્તા કાપવામાં આવ્યા છે.
ખાસ કરીને અગાઉ જો યાદી જાહેર કરે તો ભારે વિરોધ થઈ શકે છે માટે કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે અને તેઓ સચવાય તે માટે પક્ષના આગેવાનો અને કાર્યકરોમાં અસમંજસની સ્થિતિ સર્જાય નહીં તે માટે પણ અંતિમ ઘડીમાં આ લિસ્ટ જારી કરવામાં આવે છે. જો અંદરો અંદર ભડકો થાય તો ભાજપને નુકસાન થઈ શકે છે. જો કે અત્યારે ડબલ એન્જિન સરકારના કારણે આ વિરોધ ખુલીને સામે આવવો પણ મુશ્કેલ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપે 182માંથી 160 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધા છે. કેટલાક જૂના ઉમેદવારને રિપીટ છે તો કેટલાકને રિપીટ નથી કરાયા. આ એવા ઉમેદવારો છે જે જ્ઞાતિના સમીકરણોના આધારે ભાજપને બેઠકો જીતવામાં મદદ કરી શકે છે.