ના..હોય…ગટરના પાણીમાંથી 60 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર..!!

કચ્છ :

કચ્છ જિલ્લાના ભુજના કુકમા ગામના મહિલા સરપંચ કંકુબેન વણકર દ્વારા ગટરના પાણીને શુદ્ધ કરીને 60,000 વૃક્ષો વાવવાનું અભિયાન હાથ ધરાયું હતું. કુકમા ગામના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષોનું વાવેતર કરીને જુદા જુદા નામો આપવામાં આવ્યા હતા. જેમાંનો એક પૈકી મિયાવાકી વન કે જેનું નામ જાપાનીઝ વનસ્પતિશાસ્ત્રના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ વનમાં 2થી3 ફૂટના અંતરે ખૂબ ગીચતામાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. કુકમાના મતિયા દેવ મંદિરના પ્રાંગણમાં મિયાવાકી વન વસાવવામાં આવ્યું છે. આ મિયાવાકી વનમાં 15 જાતના વૃક્ષો મળીને કુલ 7,100 વૃક્ષો વાવવામાં આવ્યા છે.

કાશીદ, સોનાલી, સરું, સેમલ, ગુલમહોર, કરંજ, મીઠી આંબલી, પેલ્ટો, બરસાતી, પીપળો, સેતુર, ખાટી આંબલી, પિલું, લીમડો અને બદામ જેવા વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેને દરરોજ 10 હજાર લીટર ગટરના પાણીને શુદ્ધ કરીને પાણી પીવડાવવામાં આવે છે.

ગટરના પાણીને શુદ્ધ કરવાની કામગીરીમાં ગ્રામ પંચાયતને એગ્રોસેલ કંપની દ્વારા મદદ મળી રહે છે તથા ગામના ગૌસંવર્ધન માટે કાર્યરત રહેતા રામકૃષ્ણ ટ્રસ્ટે વૃક્ષોનું ફેન્સીંગ નિઃશુલ્ક કરી આપ્યું હતુ.

કુકમા ગામના મહિલા સરપંચ દ્વારા નવી હરિયાળી ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કુકમા ગામના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષોને કાયમી પાણી મળી રહે તે માટે ગટરના પાણીને શુદ્ધ કરીને વન બનાવવામાં આવી રહ્યા છે. આ વનની દેખરેખ 45 જેટલા યુવાનો દ્વારા સ્વૈચ્છિક રીતે કરવામાં આવી રહી છે અને કુકમા ગ્રામ પંચાયત દ્વારા મનરેગા યોજના અંતર્ગત મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. કુકમા ગામ વાવવામાં આવેલા 60 હજાર જેટલા વૃક્ષોમાંથી 80થી85 ટકા જેટલા વૃક્ષો જીવિત છે અને તેમને રોજ 10 હજાર લીટર જેટલું પાણી ગટરમાંથી શુદ્ધ કરીને આપવામાં આવી રહ્યું છે. આમ કુકમા ગામના લોકો તથા સરપંચની પર્યાવરણ જતનની અનોખી પહેલ અન્ય ગ્રામ પંચાયતો અને સંસ્થાઓ માટે પ્રેરણાદાયક બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *